કર્ણાટકના ઉડુપીમાં એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી સમુદાય વિશેષની 3 યુવતીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમની ઉપર ગર્લ્સ વૉશરૂમમાં મોબાઈલ કેમેરા લગાવવાનો આરોપ છે. રિપોર્ટ્સ અનુસાર, આ ત્રણેય કેમેરામાં અન્ય સમુદાયની યુવતીઓના પ્રાઇવેટ વિડીયો રેકોર્ડ કરીને પોતાના સમુદાયના યુવકો સાથે શૅર કરતી હતી.
આ મામલો ઉડુપીના અમ્બલપાડીની નેત્ર જ્યોતિ કોલેજનો છે. જે યુવતીઓને સસ્પેન્ડ કરવામાં આવી તેમની આરોપ છે કે તેમણે અન્ય સમુદાયની વિદ્યાર્થીનીઓના વિડીયો રેકોર્ડ કરવા માટે વૉશરૂમમાં કેમેરા ગોઠવ્યા હતા. ત્યારબાદ તેઓ વોટ્સએપ મારફતે આ વિડીયો પોતાના સમુદાયના યુવકોને મોકલતી હતી. અમુક યુવકોએ આવા કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા, ત્યારબાદ મામલાનો ખુલાસો થયો હતો.
અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિડીયો રેકોર્ડ કરતી યુવતીઓ અને અન્ય વિદ્યાર્થીનીઓ વચ્ચે કોલેજમાં ભારે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ કોલેજ સંચાલકોએ મામલો શાંત પાડવા માટે ત્રણેય આરોપી યુવતીઓને સસ્પેન્ડ કરી દીધી હતી. જ્યારે આ બાબતની જાણ હિંદુ સંગઠનો અને કાર્યકર્તાઓને થઇ તો તેમણે કોલેજ પહોંચીને વિરોધ નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ ઉપરાંત, સર્વ કોલેજ છાત્ર શક્તિ સંગઠન દ્વારા એસપી સાથે મુલાકાત કરીને કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. યુવતીઓ સસ્પેન્ડ થઇ હોવાની પુષ્ટિ તો થઇ ગઈ છે પરંતુ હજુ સુધી કેસ દાખલ થયો હોવાની જાણકારી મળી શકી નથી.
ઉલ્લેખનીય છે કે આવો જ એક મામલો ચંદીગઢની કોલેજમાંથી સામે આવ્યો હતો. સપ્ટેમ્બર, 2022માં એક યુવતી પર કોલેજની અન્ય વિદ્યાર્થીનીઓના પ્રાઇવેટ વિડીયો બનાવીને પ્રેમીને મોકલવાનો આરોપ લાગ્યો હતો. આરોપ અનુસાર તે હોસ્ટેલમાં સાથે રહેતી વિદ્યાર્થીનીઓના પ્રાઇવેટ વિડીયો યુવકોને મોકલતી હતી. આ મામલે ભારે વિવાદ સર્જાયા બાદ પોલીસે તપાસ આદરી હતી અને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ મામલે નવેમ્બર, 2022માં મોહાલી પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં કહ્યું હતું કે, યુવતી પાસેથી અન્ય કોઈ વિદ્યાર્થીનીના આપત્તિજનક ફોટા મળ્યા ન હતા. FSL રિપોર્ટ ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે યુવતીએ પોતાના ફોટા મોકલ્યા હતા અને પ્રેમીએ દબાણ કરતાં અન્ય યુવતીઓના આપત્તિજનક ફોટા ખેંચવા માટે પ્રયાસ કર્યા હતા, પણ સફળ થઇ ન હતી. જે ફોટા મોકલ્યા હતા તે આપત્તિજનક ન હતા, પણ સામાન્ય હતા.