Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટISKP મોડ્યુલનો પાંચમો આતંકવાદી ઝુબૈર મુન્શી શ્રીનગરથી પકડાયો: કટ્ટરપંથી મુસ્લિમ યુવાનોને આતંકી...

    ISKP મોડ્યુલનો પાંચમો આતંકવાદી ઝુબૈર મુન્શી શ્રીનગરથી પકડાયો: કટ્ટરપંથી મુસ્લિમ યુવાનોને આતંકી સંગઠનમાં જોડતો હતો, સરહદપારના આતંકીઓ સાથે હતી સાંઠગાંઠ

    ગુજરાત ATS અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને શ્રીનગરથી દબોચી લીધો હતો. 

    - Advertisement -

    બે દિવસ પહેલાં ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક વિશેષ ઓપરેશનમાં પોરબંદર અને સુરતમાંથી આતંકવાદી સંગઠન ISKP સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ મોડ્યુલનો પાંચમો આતંકવાદી ઝુબૈર મુન્શી પણ પકડાઈ ચૂક્યો છે. ગુજરાત ATS અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં તેને શ્રીનગરથી દબોચી લીધો હતો. 

    પોરબંદરમાંથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન તેનું નામ ખૂલ્યા બાદથી જ ઝુબૈર મુન્શીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. તેનું લોકેશન શ્રીનગર મળતાં ત્યાંની પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આખરે આજે તેને શોધી કાઢવામાં આવ્યો હતો. હવે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને ગુજરાત લાવવામાં આવશે અને અહીં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    બીજી તરફ, સંદેશના રિપોર્ટ અનુસાર, પકડાયેલો આ મોડ્યુલનો પાંચમો આતંકવાદી ઝુબૈર ભારતમાં ISKP સંગઠનનો હેન્ડલર હતો અને અન્ય આતંકીઓ સાથે સંપર્કમાં હતો. તે સોશિયલ મીડિયા પર ભારતવિરોધી અને ભડકાઉ પોસ્ટ્સ કરતો હતો તેમજ તેની ઉપર જો કોઈ મુસ્લિમ યુવક પ્રતિક્રિયા આપે તો તે કેટલો કટ્ટર છે તે જોઈને આવા લોકોની યાદી બનાવતો હતો. જેને સુરતની સુમેરા બાનુ પાસે મોકલતો અને તે આવા લોકોનો સંપર્ક કરીને તેમને જેહાદી સાહિત્ય અને વિડીયો બતાવીને તેમનું બ્રેનવોશ કરતી હતી. ત્યારબાદ સુમેરા તેમના પોતાની મરજીથી અલ્લાહ માટે શહાદત વહોરવા જઈ રહ્યા હોવાના વિડીયો બનાવીને ઝુબૈરને મોકલતી હતી જે અફઘાનિસ્તાન બેઠેલા આકાઓને મોકલી આપતો હતો. તેઓ ફરમાન કરે ત્યારબાદ આ કટ્ટરપંથીઓને દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન મોકલવામાં આવતા હતા, જ્યાં તેમની ટ્રેનિંગ કરવામાં આવતી. 

    - Advertisement -

    ગુજરાત ATSએ કઈ રીતે પાર પાડ્યું હતું તાજેતરનું ઓપરેશન?

    ગુજરાત ATSને ત્રણ આતંકવાદીઓ પોરબંદરના રસ્તે ભાગવાના હોવાના ઇનપુટ મળ્યા બાદ શુક્રવારે ATSના અધિકારીઓ પોરબંદર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને વૉચ ગોઠવી હતી. જ્યાં આ ત્રણેય શંકાસ્પદ યુવાનો ઝડપાઇ ગયા હતા. તેમની ઓળખ ઉબૈદ નાસિર મીર, હાનન હયાત શોલ અને મોહમ્મદ હાજિમ શાહ (ત્રણેય રહે. શ્રીનગર, જમ્મુ-કાશ્મીર) તરીકે થઇ હતી. તેમની પૂછપરછ કરતાં સ્વીકાર્યું હતું કે તેઓ ISKP માટે કામ કરે છે અને તેના હેન્ડલર અબુ હમઝાના સંપર્કમાં હતા. તેણે જ તેમને કટ્ટરપંથી બનાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. અબુ હમઝાએ તેમને પોરબંદર પહોંચવા માટે કહ્યું હતું, જ્યાંથી તેઓ ફિશિંગ બોટ મારફતે ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. 

    આ ત્રણની પૂછપરછમાં આ જ મોડ્યુલ સાથે સંકળાયેલા અન્ય બે આતંકવાદીઓનાં નામ ખૂલ્યાં હતાં. પકડાયેલા આતંકીઓએ જણાવ્યું હતું કે સુરતની એક સુમેરાબાનુ અને કાશ્મીરના શ્રીનગરનો ઝુબૈર મુન્શી પણ તેમની સાથે જોડાવાનાં હતાં. ત્યારબાદ ATS અને પોલીસની ટીમો સુરત અને શ્રીનગર જવા માટે રવાના થઇ હતી. સુમેરા બાનુની ધરપકડ શુક્રવારે જ કરી લેવામાં આવી હતી, જ્યારે ઝુબૈર આજે હાથમાં આવ્યો છે. 

    આ તમામ ISKPના મુખ્ય મોડ્યુલમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા અને ત્યાંથી તેઓ અન્ય દેશોમાં જઈને આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાવા માટેની ફિરાકમાં હતા. પોરબંદરથી પકડાયેલા ત્રણ યુવાનોના સમાન અને બેગની તપાસ કરતાં તેમાંથી ડિજિટલ ઉપકરણો તેમજ છરી વગેરે પણ મળી આવ્યું હતું. ઉપરાંત, તેમની પાસેથી ISKPના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફ અને કમાન્ડરના નામે શપથ લેતા વિડીયો પણ મળી આવ્યા હતા. જ્યારે સુમેરા પાસેથી પણ જેહાદી સાહિત્ય અને અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી હતી. માહિતી અને પુરાવાના આધારે ઉબેર, હનાન અને મોહમ્મદ હાજિમ શાહ, ઝુબૈર અને સુમેરાબાનુ સામે UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં