નારોલ પોલીસે રીક્ષામાં બેસાડીને લૂંટ કરનારા બે આરોપીઓને પકડી પાડ્યા છે. આરોપીઓએ ગીતાંમદિરથી નરોડા રીક્ષામાં મુસાફરી કરી રહેલા યુવક પર છરીથી હુમલો કરી મોબાઈલ અને રોકડ સહિતની લૂંટ ચલાવી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે વટવાથી બંનેની ધરપકડ કરી છે.
અમદાવાદમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતા બે શખ્સોની ધરપકડ https://t.co/yRXyQ83ev5
— Gujarat First (@GujaratFirst) June 13, 2022
નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચક્રો ગતિમાન કરીને વટવાથી સાનુ કુરેશી અને મોહમ્મદ તોફીક શેખ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓમાંથી એક સાનુ કુરેશી રીક્ષાચાલક છે જ્યારે તોફિક શેખ તેનો સાગરિત છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલમાં રહેતા પ્રદિપ રાજપૂત 8મી જૂનનાં રોજ સવારે પોતાનાં વતન બિહારથી અમદાવાદ આવ્યા હતા, ત્યારે ગીતામંદિરથી નરોડા જવા માટે તેઓએ ઓટો રીક્ષા કરી હતી. રીક્ષામાં સવાર બન્ને આરોપીઓ યુવકને નરોડા લઈ જવાના બદલે જેતલપુર લઈ ગયા હતા અને ત્યાં રીક્ષામાં ચપ્પુથી હાથ પગમાં હુમલો કરી રોકડ રકમ, મોબાઈલ ફોન અને પાસપોર્ટ સહિતનાં ડોક્યુમેન્ટ મળીને 12 હજારનાં માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
પ્રદિપ રાજપુતના કહેવા મુજબ તેની પાસે અલગ અલગ દેશોની 7 ચલણી નોટો હતી, જે પણ આ બંને આરોપીઓએ લૂંટી લીધી હતી. તેઓ લૂંટ કર્યા બાદ યુવકને રીક્ષામાંથી ઉતારી બારેજા તરફ ફરાર થઈ ગયા હતા.
પરંતુ સમય સૂચકતા વાપરીને પ્રદીપે આરોપીઓની રીક્ષાનો નંબર જોઈ લીધો હતો અને તેનાં આધારે આ વિષયમાં નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નારોલ પોલીસે ત્વરીત કાર્યવાહી કરીને વટવા પાસેથી ગુનામાં સામેલ બન્ને આરોપીઓને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બન્ને આરોપીઓ અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં રહે છે અને નશાની ટેવ ધરાવે છે. નારોલ પોલીસે આરોપીઓનો કોરોનાં ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે જેથી આની પહેલા એમણે આવી રીતે કેટલા મુસાફરો સાથે રીક્ષામાં બેસાડીને લૂંટ કરી છે તે જાણકારી નિકાળી શકાય.
આ પહેલીવાર નથી કે આવી ઘટના સામે આવી હોય. આ પહેલ પણ શટલ રીક્ષામાં પેસેન્જરને બેસાડી લુંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે ઝડપી પાડી હતી. નારોલના શાસ્ત્રીબ્રિજના છેડે રોડની સાઈડમાં આવેલી ઝાડીમાં એક પેસેન્જરને લઇ રિક્ષાચાલક ટોળકી ધાક ધમકી આપતી હતી ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલી દાણીલીમડા પોલીસની વાન આવી પહોંચતા લુંટારુઓએ નાસી છૂટવાનો પ્રયાસ કરનાર રિક્ષાને પોલીસે આંતરી લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા.