Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએક ટ્રેન પાટા પરથી ઉતરીને માલગાડી સાથે ટકરાઈ, તેના ડબ્બા સાથે બીજી...

    એક ટ્રેન પાટા પરથી ઉતરીને માલગાડી સાથે ટકરાઈ, તેના ડબ્બા સાથે બીજી ટ્રેન અથડાઈ: ઓરિસ્સામાં ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માતમાં 233નાં મોત, 900 ઘાયલ

    પહેલાં શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરીને માલગાડી સાથે ટકરાયાના સમાચાર મળ્યા હતા પરંતુ પછીથી સામે આવ્યું કે ખરેખર ત્રણ ટ્રેન અથડાઈ હતી.

    - Advertisement -

    ઓરિસ્સામાં સર્જાયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આખી રાત ચાલેલું રેસ્ક્યુ ઓપરેશન હાલ પણ ચાલુ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બીજી તરફ, બચાવકાર્યના નિરીક્ષણ માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સ્થળ પર પહોંચ્યા છે. 

    આ ટ્રેન અકસ્માત ઓરિસ્સાના બાલાસોરમાં બહનગા સ્ટેશન પાસે શુક્રવારે (2 જૂન, 2023) રાત્રે સર્જાયો હતો. પહેલાં શાલિમારથી ચેન્નાઇ જતી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરીને માલગાડી સાથે ટકરાયાના સમાચાર મળ્યા હતા પરંતુ પછીથી સામે આવ્યું કે ખરેખર ત્રણ ટ્રેન અથડાઈ હતી. જેમાં બે પેસેન્જર ટ્રેન ટકરાઈ હતી અને બાજુમાં ઉભેલી ગુડ્સ ટ્રેન પણ ઝપટમાં આવી ગઈ હતી. 

    બન્યું એવું કે સાંજે સાત વાગ્યાની આસપાસ શાલિમાર-ચેન્નાઇ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને તેના 10થી 12 ડબ્બા બાજુની લાઈન પર પડી ગયા હતા. જેમાંથી કેટલાક ત્રીજા ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે ટકરાયા હતા. થોડી જ વારમાં એ ટ્રેક પર આવતી બેંગ્લોરથી હાવડા જતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસ આવી પહોંચી હતી અને કોરોમંડલ એક્સપ્રેસના ખડી પડેલા ડબ્બા સાથે અથડાઈ હતી. 

    - Advertisement -

    એકસાથે ત્રણ ટ્રેન અથડાઈ જવાના કારણે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સેંકડો લોકો ઘાયલ થયાના સમાચાર છે જ્યારે 200થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઇ ચૂકી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 10 લાખની સહાય અપાશે, જ્યારે ગંભીર રીતે ઇજા પામેલાઓને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય કરવામાં આવશે. કેન્દ્ર સરકારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી.

    સ્થળ નિરીક્ષણ કરવા પહોંચેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનાને દુઃખદ ગણાવી અને કહ્યું કે રેલવે, NDRF, SDRF અને રાજ્ય સરકાર રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યાં છે અને શક્ય તેટલી સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ગઈકાલે વળતરની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે, અમારું ધ્યાન હમણાં રેસ્ક્યુ અને રિલીફ ઓપરેશન ઉપર છે. જિલ્લા તંત્ર પાસેથી લીલી ઝંડી મળ્યા બાદ પુનર્સ્થાપન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઘટના અંગે ઉચ્ચ-સ્તરીય તપાસ કરવામાં આવશે તેમજ રેલ સેફટી કમિશનર પણ પોતાની રીતે તપાસ કરશે. 

    ઘટનાને લઈને ઓરિસ્સામાં એક દિવસનો રાજકીય શોક ઘોષિત કરવામાં આવ્યો છે, જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ગોવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વંદે ભારત ટ્રેનના પ્રસ્થાનનો કાર્યક્રમ આયોજિત હતો, જે પણ રદ કરી દેવાયો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં