ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માત મામલે એક મહિનાની તપાસને અંતે કેન્દ્રીય એજન્સી CBIએ રેલવે વિભાગના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે અને તેમની સામે IPCની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
પકડાયેલા કર્મચારીઓમાં સિનિયર સેક્શન એન્જીનિયર અરૂણ કુમાર મોહન્તા, સેક્શન એન્જીનીયર મોહમ્મદ આમિર ખાન અને ટેક્નિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે. તમામ સામે IPCની કલમ 304 (બિનઈરાદાપૂર્વક હત્યા) અને 201 (ગુનાના પુરાવા ગાયબ કરવા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે મામલે ધરપકડ થઇ છે. બાલાસોર ટ્રેન અકસ્માત કેસમાં આ પહેલી ધરપકડ છે.
Balasore train accident | CBI has arrested 3 people, senior Section engineer Arun Kumar Mohanta, section engineer Mohammad Amir Khan & technician Pappu Kumar, under sections 304 and 201 CrPC pic.twitter.com/EkXTYFHncd
— ANI (@ANI) July 7, 2023
રેલવે અકસ્માત બાદ ઓડિશા પોલીસે કેસ નોંધ્યા બાદ CBIએ નવેસરથી કેસ દાખલ કરીને તપાસ હાથ પર લીધી હતી, પરંતુ તે FIRમાં બિનઈરાદાપૂર્વક હત્યા કે પુરાવા ગાયબ કરવાની કલમ ઉમેરવામાં આવી ન હતી. એક મહિનાની તપાસ બાદ એજન્સીએ FIRમાં આ બે કલમનો ઉમેરો કર્યો છે અને ત્રણની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં કમિશનર ઑફ રેલવે સેફટીએ બાલાસોર ટ્રેન અકસ્માત મામલે પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સિગ્નલ એન્ડ ટેલીકોમ્યુનિકેશન વિભાગની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હતો. રિપોર્ટ અનુસાર, લેવલ ક્રોસિંગ લોકેશન બોક્સમાં વાયરનું ખોટું લેબલિંગ કરવામાં આવ્યું હતું અને જે ભૂલ વર્ષો સુધી ન પકડાઈ અને 2018માં સિગ્નલ મેન્ટેન્ટન્સના કામ વખતે પણ તેને અવગણવામાં આવ્યું. જેના કારણે 2 જૂનની રાત્રે કોરોમંડલ એક્સપ્રેસને ખોટી સિગ્નલ અપાઈ ગઈ અને ટ્રેન માલગાડી સાથે જઈને અથડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ ભયાનક અકસ્માત ગત 2 જૂન, 2023ની રાત્રે બન્યો હતો. ઓડિશાના બહનગા રેલવે સ્ટેશન પરથી પસાર થતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને મેઈન લાઈનની જગ્યાએ લૂપ લાઈન પર મોકલી દેવામાં આવી હતી, જે ત્યાં પહેલેથી ઉભેલી માલગાડી સાથે જઈને અથડાઈ હતી અને તેના ડબ્બા વિખેરાઈને બાજુના ટ્રેક પર પડ્યા હતા. બરાબર આ જ સમયે બાજુના ટ્રેક પરથી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પસાર થઇ રહી હતી, જેના પાછળના કેટલાક ડબ્બા કોરોમંડલ એક્સપ્રેસ સાથે ટકરાયા હતા, જેના કારણે અકસ્માતે વધુ ભીષણ સ્વરૂપ પકડ્યું હતું. આ અકસ્માતમાં 290 જેટલા લોકોનાં મોત થઇ ગયાં હતાં તો સેંકડો લોકોને ઇજા પહોંચી હતી.
મામલાની ગંભીરતાને જોતાં કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે, જે હાલ ચાલી રહી છે.