કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનો વચ્ચે કેન્દ્ર સરકારે ગઈકાલે મોડી સાંજે જાહેરાત કરતા વર્ષ 2022 માટે ઉમેદવારોની મહત્તમ ઉંમરમાં બે વર્ષનો વધારો કર્યો છે. અત્યાર સુધી અગ્નિપથ યોજનામાં ભરતી માટે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, જેમાં બે વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણય માત્ર આ વર્ષ માટે જ લાગુ રહેશે.
સરકારે જારી કરેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે, “વર્ષ 2022 માટે પ્રસ્તાવિત ભરતી પ્રક્રિયામાં એક વખત છૂટ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જે અનુસાર, વર્ષ 2022 માટે અગ્નિપથ યોજના માટે ભરતી પ્રક્રિયા માટેની મહત્તમ વયમર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.”
EXTENSION OF ENTRY AGE IN AGNIPATH SCHEME:
— PIB India (@PIB_India) June 16, 2022
Consequent to the commencement of the AGNIPATH scheme, the entry age for all new recruits in the Armed Forces has been fixed as 17 ½ – 21 years of age.
સરકારે એમ પણ કહ્યું કે, કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષમાં ભરતી થઇ શકી ન હતી. જેના કારણે સરકારે આ વર્ષ માટે ભરતી પ્રક્રિયામાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
અહીં નોંધવું જોઈએ કે આ છૂટ માત્ર આ વર્ષ માટે જ આપવામાં આવી છે, આગામી વર્ષેથી જાહેરાત કર્યા પ્રમાણે ફરીથી અગ્નિપથ યોજનાની લઘુત્તમ વયમર્યાદા 17.5 અને મહત્તમ ઉંમર 21 વર્ષ સુધીની રહેશે.
કેન્દ્ર સરકારે બુધવારે અગ્નિપથ યોજના જાહેર કરી હતી, જે અનુસાર 17 થી 21 વર્ષ સુધીના (આ વર્ષે 23 વર્ષ સુધીના) યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં સેવા આપી શકશે. આ માટે સરકારે પગારભથ્થાં અને સેવાનિધિ પેકેજની પણ ઘોષણા કરી છે.
આ યોજના મુજબ ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે.
અગ્નિવીર સૈનિકો માટે સરકારે પગારની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
ચાર વર્ષ પૂર્ણ થયા બાદ અગ્નિવીરો સ્વેચ્છાએ સેનાની મુખ્ય કેડરમાં સામેલ થવા માટે અરજી કરી શકશે. જે બાદ ઉમેદવારોની ક્ષમતા અને જરૂરિયાતને આધારે જે-તે બેચમાંથી 25 ટકા અગ્નિવીરોને સેનામાં સામેલ કરવામાં આવશે. જે બાદ તેમણે સેનાના વર્તમાન નિયમાનુસાર ફરજ બજાવવાની રહેશે.
અગ્નિપથ યોજના હેઠળ સરકારે અગ્નિવીરો માટે એક વિશેષ ડિગ્રી કોર્સ પણ શરૂ કર્યો છે. ગઈકાલે શિક્ષણ મંત્રાલયે કોર્સને મંજૂરી આપી હતી.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી શિક્ષણ મંત્રાલયની એક બેઠકમાં આ કોર્સને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફ્રેમવર્કને લઈને સેનાએ સાથે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે.
આ વિશેષ ડિગ્રી કોર્સમાં પચાસ ટકા માર્ક્સ કૌશલ્ય સબંધિત પ્રશિક્ષણના હશે. જે અગ્નિવીરોની ચાર વર્ષની સેવાઓ દરમિયાન તકનીકી અને બિન-તકનીકી અનુભવને આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે બાકીના પચાસ ટકા અંકો વિષયો દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં ભાષા, ઇતિહાસ સાથે અર્થશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, લોકતંત્ર, સમાજશાસ્ત્ર, વાણિજ્ય, પર્યટન, કૃષિ અને જ્યોતિષ જેવા વિષયો સામેલ કરવામાં આવશે.