વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઐતિહાસિક અવસરે 75 રૂપિયાનો સિક્કો લૉન્ચ કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. મોદી સરકાર 75 રૂ.ના સિક્કાને આઝાદીના અમૃત મહોત્સવ તેમજ સંસદના ઉદ્ઘાટન સાથે જોડીને આ દિવસ યાદગાર બનાવવા માગે છે.
આ વિશેષતાઓ ધરાવતો હશે 75 રૂપિયાનો સિક્કો
નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, 75 રૂપિયાનો સિક્કો નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે લૉન્ચ કરવામાં આવશે. સિક્કાની એક તરફ અશોક સ્તંભનો સિંહ હશે, જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે. ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ‘ભારત’ અને જમણી બાજુ અંગ્રેજીમાં ‘ઇન્ડિયા’ લખેલું હશે. તો બીજી તરફ નવા સંસદ ભવનનું ચિત્ર હશે જેની ઉપર હિન્દી અને અંગ્રેજીમાં સંસદ સંકુલ લખેલું હશે અને સંસદ ચિત્રની નીચે વર્ષ 2023 લખેલું હશે.
Ministry of Finance to launch a special Rs 75 coin to commemorate the inauguration of the new Parliament building on 28th May. pic.twitter.com/NWnj3NFGai
— ANI (@ANI) May 26, 2023
75 રૂપિયાનો સિક્કો 44 મિલીમીટરના વ્યાસ સાથે ગોળાકાર હશે. તેનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. તો 5-5 ટકા નિકલ અને ઝિંક ધાતુ હશે. આ સિક્કો ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.
28 મહિનાને અંતે નવું સંસદ ભવન બનીને તૈયાર
નવા સંસદ ભવનના નિર્માણ માટે 10 ડિસેમ્બર, 2020ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી, 2021માં તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં પણ તેનું કામ ચાલુ હતું અને આખરે 28 મહિનાને અંતે આ સંસદ ભવન બનીને તૈયાર થઇ ગયું છે.
નવા સંસદ ભવનમાં લોકસભામાં 888 સાંસદો અને રાજ્યસભામાં 384 સાંસદો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. અહીં મહત્વના કામકાજ માટે અલગ ઓફિસ બનાવવામાં આવી છે જે હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. નવા સંસદ ભવનમાં સાંસદો માટે એક લાઉન્જ, અત્યાધુનિક લાઈબ્રેરી, ભોજન માટેનો વિસ્તારથી માંડીને પૂરતા પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા હશે. જૂનું સંસદ ભવન ગોળાકાર હતું, જ્યારે આ નવું ભવન ત્રિકોણાકારે બનાવવામાં આવ્યું છે.
19 વિપક્ષી દળોએ કર્યો છે ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર
કોંગ્રેસ, શિવસેના (UBT), આમ આદમી પાર્ટી, TMC, RJD, JDU સહિત 19 વિપક્ષી દળોએ એક સંયુક્ત નિવેદન જારી કરીને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના બદલે PM નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવું રાષ્ટ્રપતિનું અપમાન છે.