ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં બે જૂથો વચ્ચેની હિંસાને પગલે છેલ્લા કેટલાય દિવસોથી અજંપાભર્યો માહોલ સર્જાયો છે. હવે મણિપુર હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યું છે કે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સ્તરના રિટાયર્ડ જજ હિંસાની તપાસ કરશે. તો કેન્દ્રીય ગૃહમંત્રીએ પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
મણિપુર હિંસા મામલે ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે (1 જૂન, 2023) ઇમ્ફાલમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મણિપુરમાં હિંસા મામલે સ્પેશિયલ CBIની ટીમ તપાસ કરી રહી છે અને તેમના પર દેખરેખ રાખવા માટે કેન્દ્ર સરકારે રિટાયર્ડ હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારની દેખરેખ હેઠળ એક શાંતિ સમિતિની રચના પણ કરવામાં આવશે.”
અમિત શાહે કહ્યું કે, “મણિપુરમાં હિંસાની ઘટનાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઘણી એજન્સીઓ કામ કરી રહી છે. તો હિંસાની છ ઘટનાઓ એવી છે, જેમાં ષડ્યંત્ર હોવાની આશંકા છે. આ મામલે ઉચ્ચ સ્તરીય CBIની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. આ તપાસ નિષ્પક્ષ હોય એની અમે ખાતરી કરશું.”
A thorough, in-depth and impartial investigation will be conducted into the Manipur violence. Strict legal actions will be initiated against the perpetrators of violence to ensure that it never recurs. pic.twitter.com/q9hxYbO8nS
— Amit Shah (@AmitShah) June 1, 2023
પીડિત પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળશે 5-5 લાખની સહાય
હિંસામાં ભોગ બનેલા પીડિતોના પરિવારને વળતર આપવાની પણ ગૃહમંત્રીએ ખાતરી આપી હતી. તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી 5-5 લાખનું વળતર આપવામાં આવશે. આ દરમિયાન ગૃહમંત્રીએ તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપો. હવે રાજ્યમાં સ્થિતિ સામાન્ય છે.
પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે જણાવ્યું હતું કે, “રાજ્યમાં જે લોકો હિંસાનો ભોગ બન્યા છે તેમના માટે 20 ડોક્ટરો સહિત તબીબી નિષ્ણાતોની આઠ ટીમો મોકલવામાં આવી છે.”
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં હિંસાથી પ્રભાવિત લોકો રસ્તા પર આવી ગયા છે અને ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ગૃહમંત્રીએ આ અંગે કહ્યું હતું કે, 15 પેટ્રોલ પંપ દિવસ-રાત ખુલ્લા રહેશે અને રેલવે દ્વારા પણ મણિપુરમાં સપ્લાય શરુ કરી દેવામાં આવશે. ખોંગસાંગ રેલવે સ્ટેશન પર એક કામચલાઉ પ્લેટફોર્મ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે એટલે રેલવે સેવા પુનઃ શરુ થઈ જશે. આ રીતે રાજ્યમાં જે પણ વસ્તુઓની અછત સર્જાઈ છે તે પૂર્ણ થશે.”
રાજ્યની ચાર દિવસીય મુલાકાતે પહોંચેલા અમિત શાહે કહ્યું હતું કે, “29 એપ્રિલ, 2023ના રોજ મણિપુર હાઈકોર્ટના નિર્ણયને કારણે રાજ્યમાં બે જૂથો વચ્ચે હિંસા શરૂ થઈ હતી, જોકે હવે બધું નિયંત્રણમાં છે.” અધિકારીઓના જણાવ્યા મુજબ, હિંસામાં અત્યાર સુધીમાં 80 થી વધુ લોકો માર્યા ગયા છે.