દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકચાહના કેટલી છે તે બાબત હવે કોઈનાથી છુપી નથી. માત્ર દેશ જ નહીં, વિશ્વભરમાં મોદી ઓળખ પામ્યા છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં તેમની પ્રચંડ લોકપ્રિયતા છે અને અવારનવાર એવા કિસ્સા બનતા રહે છે જ્યારે ચાહકોએ મોદી પર આદર-સ્નેહ વરસાવ્યા હોય. તાજેતરમાં આવી જ એક ઘટના બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો સાથેનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં બાળકો ચરણસ્પર્શ કરીને PM મોદીના આશીર્વાદ મેળવતાં તથા તેમને આલિંગન આપતાં જોવા મળી રહ્યાં છે. પીએમ મોદી પણ જાણે બાળકો સાથે બાળક બનીને તેમનામાં ભળી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયાં હતાં.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકો સાથેનો વિડીયો આ વાયરલ વિડીયો ભારતીય શિક્ષા સમાગમ 2023ના ઉદ્ઘાટન સમારોહનો છે. જ્યાં મોદીએ બાળકો સાથે મુલાકાત કરીને ખૂબ ધીંગામસ્તી કરી હતી. બાળકો પણ તેમને જોઇને ઉત્સાહમાં આવી ગયાં હતાં. તેમણે ચરણસ્પર્શ અને આલિંગનથી વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીનું આ અલગ રૂપ જોઈ સોશિયલ મીડિયામાં પણ અનેક લોકોએ વિડીયોને શૅર કર્યો હતો.
मासूम बच्चों के साथ आनंद के कुछ पल! इनकी ऊर्जा और उत्साह से मन उमंग से भर जाता है। pic.twitter.com/rGY2mv5eK8
— Narendra Modi (@narendramodi) July 29, 2023
આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર આ વિડીયોની ક્લિપ શૅર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “માસૂમ બાળકો સાથે આનંદની કેટલીક પળો, તેમની ઉર્જા અને ઉત્સાહથી મન ઉમંગથી તરબોળ થઇ જાય છે.” વડાપ્રધાને શૅર કરેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ ભારતીય શિક્ષા સમાગમ 2023ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કેટલાક બાળકોને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીને જોતાંની સાથે જ બાળકો તેમની તરફ ધસી જાય છે. સાથે જ વિડીયોમાં બાળકોને “નમસ્તે મોદીજી” કહેતાં સાંભળી શકાય છે. પીએમ પણ બાળકોને “નમસ્તે” કહીને જવાબ આપી રહ્યા છે.
આ દરમિયાન બાળકો વડાપ્રધાનને જોતાં જ ભેટી પડે છે. એક બાળક ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ પણ મેળવે છે. આ દરમિયાન પીએમ બાળકોને પૂછી રહ્યા છે કે, “મોદીજીને ઓળખો છો તમે લોકો?” જેના જવાબમાં નિર્દોષ બાળકો “હા..યસ…અમે તમને ટીવીમાં જોયા છે…અમે તમને ફોટામાં પણ જોયા છે” કહી રહ્યા છે. આ દરમિયાન જે બાળક મોદીજી સાથે વાત કરી રહ્યો છે તે ફરી એકવાર વડાપ્રધાન મોદીને વળગીને આલિંગન આપે છે. જેના જવાબમાં તેઓ પણ વ્હાલથી બાળકના માથે હાથ ફેરવી રહ્યા છે. જે જોઇને હાજર સહુ કોઈ તાળીઓથી આ ક્ષણને વધાવી લે છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ બાળકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ પણ જોઈ હતી. જેમાં ચિત્રકલા, અંક જ્ઞાન, અને અન્ય જ્ઞાન સાથેના ગમ્મત આપતા સંસાધનોનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો બીજી તરફ બાળકો પણ ઉત્સાહભેર વડાપ્રધાનને પોતાની કુશળતાએ બનાવેલા ચિત્રો બતાવી રહ્યા છે. અત્યાર સુધી આ વિડીયો 8 લાખ 72 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને 40 હજાર લાઈક સાથે 9 હજાર લોકોએ આ વિડીયોને રિ-ટ્વિટ કર્યો છે.