Wednesday, May 1, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅગ્નિપથ યોજના: શું છે અગ્નિવીરો માટે શરૂ કરવામાં આવેલો વિશેષ ડિગ્રી કોર્સ?...

    અગ્નિપથ યોજના: શું છે અગ્નિવીરો માટે શરૂ કરવામાં આવેલો વિશેષ ડિગ્રી કોર્સ? જાણો તમામ માહિતી

    કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના હેઠળ તૈયાર થનારા અગ્નિવીર માટે શું કોર્સ છે અને તેને આવનારા વર્ષોમાં શું ફાયદો થશે તેની સંપૂર્ણ સમજણ.

    - Advertisement -

    બુધવારે (15 જૂન 2022) કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનાર અગ્નિવીરો માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ત્રણ વર્ષીય વિશેષ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. જેનું સંચાલન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવશે. જલ્દીથી જ ત્રણેય સેનાઓ અને યુનિવર્સીટી વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. 

    કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી શિક્ષણ મંત્રાલયની એક બેઠકમાં આ કોર્સને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ફ્રેમવર્કને લઈને સેનાએ સાથે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે. 

    આ વિશેષ ડિગ્રી કોર્સમાં પચાસ ટકા માર્ક્સ કૌશલ્ય સબંધિત પ્રશિક્ષણના હશે. જે અગ્નિવીરોની ચાર વર્ષની સેવાઓ દરમિયાન તકનીકી અને બિન-તકનીકી અનુભવને આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે બાકીના પચાસ ટકા અંકો વિષયો દ્વારા નક્કી કરવામાં આવશે. જેમાં ભાષા, ઇતિહાસ સાથે અર્થશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, લોકતંત્ર, સમાજશાસ્ત્ર, વાણિજ્ય, પર્યટન, કૃષિ અને જ્યોતિષ જેવા વિષયો સામેલ કરવામાં આવશે.

    - Advertisement -

    આ ઉપરાંત, પર્યાવરણ અધ્યયન અને સંચાર કૌશલ્યને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વિશેષ કોર્સ યુજીસી અને એઆઈટીસી સહિત તમામ નિયામકો દ્વારા મંજૂર કરવામાં આવશે. સાથે જ આ ડિગ્રી દેશ અને દુનિયામાં તમામ સ્થળે માન્ય હશે. 

    સરકારના કહેવા અનુસાર, આર્મીમાં સેવા આપતા કર્મચારીઓ માટેના આ વિશિષ્ટ કૌશલ્ય-આધારિત અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આર્મીમાં તેમની સેવા દરમિયાન તેમણે પ્રાપ્ત કરેલી યોગ્યતાઓને માન્યતા આપવાનો છે. જેથી ભવિષ્યમાં અગ્નિવીરોને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મેળવવામાં સરળતા રહેશે.

    ઉલ્લેખનીય છે કે બુધવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સેનાની ત્રણેય પાંખોના વડાએ ખાસ ‘અગ્નિપથ યોજના’ની જાહેરાત કરી હતી. જેના હેઠળ 17.5 વર્ષથી 21 વર્ષની ઉંમરના યુવાનોને સેનામાં સેવા આપવાની તકો મળશે.

    અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે યુવાનોની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષ વચ્ચેની હોવી જરૂરી છે. ટ્રેનિંગ સમયગાળા સહિત યુવાનોને કુલ 4 વર્ષો માટે આર્મ્ડ સર્વિસિઝમાં સેવા આપવાની તક મળશે. તેમજ ભરતીની સમગ્ર પ્રક્રિયા સેનાના નિયમો અનુસાર હશે. આ યોજના હેઠળ સૈનિકોની તાલીમ 10 અઠવાડિયાથી 6 મહિના સુધીની હશે. હવે આ માટે વિશેષ ડિગ્રી કોર્સ પણ શરૂ થશે.

    અગ્નિવીર સૈનિકો માટે સરકારે પગારની પણ જાહેરાત કરી છે. જેમાં પહેલા વર્ષે યુવાનોને 30 હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે. EPF/PPF ની સુવિધા સાથે અગ્નિવીરને પહેલા વર્ષે 4.76 લાખ રૂપિયા મળશે. ચોથા વર્ષ સુધી માસિક પગાર 40 હજાર એટલે વાર્ષિક પેકેજ 6.92 લાખ રૂપિયાનું થશે. કાર્યકાળ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં