રવિવારે (18 જૂન, 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી જાણીતા ગુજરાતી કવિ તુષાર શુક્લની એક કવિતા શૅર કરી હતી. પોતાની ફેસબુક વૉલ પર લખેલી આ કવિતામાં તુષાર શુક્લએ બિપરજોય વાવાઝોડા સમયે ગુજરાત સરકારે કરેલી કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે સરકારની ટીકા કરવામાં આવે તો સાથે તેમનાં સારાં કામોની પ્રશંસા પણ થવી જોઈએ.
પીએમ મોદીએ કવિ તુષાર શુક્લની આ કવિતા શૅર કરીને લખ્યું કે તેઓ આ પ્રકારના પ્રતિભાવો વાંચીને સંતોષની લાગણી અનુભવે છે. સાથે જ તેમણે આ કાવ્યને સુંદર અને સંવેદનાસભર અભિવ્યક્તિ ગણાવી હતી.
આવા પ્રતિભાવો વાંચીને સંતોષની લાગણી અનુભવું છું. સુંદર અને સંવેદનાસભર અભિવ્યક્તિ….. https://t.co/c8DWgN5Cjy
— Narendra Modi (@narendramodi) June 18, 2023
‘ટીકા કરી તો તિલક પણ કરીએ’ શીર્ષક હેઠળની કવિતામાં કવિ તુષાર શુક્લએ વાવાઝોડા પહેલાં આગોતરું આયોજન અને તૈયારીઓ કરીને કરોડો ગુજરાતીઓના જીવ બચાવવા બદલ સરકારની પીઠ થાબડી હતી અને સાથે એમ પણ કહ્યું કે સરકાર વિશેની ધારણા હવે બદલાઈ રહી છે. તેમણે એ પણ આહવાન કર્યું કે જરૂર પડ્યે સરકારની ટીકા કરવી જ જોઈએ પરંતુ જ્યારે સારું કામ થાય તો તેની પ્રશંસા થાય તે પણ જરૂરી છે.
કવિએ લખ્યું કે, આફત સમયે સરકારમાં બેઠેલા માણસો દલીલો આપવાની જગ્યાએ સતત કાર્યરત રહ્યા અને પોતાનું કામ કરતા રહ્યા અને ફરજ નિભાવી. બીજી તરફ, આદતવશ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર ટીકાઓ કરી તો હવે એ ભૂલ કબૂલવી જોઈએ અને સરકારના પ્રયાસોને બિરદાવવા જોઈએ.
આગળ કવિએ મંત્રીઓ, અધિકારીઓ સહિત સમગ્ર તંત્રના તમામ લોકોની કામગીરીને વખાણીને તેમને વંદન કર્યાં અને દિવસોથી સેવામાં જોતરાયેલા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં. સાથે કહ્યું કે તેમની કામગીરીના કારણે આજે લોકોમાં તંત્ર વિશેની ધારણા બદલાઈ રહી છે અને આ જ કામગીરીના કારણે ગુજરાતીઓનાં જીવન બચી શક્યાં છે. એકતા પર ભાર મૂકતાં કવિએ લખ્યું કે, સૌ સાથે મળીને સંકલ્પ કરે તો અસંભવ કામ પણ સંભવ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયે ગુજરાત તરફ દિશા બદલી ત્યારથી જ રાજ્ય સરકાર સક્રિય થઇ ગઈ હતી અને મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક કરીને વરિષ્ઠ મંત્રીઓને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ, NDRF-SDRFની ટીમો, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરેને પૂરતી સંખ્યામાં તહેનાત કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી પણ સતત સક્રિય રહ્યા અને પરિસ્થિતિઓ પર નજર રાખતા રહ્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સતત નજર રાખી હતી.
સૌના સહિયારા પ્રયાસોના પરિણામે ગુજરાત સંકટમાંથી હેમખેમ બહાર નીકળી શક્યું અને ભયંકર ચક્રવાત પસાર થઇ ગયા છતાં કોઈ જાનહાનિ થઇ ન હતી. તેમજ જે થોડુંઘણું નુકસાન થયું તેની ભરપાઈ કરવાનું કામ પણ ખૂબ ઝડપથી ચાલ્યું. સૌના આ સહિયારા પ્રયાસોની હવે પ્રશંસા થઇ રહી છે.