વાસ્તવિકતાને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ થઇ ત્યારથી દેશના એક વર્ગે તેની વિરુદ્ધ ખૂબ અપપ્રચાર ફેલાવ્યો છે તો ફિલ્મ સાથે જોડાયેલા લોકોને કે તેના સમર્થનમાં પ્રચાર કરતા લોકોને ધમકી મળ્યાના પણ કિસ્સા જોવા મળ્યા છે. હવે આ ફિલ્મમાં ‘આસિફા’નું પાત્ર ભજવતી અભિનેત્રી સોનિયા બાલાનીએ કહ્યું છે કે, તેમને પણ સતત ધમકીઓ મળી રહી છે. જોકે, સાથે એમ ઉમેર્યું કે આ કોઈ મોટી વાત નથી અને લોકોનો પ્રેમ તેમના માટે મહત્વનો છે.
અભિનેત્રી સોનિયા બાલાનીએ તાજેતરમાં મીડિયા સાથે વાતચીત કરતાં આ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, ધ કેરાલા સ્ટોરી ફિલ્મનો ઉદ્દેશ્ય કરોડોની કમાણી કરવાનો નહીં પરંતુ કેરળની દીકરીઓએ વેઠેલી વાસ્તવિકતા દર્શાવવાનો હતો. ફિલ્મ કોઈ ધર્મ વિરુદ્ધ નહીં પરંતુ આતંકવાદ અને ISISના વિરોધમાં છે, જેની એક-એક વાત સત્ય છે. સાથે તેમણે ઉમેર્યું કે, આ ફિલ્મના કારણે તેમને ધમકી મળી રહી છે તો કોઈ મારી દેવાની વાત કરી રહ્યું છે. જોકે, સાથે તેમણે કહ્યું કે, લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે તેની સામે આ ધમકીઓ કશું જ નથી.
સોનિયાએ કહ્યું કે, તેઓ સ્વયં પીડિત યુવતીઓને મળ્યાં છે અને તેમની આપવીતી સાંભળી છે. તેમણે આ યુવતીઓની વાતો લોકો સુધી પહોંચાડવાની હતી જેના કારણે તેમણે ‘ધ કેરાલા સ્ટોરી’માં ‘આસિફા’નું પાત્ર ભજવવાનું નક્કી કર્યું અને પૂરેપૂરી ઈમાનદારીથી પાત્રને મોટા પડદા પર સ્થાન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, વાસ્તવિક જીવનમાં તેઓ આસિફાના પાત્રથી બિલકુલ અલગ છે. જોકે, સાથે એમ ઉમેર્યું હતું કે તેઓ આ પ્રકારના રોલ કરતા રહેશે.
અભિનેત્રીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ખૂબ ટિપ્પણીઓ થઇ રહી છે અને લોકોને તે ખૂબ પસંદ આવી રહી છે. મુસ્લિમ યુવતીઓને પણ ફિલ્મ પસંદ આવી છે અને તેમણે તેમનો સંપર્ક કરીને તેમના અભિનયની પ્રશંસા પણ કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, હવે દર્શકો સ્ટારકાસ્ટને નહીં પરંતુ ફિલ્મના વિષય અને તેના કન્ટેન્ટને જોવા જાય છે અને ‘ધ કેરાલા સ્ટોરી’ની સફળતા પાછળ પણ એ જ કારણ છે.
સોનિયાએ બહાર ભણતી વિદ્યાર્થીની અને તેમના વાલીઓને અપીલ કરી હતી કે તેઓ પોતાની સહાદ્યાયીઓ અને રૂમમેટ્સ વિશે પૂરતી જાણકારી મેળવી લે અને કોઈના કહેવામાં ન આવે. વાલીઓને પણ કહ્યું કે તેઓ બાળકોનું પૂરતું ધ્યાન રાખે.