કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા માટેની તૈયારી કરી રહી છે. મીડિયા અહેવાલોનું માનીએ તો સંસદના આગામી ચોમાસુ સત્રમાં સરકાર બિલ રજૂ કરી શકે છે. બીજી તરફ, ઉત્તરાખંડ સરકારે પણ રાજ્યમાં UCC લાગુ કરવા માટે કમર કસી છે અને આજે ડ્રાફ્ટ બનાવવા માટે રચવામાં આવેલી સમિતિએ પોતાનું કામ પૂર્ણ કરી લીધાની જાહેરાત પણ કરી દીધી છે.
સંસદનું મોન્સૂન સત્ર આગામી જુલાઈ મહિનામાં યોજાઈ શકે છે. આ સત્ર નવા ભવનમાં યોજાશે. જેમાં મોદી સરકાર બિલ રજૂ કરી શકે તેમ મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. જોકે, સરકારે હજુ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરંતુ અહેવાલોમાં જણાવાયું છે કે આ માટેની તૈયારીઓ ચાલી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, બિલ પહેલાં સંસદની સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી 3 જુલાઈ (સોમવારે) સંસદની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં લૉ કમિશન અને કાયદા મંત્રાલયના પ્રતિનિધિઓ સામેલ થશે. બેઠકમાં 14 જૂનના રોજ લૉ કમિશન દ્વારા UCC મુદ્દે માંગેલા અભિપ્રાયો મુદ્દે ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત 14 જૂનના રોજ લૉ કમિશને જનતાને UCC મુદ્દે પોતાના અભિપ્રાયો રજૂ કરવા માટે જણાવ્યું હતું.
પીએમ મોદી પણ કરી ચૂક્યા છે ઉલ્લેખ
મોદી સરકાર માટે પાંચ ઓગસ્ટનો દિવસ અત્યંત મહત્વનો છે. 5 ઓગસ્ટ, 2019ના દિવસે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી. 2020માં 5 ઓગસ્ટના રોજ પીએમ મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થયું હતું. હવે પાંચ ઓગસ્ટ આવી રહી છે ત્યારે સરકાર UCC બિલ રજૂ કરીને પોતાનો વધુ એક વાયદો પૂરો કરશે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે.
UCC બિલ આવવાનું એક મોટું કારણ એ પણ છે કે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમંચ પરથી તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તાજેતરમાં ભોપાલમાં એક કાર્યક્રમમાં તેમણે સમાન નાગરિક સંહિતાને લઈને કહ્યું કે, દેશમાં એક જ કાયદો હોવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ પણ તેની ભલામણ કરી ચૂકી છે.
ઉત્તરાખંડમાં પણ UCC લાગુ કરવાની તૈયારીઓ પુરજોશમાં, ગુજરાત પણ બનાવી ચૂક્યું છે સમિતિ
આ બધાની વચ્ચે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રાજ્યની ભાજપ સરકારે બનાવેલી સમિતિએ પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે ડ્રાફ્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. બીજી તરફ, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ રાજ્યમાં UCC લાગુ કરવાની ઘોષણા કરી દીધી છે.
प्रदेशवासियों से किए गए वादे के अनुरूप आज 30 जून को समान नागरिक संहिता का ड्राफ्ट तैयार करने हेतु बनाई गई समिति ने अपना कार्य पूरा कर लिया है। जल्द ही देवभूमि उत्तराखण्ड में #UniformCivilCode लागू किया जाएगा।
— Pushkar Singh Dhami (@pushkardhami) June 30, 2023
जय हिन्द, जय उत्तराखण्ड !
પુષ્કરસિંહ ધામીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘પ્રદેશવાસીઓને કરેલા વાયદા પ્રમાણે આજે 30 જૂને સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનાવામાં આવેલી સમિતિએ પોતાનું કામ પૂર્ણ કરી લીધું છે. જલ્દીથી જ દેવભૂમિ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. જય હિન્દ, જય ઉત્તરાખંડ.’ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ સીએમ ધામીએ UCC લાગુ કરવાની ઘોષણા કરી હતી અને આ માટે એક પેનલની રચના કરવામાં આવી હતી.
ઉત્તરાખંડમાં UCCનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનાવાયેલી સમિતિનાં સભ્ય અને સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ અને એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ પ્રિન્ટ કરીને રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.
#WATCH | It gives me immense pleasure to inform you that the drafting of the proposed Uniform Civil Code of Uttarakhand is now complete. The report of the expert committee along with the draft will be printed and submitted to the Government of Uttarakhand: Retd Supreme Court… pic.twitter.com/7RGqaZZtYk
— ANI (@ANI) June 30, 2023
હવે ઉત્તરાખંડ સરકાર આ ડ્રાફ્ટ પર કામ કરીને આગામી સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરી શકે છે. બિલને મંજૂરી મળ્યા બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે. જો તેમ થાય તો ઉત્તરાખંડ UCC લાગુ કરનારું પ્રથમ રાજ્ય બનશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ UCC લાગુ કરવા માટે ભુપેન્દ્ર પટેલ સરકાર એક સમિતિ બનાવી ચૂકી છે. ઉત્તરાખંડની જેમ જ આ સમિતિ પણ સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે, ત્યારબાદ આગળ કાર્યવાહી ચાલશે.