ભાભરના અબાસણા ગામે એક વ્યક્તિ ચિક્કાર દારૂ પીને જોર જોરથી બકવાસ કરતો હોવાની ફરિયાદ મળતા LCBએ દરોડો પડ્યો તો થયો મોટો ભાંડાફોડ. પોલીસના હાથે ઝડપાયેલો આ વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ રમેશ ઠાકોર હતો. હાલ પોલીસે તેના સહિત 2 વ્યક્તિઓ સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલો અનુસાર ભાભરના અબાસણા ગામે LCBને કોઈ વ્યક્તિ દારૂ પી ને નશામાં બકવાસ કરતો હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ પડતા 2 વ્યક્તિઓને દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી એક હતો, રમેશ નગાજી ઠાકોર, જેની પાસેથી 2 દારૂની બોટલ મળી આવી હતી અને બીજા, પ્રહલાદ મણાજી ઠાકોર, પાસેથી 4 દારૂની બોટલ મળી આવી હતી.
ભાભર પોલીસ સ્ટેશન ખાતે બંને સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવાની પ્રક્રિયા કરાઈ રહી હતી. એ દરમિયાન સામે આવ્યું કે આ રમેશ ઠાકોર એ બીજું કોઈ નહિ પણ વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ છે. આ ખુલાસો થતા જ બનાસકાંઠા જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયુ હતું.
નોંધનીય છે કે વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર દારૂ અને પોલીસની કાર્યવાહી વિરુદ્ધ નિવેદનો આપીને ચર્ચામાં રહેતા હોય છે. અહેવાલો અનુસાર તેઓએ એક અઠવાડિયા પહેલા જ પોલીસને દારૂડિયાઓ સામે કાર્યવાહી કરવા માટે આવેદન આપ્યું હતું. વિધિની વક્રતા એ છે કે પોલીસ દ્વારા પકડવામાં આવેલ દારૂડિયામાં તેમનો સગો ભાઈ પણ છે.
ગત વર્ષે મધરાતે કેમેરો લઈને દારૂ સામે જનતા રેડ કરવા પહોંચ્યા હતા ગેનીબેન
નોંધનીય છે કે ગત વર્ષે માર્ચ મહિનામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ પાડીને ભાભરથી કોતરવાડાની કેનાલ પરથી એક પીક-અપમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. તે દરમિયાન તેઓ મીડિયામાં ખુબ છવાયેલા રહ્યા હતા. તેઓએ હંમેશાથી દારૂબંધી બાબતે પોલીસ અને ગૃહ વિભાગ પર હુમલો કરતા આવ્યા છે.
ગેનીબેને પોતાની છબી એક દારૂ વિરોધી તરીકેની બનાવવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે. તેવામાં તેમનો સગો ભાઈ જ પીધેલી હાલતમાં દારૂ સાથે ઝડપાતા અનેક પ્રકારની વાતો શરૂ થઇ ગઈ છે. લોકો પૂછી રહ્યા છે કે બુટલેગરો વિશે માહિતી રાખનાર નેતાને પોતાના ઘરમાં જ દારૂડિયા હોવાની માહિતી નહીં હોય કે શું?