મણિપુરમાં મોટાપાયે હિંસા થયા બાદ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો હતો. ત્યારબાદ અલગ-અલગ ઓપરેશનોમાં અત્યાર સુધીમાં 40 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યાંના મુખ્યમંત્રીએ સ્વયં આ બાબતની જાણકારી આપી હતી. અગાઉ તેમણે 33 આતંકવાદીઓ માર્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ પછીથી આ આંકડો 40 પર પહોંચ્યો હોવાનું કહ્યું હતું.
#ManipurViolence | "We have taken strict action. Till now we have reports that around 40 terrorists have been eliminated," says Manipur CM N Biren Singh pic.twitter.com/jB5eh77f7J
— ANI (@ANI) May 28, 2023
મુખ્યમંત્રી એન બિરેન સિંહે માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રતિબંધિત સંગઠનો સાથે સાંઠગાંઠ રાખીને મણિપુરમાં હિંસા ફેલાવનાર 40 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ઓપરેશન વખતે આતંકવાદીઓએ સુરક્ષા એજન્સીઓ ઉપર ગોળીબાર પણ કર્યો હતો, જેની જવાબી કાર્યવાહીમાં તેઓ ઠાર મરાયા હતા. અન્ય આતંકવાદીઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ રાજ્યવ્યાપી તપાસ અભિયાન પણ ચલાવી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ભારતીય સેના અને અર્ધ લશ્કરી દળ ‘આસામ રાઈફલ્સ’ દ્વારા સંવેદનશીલ ગણતા કાંગ્ચુંક, મોતબુંગ, સૈકુલ, પુખાઓ સહિતના વિસ્તારોમાં સતત તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડુંગરાળ અને જંગલ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ સુરક્ષાદળોના જવાનો વિશેષ તકનીકની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. આ ઓપરેશન દરમિયાન જ મણિપુરમાં હિંસા ફેલાવનાર 33 આતંકવાદીઓને ભારતીય સેનાએ ફૂંકી માર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે રાજ્યના મુખ્યમંત્રી અને જનરલ મનોજ પાંડે વચ્ચે એક લાંબી બેઠક થઈ હતી. તે પહેલાં મનોજ પાંડે એ સેનાની ઇસ્ટર્ન કમાંડના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ RP કલીતા અને રાજ્યપાલ અનુસુયા ઉઈકે સાથે મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નોંધનીય છે કે સોમવારે (29 માર્ચ 2023)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુના પ્રવાસે જવાના છે. તેમના પ્રવાસ પહેલા ભારતીય સેનાના પ્રમુખ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
શું છે આ હિંસાનું કારણ?
હિંસાનું કારણ બહુમતી મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનો નિર્ણય અને સરકારી જમીનનો સરવે છે. જે બાદ મણિપુરમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. કુકી અને નાગા સમુદાયો મેઇતેઈને આદિવાસી દરજ્જો આપવાનો વિરોધ કરી રહ્યા છે. આઝાદી બાદથી કુકી અને નાગા સમુદાયોને આદિવાસીનો દરજ્જો મળ્યો છે.
મેઇતેઈ બહુમતીમાં છે અને તેઓ પાડોશી દેશોની સતત ઘૂસણખોરીથી ચિંતિત છે. તેમનું કહેવું છે કે મ્યાનમાર અને બાંગ્લાદેશથી ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ પહાડી વિસ્તારોમાં મોટા પાયે સ્થાયી થઈ રહ્યા છે. જેના કારણે તેમની સાંસ્કૃતિક ઓળખ સામે ખતરો ઉભો થયો છે. હકીકતમાં, ઉત્તરપૂર્વ ભારત મ્યાનમાર સાથે 1,643 કિલોમીટરની સરહદ ધરાવે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, મ્યાનમારમાંથી લગભગ 52,000 શરણાર્થીઓ પૂર્વોત્તર રાજ્યોમાં સ્થાયી થયા છે. તેમાંથી 7800 મણિપુરમાં શરણાર્થી છે. તેમને શરણાર્થીનો દરજ્જો મળ્યો છે.
આ ઉપરાંત મ્યાનમાર અને બાંગ્લાદેશમાંથી પણ મોટી સંખ્યામાં ગેરકાયદેસર માઈગ્રન્ટ્સ મણિપુરમાં સ્થાયી થયા છે. તેમના આંકડા સરકાર પાસે નથી. મેઇતેઈ સંગઠનો દાવો કરે છે કે મ્યાનમાર અને બાંગ્લાદેશથી મોટા પાયે ગેરકાયદેસર ઈમિગ્રેશનને કારણે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.