મહારાષ્ટ્રમાં EDની મોટી કાર્યવાહીથી ચકચાર મચી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એનસીપી, શિવસેના (યુબીટી) અને કોંગ્રેસના ઘણાં નેતાઓ પર ઇડીએ સકંજો કસ્યો છે. હવે ઇડીએ મુંબઈના BMC કોવિડ સેન્ટર કૌભાંડ મામલે બુધવારે (20 જૂન, 2023) સવારથી જ 15 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે. અહેવાલ અનુસાર, આ કાર્યવાહી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નજીકના સાથી સૂરજ ચવ્હાણ ઉપરાંત સંજય રાઉતના નજીક ગણાતાં સુજીત પાટકર સામે કરવામાં આવી છે.
જોકે, BMC કોવિડ સેન્ટર કૌભાંડ મામલે ઈડીએ હજુ નામો અંગે સત્તાવાર પુષ્ટિ નથી કરી. વાસ્તવમાં, કોવિડ દરમિયાન લાઈફલાઈન કંપની અંતર્ગત કથિત કૌભાંડ બાબતે ઈડીએ કેસ નોંધ્યો હતો. મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આદિત્ય અને રાઉત સાથે સંકળાયેલા લોકોના 10 જેટલા સ્થળોએ ઈડીની રેઇડ ચાલુ છે.
Maharashtra | ED is conducting raids at more than 15 locations of a few BMC officers, suppliers and IAS officers in Mumbai, in connection with the alleged BMC Covid scam.
— ANI (@ANI) June 21, 2023
કયા કૌભાંડમાં ઈડીએ કરી છે કાર્યવાહી?
કોરોનાકાળ દરમિયાન મુંબઈમાં વિવિધ જગ્યાએ કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આવું જ એક સેન્ટર મુંબઈના દહિસરમાં બનાવવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે સંજય રાઉતના અત્યંત નજીક ગણાતાં બિઝનેસમેન સુજીત પાટકરે આ કોવિડ સેન્ટર બનાવ્યું હતું. આ માટે સુજીત પાટકરે રાતોરાત એક કંપની બનાવી હતી, જેને લાઈફલાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસ નામ આપવામાં આવ્યું હતું.
અહેવાલ અનુસાર, આ કોવિડ સેન્ટર માટે સુજીત પાટકરને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેના સંચાલન માટે જૂન 2020માં ડોક્ટર સાથે કરાર કરાયો હતો અને BMCએ કોન્ટ્રાક્ટ આપી દીધો. કહેવાય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને તેમના ઘરે દરોડા દરમિયાન એક કાગળ મળ્યો છે. તેના આધારે એવો આરોપ લાગ્યો છે કે પાટકરે કોન્ટ્રાક્ટ મેળવ્યાના એક વર્ષ પછી BMC સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેમના ખાતામાં 32 કરોડ રૂપિયા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બીજેપી નેતા અને પૂર્વ લોકસભા સાંસદ કિરીટ સોમૈયાએ અગાઉ BMC દ્વારા કોવિડ-19 સેન્ટરોના નિર્માણમાં અનિયમિતતા હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ અંગે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે હોસ્પિટલ મેનેજમેન્ટ ફર્મ અને કેટલાક શખ્સો સામે કોવિડ કોન્ટ્રાક્ટ મેળવવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.