થોડા દિવસ પહેલાં સુરતનાં એક સફાઈ કર્મચારી મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ ભારે વરસાદમાં પણ સાફસફાઈ કરતાં જોવા મળ્યાં હતાં. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વિડીયો ટ્વિટ કરીને મહિલા કર્મચારીની કામગીરીને બિરદાવી હતી. તાજેતરમાં યોજાયેલા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં આ મહિલા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું.
વાયરલ વિડીયોમાં જોવા મળતાં આ મહિલાનું નામ જાગૃતિબેન છે. બે દિવસ પહેલાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મહિલાનો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો. વિડીયોમાં વરસતા વરસાદમાં છત્રી કે રેનકોટ વગર મહિલા સફાઈ કરતાં જોવા મળે છે. ગૃહમંત્રીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘આવા ધોધમાર વરસાદમાં પણ આપણા સુરત શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીને વંદન છે.’ ત્યારબાદ આ વિડીયો અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર પણ ફરતો થઇ ગયો હતો.
શનિવારે સુરતમાં આયોજિત ભાજપના એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી. આર પાટિલે મહાનગરપાલિકાનાં મહિલા કર્મચારીઓનું સન્માન કર્યું હતું, જેમાં વાયરલ વીડિયોમાં જોવા મળતાં મહિલાને પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી. આર પાટીલ તેમજ સુરત ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાએ મહિલા કર્મચારીનું સન્માન કર્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ગઈકાલે સાંજે સુરત મહાનગર ખાતે કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી બહેનોનું સન્માન કરી અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી. pic.twitter.com/Hv5nanZsSL
— BJP Surat Mahanagar (@BJP4SuratCity) July 1, 2023
ભાજપ અધ્યક્ષ સી. આર પાટિલના હસ્તે સન્માન થયા બાદ મહિલા કર્મચારી જાગૃતિ બેને કહ્યું કે, “વરસતા વરસાદમાં હું સિવિલ ચાર રસ્તા નજીક સફાઈ કરી રહી હતી અને ત્યારે કોઈકે વિડીયો ઉતારી લીધો હતો, જે ફરતો થઇ ગયો. વિડીયો વાયરલ થયા બાદ મને ખબર પડી કે મારો વિડીયો શૅર થઇ રહ્યો છે અને લોકો મને બિરદાવી રહ્યા છે. આજે સન્માન મેળવીને બહુ આનંદ અનુભવું છું.”