નવા સંસદ ભવનમાં અખંડ ભારતના ભીંતચિત્રને લઈને વિફરેલા પાકિસ્તાનને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો છે. એસ. જયશંકરે ‘અખંડ ભારત’ના નકશાને લઈને સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ રાજકીય મુદ્દો નથી અને નેપાળ જેવા મિત્ર દેશો આ વાત સમજી ગયા છે. જોકે, પાકિસ્તાન જેવા દેશ પાસે આ વાત સમજવાની ક્ષમતા જ નથી.
ઉલ્લેખનીય છે કે, નવા સંસદ ભવનમાં એક ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે જે અખંડ ભારત દર્શાવે છે. આને લઈને નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન અને પાકિસ્તાન જેવા ભારતના પાડોશી દેશોએ સવાલ ઉઠાવ્યા હતા. બાદમાં એસ. જયશંકરે ‘અખંડ ભારત’ના નકશા અંગે એવું જણાવ્યું હતું કે, “વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી પહેલાં જ એવી સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે આ નકશો અશોક સામ્રાજ્યની સીમા દર્શાવે છે.”
‘પાકિસ્તાન પાસે આ વાત સમજવાની શક્તિ જ નથી’
વિદેશ મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, “અમે બાકી દેશોને આ ભીંતચિત્રનો અર્થ સમજાવ્યો છે અને તેઓ સમજી ગયા છે. અમે તેમને કહ્યું છે કે આ અશોક સામ્રાજ્યની સીમા દર્શાવે છે. પાકિસ્તાનની વાત જવા દો, એની પાસે આ વાત સમજવાની શક્તિ જ નથી. જ્યાં સુધી POK નો સવાલ છે, તો એ બાબતે અમારું વલણ પહેલાંથી જ સ્પષ્ટ છે. દેશ, સંસદ અને અમારું આ વલણ બદલાશે નહીં.”
ગયા અઠવાડિયે ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ભારતીય સંસદ ભવનમાં બનેલા ચિત્ર અંગે એવું જણાવ્યું હતું કે, “અમે સંસદમાં મૂકવામાં આવેલા નવા ભારતીય નકશાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ ભારતે એવી સ્પષ્ટતા કરી છે કે આ એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક નકશો છે. તેને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ.”
નવા સંસદ ભવનમાં લગાવવામાં આવ્યું છે ‘અખંડ ભારત’નું ચિત્ર
28 મે, 2023ના રોજ પીએમ મોદીના હસ્તે ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અખંડ ભારતનું ભીંતચિત્ર પણ મૂકવામાં આવ્યું છે. આ નકશામાં અશોક સામ્રાજ્ય વખતના ભારતના પ્રાચીન શહેરોને ચિહ્નિત કરવામાં આવ્યા છે.
આ નકશામાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિની અને તક્ષશિલા જેવા સ્થળો દર્શાવવામાં આવ્યા છે. તો પુરૂષપુર અને સૌવીર જેવા સ્થળો પણ બતાવવામાં આવ્યા છે, જે હાલમાં પાકિસ્તાનના પેશાવર અને સિંધ પ્રાંતમાં છે. લુમ્બિની હાલમાં નેપાળમાં છે અને તક્ષશિલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાં છે. આ ઉપરાંત, તે જગ્યાઓ પણ બતાવવામાં આવી છે જે હાલમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાનમાં છે. આ નકશો જોયા બાદ પાકિસ્તાન સહિતના પડોશી દેશોએ વાંધો દર્શાવ્યો હતો. તો પાકિસ્તાને એવું કહ્યું હતું કે, આ ભારતની વિસ્તરણવાદી માનસિકતા દર્શાવે છે.
વિદેશ મંત્રીએ રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા
બીજી તરફ અમેરિકામાં જઈને પીએમ મોદી અને સત્તારૂઢ BJP સરકાર વિશે આપત્તિજનક નિવેદન આપનારા રાહુલ ગાંધી પર પણ વિદેશ મંત્રીએ પ્રહાર કર્યા હતા. એસ જયશંકરે કહ્યું હતું કે, રાહુલ ગાંધી તથ્યોની યોગ્ય સમજ વગર જ બોલ્યા કરે છે અને ગાંધી વંશને વિદેશમાં ભારતની ટીકા કરવાની આદત છે.