2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ ઘણા વિરોધ પક્ષોને સાથે લાવવાના પ્રયાસો કરી રહી છે. તે સંદર્ભે 17 અને 18 જુલાઈ 2023 ના રોજ બેંગલુરુમાં 26 પક્ષોની બેઠક યોજાઈ હતી અને આ ગઠબંધનને INDIA નામ આપવામાં આવ્યું હતું. 18 જુલાઈના રોજ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 39 દળોની NDA બેઠક પણ મળી હતી. ત્યારે આજે BSP સુપ્રીમો માયાવતીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈ જ ગઠબંધનમાં સામેલ નહીં થાય અને સ્વબળે જ આગામી લોકસભા ચૂંટણી લડશે.
સત્તા પક્ષ અને વિપક્ષ બંનેએ પોતપોતાની બેઠકો યોજી પરંતુ જનતા દળ (સેક્યુલર) (JDS), શિરોમણી અકાલી દળ (SAD), બહુજન સમાજ પાર્ટી (BSP), બીજુ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP), ભારતીય રાષ્ટ્રીય લોકદળ (INLD), ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) જેવા કેટલાક પક્ષો પણ છે કે જે ન તો વિપક્ષની બેઠકમાં દેખાયા અને ન તો NDAની બેઠકમાં. જેમાંથી બસપાએ હવે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે. તે ન તો NDA સાથે જશે કે ન તો વિપક્ષી ગઠબંધન સાથે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને BSP સુપ્રીમો માયાવતીએ 19 જુલાઈ 2023ના રોજ કહ્યું હતું કે તેમની પાર્ટી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે.
મળતી માહિતી મુજબ, વિપક્ષી ગઠબંધન(INDIA) અને NDA બંનેના દાવાઓને નકારી કાઢતા માયાવતીએ કહ્યું કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે “કોંગ્રેસ પાર્ટી પોતાના જેવા જાતિવાદી અને મૂડીવાદી વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરીને કેન્દ્રમાં ફરી સત્તામાં આવવાનું સપનું જોઈ રહી છે. તે જ સમયે, ભાજપ સત્તામાં પાછા આવવા માટે એનડીએને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સત્તામાં પરત ફરવાનો દાવો પણ કરી રહ્યો છે. તે 300થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે. પરંતુ વિપક્ષી ગઠબંધનની જેમ તેમના કથન અને કાર્યમાં પણ ફરક છે.”
#WATCH | BSP chief Mayawati, says, "We will fight the elections alone. We will contest the election on our own in Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Telangana and in Haryana, Punjab and other states we can contest elections with the regional parties of the state." pic.twitter.com/cf1hisNrAt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023
માયાવતીએ કહ્યું, “અમે એકલા ચૂંટણી લડીશું. અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણામાં સ્વબળે ચૂંટણી લડીશું.” સાથે જ BSP હરિયાણા, પંજાબ અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો સાથે મળીને ચૂંટણી લડી શકે છે. વિપક્ષી ગઠબંધનનો હિસ્સો ન હોવા પર BSP સુપ્રીમોએ કહ્યું, “આ પક્ષો લોકોના કલ્યાણ માટે કામ કરતા નથી. તેમણે દલિતો, મુસ્લિમો અને લઘુમતીઓ માટે કંઈ કર્યું નથી. બધા સરખા છે. સત્તામાં આવતાની સાથે જ તેઓ પોતાના વચનો ભૂલી જાય છે. કોંગ્રેસ હોય કે ભાજપ તેમણે જનતાને આપેલું એક પણ વચન પૂરું કર્યું નથી. સૌથી મોટું કારણ છે જેના લીધે બસપાએ વિપક્ષ સાથે હાથ નથી મિલાવ્યા.”
2019ની લોકસભા ચૂંટણી પર નજર કરીએ તો બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના ગઠબંધને કુલ 15 સીટ પર જીત મેળવી હતી. જેમાં બહુજન સમાજ પાર્ટી (BSP) એ 10 સીટ મેળવી હતી. જયારે 2014ની લોકસભા ચૂંટણીમાં BSPએ એકપણ સીટ નહોતી મેળવી.