સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારની નવી યોજના અગ્નિપથ વિરુદ્ધ હિંસક પ્રદર્શન શુક્રવારે (17 જૂન 2022) પણ ઘણા રાજ્યોમાં ચાલુ છે. આ રાજ્યોમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, હિમાચલ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી-એનસીઆરનો સમાવેશ થાય છે.
બિહારમાં સૌથી વધુ હિંસા જોવા મળી રહી છે. શુક્રવારે સવારે બિહિયા સ્ટેશન પર ભારે પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ સ્ટોર રૂમમાં આગ લગાવી દીધી હતી. લખીસરાય ખાતે વિક્રમશિલા એક્સપ્રેસ અને સમસ્તીપુર ખાતે લોહિત એક્સપ્રેસના કોચ સળગાવી દેવામાં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યપ્રધાન રેણુ દેવીના બેતિયા સ્થિત આવાસ પર હુમલો થયો હતો. બેતિયામાં બીજેપીના બિહાર પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
#WATCH | Bihar: The residence of Deputy CM Renu Devi, in Bettiah, attacked by agitators during their protest against #AgnipathScheme
— ANI (@ANI) June 17, 2022
Her son tells ANI, “Our residence in Bettiah was attacked. We suffered a lot of damage. She (Renu Devi) is in Patna.” pic.twitter.com/Ow5vhQI5NQ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે બિહારમાં અગ્નિપથ વિરુદ્ધ હિંસક પ્રદર્શન અને હિંસા પાછળ આરજેડીનો હાથ છે. તેમણે કહ્યું છે કે આમાં આરજેડીના ગુંડા પણ સક્રિય છે. આ આંદોલનમાં સામેલ બિન-વિદ્યાર્થીઓની ઓળખ કરવી જરૂરી છે. યુવાનોનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે.
The residence of Bihar BJP chief Sanjay Jaiswal, in Bettiah, attacked by agitators protesting against #AgnipathRecruitmentScheme. At least one Policeman injured. pic.twitter.com/y7CI1ubpb3
— ANI (@ANI) June 17, 2022
બિહાર સંપર્ક ક્રાંતિ પણ આગને હવાલે
સમસ્તીપુરમાં દિલ્હીથી દરભંગા જઈ રહેલી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં તોડફોડ કરવામાં આવી હતી અને પાંચ બોગીને આગ ચાંપી દેવામાં આવી હતી. ટ્રેન સમસ્તીપુર સ્ટેશને પહોંચતા પહેલા આઉટર સિગ્નલ પર ઉભી રહી ગઈ હતી. દરમિયાન, પ્રદર્શનકારીઓનું એક જૂથ પહોંચી ગયું અને ટ્રેનના ડબ્બાઓમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું અને છેલ્લે આગ લગાવી દીધી હતી.
ઔરંગાબાદમાં નેશનલ હાઇવે જામ
ઔરંગાબાદમાં પણ દેખાવકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જામના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. દેખાવકારોએ ટાયર સળગાવીને વાહનવ્યવહાર બંધ કરી દીધો હતો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય-ગયા રેલ સેક્શન પર જાખીમ રેલ્વે સ્ટેશન પાસે પણ જામ લગાવી દેવામાં આવ્યો હતો. ટ્રેક પર બેઠેલા યુવકોએ ટ્રેનની કામગીરી અટકાવી દીધી હતી.
બિહિયા સ્ટેશનના ટિકિટ કાઉન્ટરમાં આગચંપી
દેખાવકારોએ બિહિયા સ્ટેશનના ટિકિટ કાઉન્ટરને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન કેટલાક પત્રકારોના મોબાઈલ ફોન તોડવામાં આવ્યા હતા. એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો. શુક્રવારે સવારથી જ આરા-બક્સર રેલ્વે લાઇન પર ભોજપુરના બિહિયા સ્ટેશન પર હંગામો શરૂ થઈ ગયો હતો. દેખાવકારોએ રેલવે, સિવિલ પોલીસ અને આરપીએફ પર પથ્થરમારો કર્યો હતો. સ્ટોર રૂમમાં આગ લગાવી દીધી હતી.
મોહીઉદ્દીનનગર સ્ટેશન પર લોહિત એક્સપ્રેસમાં આગચંપી
શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે, આંદોલનકારીઓએ બરૌની હાજીપુર રેલ્વે સેક્શનના મોહિઉદ્દીનનગર સ્ટેશન પર લોહિત એક્સપ્રેસની ચાર બોગીને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ પહોંચી તો તેમના વાહનની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. લખીસરાય સ્ટેશન પર વિક્રમશિલા એક્સપ્રેસની 4-5 બોગીને સળગાવી દેવામાં આવી હતી. પોલીસનો ફોન પણ છીનવી લેવાયો હતો.
ભરતી ટૂંક સમયમાં શરૂ થશે: રાજનાથ સિંહ
દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે “અગ્નવીર યોજના યુવાનોને મોટી તક આપશે. છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે યુવાનોને ભરતીની તક મળી નથી. એટલા માટે પીએમ મોદીની સૂચના પર સરકારે વય મર્યાદામાં બે વર્ષની છૂટ આપી છે. ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તમામ યુવાનોને આ માટેની તૈયારી કરવા અને ભરપૂર લાભ લેવા અપીલ છે.”