રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના જોધપુર સ્થિત નિવાસસ્થાને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ દરોડા પાડ્યા છે. આ મામલો ખાતર કૌભાંડ સાથે સંબંધિત છે. અગ્રસેન ગેહલોત પર 2007-09માં યુપીએ શાસન દરમિયાન સબસિડીવાળા ખાતરની નિકાસ કરવાનો આરોપ છે.
CBI raids underway at the residence of Rajasthan CM Ashok Gehlot’s brother, Agrasen Gehlot in Jodhpur. pic.twitter.com/xwtkoK6bjn
— ANI (@ANI) June 17, 2022
અહેવાલો અનુસાર, CBIની ટીમ શુક્રવારે (17 જૂન, 2022) સવારે ગેહલોતના ભાઈ અગ્રસેનના પરિસરમાં પહોંચી, જ્યારે તેઓ ઘરે હતા. સીબીઆઈની ટીમમાં દિલ્હીના 5 અને જોધપુરના 5 અધિકારીઓનો સમાવેશ થાય છે. આ કેસની તપાસ EDમાં પણ ચાલી રહી છે. કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ 5.46 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.
શું છે આ ખાતર કૌભાંડ
વર્ષ 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ખાતર કૌભાંડ અંતર્ગત અશોક ગેહલોતના ભાઈના ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જોધપુર પણ સામેલ હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બે, ગુજરાતમાં ચાર અને દિલ્હીમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજસ્થાન સંકટઃ ખાતર કૌભાંડ મામલે CM ગેહલોતના ભાઇના ઘરે EDના દરોડાhttps://t.co/JNBLvHHOy4#Ashokgehlot #Rajasthan #CM #ed #fertiliserscam #Raid
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 22, 2020
ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ તેની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) ખાતરની નિકાસમાં સામેલ હતી. ઇન્ડિયન પોટાશ લિમિટેડ (IPL) MOP આયાત કરે છે અને ખેડૂતોને સબસિડી પર વેચે છે.
અગ્રસેન ગેહલોત IPLના અધિકૃત ડીલર હતા. તેમની કંપનીએ 2007 અને 2009 ની વચ્ચે સબસિડી દરે MOP ખરીદ્યું હતું, પરંતુ તેને ખેડૂતોને વેચવાને બદલે તેણે અન્ય કંપનીઓને વેચી દીધું હતું. તે કંપનીઓ ઔદ્યોગિક ક્ષારના નામે MOP મલેશિયા અને સિંગાપોર પહોંચાડતી હતી.
આ કૌભાંડ બાદ ભાજપે OpIndiaના સમાચારને ટાંકીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે એક તરફ કોંગ્રેસ ખેડૂતોની વાત કરે છે તો બીજી તરફ તેના નેતાઓ ખેડૂતોની સબસિડી પચાવી પાડે છે. તેમણે તેને સબસિડીની ચોરી ગણાવી હતી. તેમણે આ કેસમાં મની લોન્ડરિંગની આશંકા પણ વ્યક્ત કરી હતી.