કેરળની હજારો હિંદુ યુવતીઓની પીડા દર્શાવતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ રીલીઝ થઈ ત્યારથી દેશમાં અનેક જગ્યાએ તેના વિરુદ્ધ મોરચા મંડાયા છે, તો વળી ક્યાંક હિંદુ સંસ્થાઓ અને અગ્રણીઓ આ ફિલ્મને પોતાના ખર્ચે લોકોને દેખાડી રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ આણંદના એક વેપારીએ રાખ્યો હતો. તેમણે ઘોષણા કરી હતી કે આણંદ-વિદ્યાનગરના ગુર્જર સોરઠીયા દરજી સમાજની મહિલાઓ માટે 16 મેના રોજ આ ફિલ્મ જોવા માટેનો તમામ ખર્ચ તેઓ ઉપાડશે. જોકે, અચાનક આ વેપારીએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મના ફ્રી શૉની સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી અને હવે સોશિયલ મીડિયામાં બે હાથ જોડીને મુસ્લિમોની માફી માંગતો તેમનો વિડીયો વાયરલ થઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ આણંદના રહેવાસી અને મુબારક ટેલર શોપના માલિક ધર્મેશ બાલી તરીકે થઇ છે, તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ ધ કેરાલા સ્ટોરી ફિલ્મના શૉની સ્પોન્સરશિપ લેવા બદલ મુસ્લિમ સમુદાયની માફી માંગતા જોવા મળે છે અને કહે છે કે હવે તેઓ આ ફિલ્મ સમાજની બેન-દીકરીઓને બતાવવા માંગતા નથી.
વાસ્તવમાં થોડા સમય પહેલાં તેમના સમાજના અગ્રણીઓએ ધર્મેશ દરજીની મુલાકાત કરી હતી અને સમાજની બેન-દીકરીઓને ફિલ્મના બતાવવા માટે શૉ સ્પોન્સર કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેમણે સ્પોન્સરશિપની જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પર એક પેમ્ફલેટ પણ વાયરલ થયું હતું, જેમાં ગુર્જર સોરઠિયા દરજી જ્ઞાતિની મહિલાઓ માટે ‘ધ કેરાલા સ્ટોરી’ના ફ્રી શૉ આયોજિત કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને સાથે સ્પોન્સર તરીકે ‘મુબારક ટેલર્સ’ના ધર્મેશ દરજીનું નામ લખવામાં આવ્યું હતું.
દરજીએ મીડિયાને જણાવ્યું કે, મને ઘણા લોકોના કોલ્સ આવ્યા કે મારે આ ‘વિવાદિત ફિલ્મ’થી દૂર રહેવું જોઈએ. મને ફિલ્મના વિષય વિશે કોઈ ખ્યાલ ન હતો. મારા સમાજના લોકો મારી પાસે આવ્યા હતા અને મહિલાઓને ફિલ્મ બતાવવા માટે સ્પોન્સરશિપની માંગ કરી હતી, જેની પર મેં હા પાડી દીધી હતી. જેવી મને તેના વિશે ખબર પડી કે મેં નિર્ણય પરત લઇ લીધો કારણ કે મારે કોઈને બદનામ કરવા નથી. મારા સ્ટોરનું નામ ‘મુબારક’ છે અને મારા ઘણા ગ્રાહકો અને મિત્રો મુસ્લિમ છે.
This Gujarati Hindu is saying his samaj as stopped the showing of The Kerala Story. I do not want to show this movie to my sisters and daughters. and it will be banned in his community. Let’s live like we always do with our 🐍📗brothers. He also says he has apologised to the… pic.twitter.com/m0zeBfZibJ
— JIX5A (@JIX5A) May 17, 2023
સોશિયલ મીડિયા પર ફરતા વિડીયોમાંથી એકમાં ધર્મેશ દરજી બે વ્યક્તિની વચ્ચે બેઠેલા જોવા મળે છે, જેમાંથી એકે માથે ટોપી પહેરેલી દેખાય છે. એક વ્યક્તિ કહેતો સંભળાય છે કે, “(ફિલ્મ) ફેક ડેટા પર આધારિત છે અને તેની કોઈ હકીકત જ નથી.” ત્યારબાદ ધર્મેશ દરજી કહે છે કે, “મારા બધા મુસલમાન ભાઈઓને એટલી નમ્ર વિનંતી કે હું આ બદલ માફી માંગું છું અને તરત હટાવી દીધું છે.” આગળ કહે છે કે, “મારું તો સર્કલ જ મુસલમાનનું છે અને મને દુઃખ થાય છે અને રડવું આવે છે, કે મેં કેમ આ બાબતમાં હા પાડી દીધી.” ત્યારબાદ કેટલાક મુસ્લિમ વ્યક્તિઓના ફોન આવ્યા બાદ પોતે સ્પોન્સરશિપ હટાવી દીધી હોવાનું પણ તેઓ ઉમેરે છે.
અન્ય એક વિડીયોમાં ધર્મેશ દરજી કહે છે કે, “મુસ્લિમ ભાઈઓ…મારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરજો. મેં ફિલ્મ જોઈ ન હતી અને મને ખ્યાલ જ ન હતો કે એવી કોઈ બાબત મેં વિચારી ન હતી.” તેઓ આગળ કહે છે કે, “મારું સર્કલ જ મુસલમાનનું છે અને બધા ગ્રાહકો પણ મુસ્લિમો છે. જો કોઈને દુઃખ થયું હોય તો હું પ્રેમથી માફી માંગું છું. મેં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પરથી હટાવી દીધું છે.”
અન્ય એક વિડીયોમાં ધર્મેશ દરજી પોતાની સાથે ઉભેલા એક વ્યક્તિને બતાવીને કહે છે કે, આ મારા સમાજના પ્રમુખ છે અને મેં તેમને અહીં બોલાવ્યા છે. મને કે તેમને ફિલ્મ વિશે કોઈ ખ્યાલ ન હતો અને હું સ્પોન્સર થઇ ગયો હતો. પરંતુ હવે મેં તેમને કહ્યું છે કે હું મારા સમાજમાં આ ફિલ્મ બતાવવા નહીં માંગીશ. હું આ ‘ધ કેરાલા સ્ટોરી’ મારા સમાજની બેન-દીકરીઓને બતાવવા જ નથી માંગતો. મારા સમાજના લોકો આવ્યા હતા એટલે હું સ્પોન્સર થયો હતો પણ હવે એ રદ કર્યું છે. જેથી મહેરબાની કરીને બહુ કોલ ન કરતા અને શૉ રદ કરી દીધો છે. મારા મુસલમાન ભાઈઓને નમ્ર વિનંતી કે જેમ છો એમ જ રહેજો અને મેં પણ બધાને એવો જ પ્રેમ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધર્મેશ દરજીએ ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ના શૉ સ્પોન્સર કર્યા બાદ મુસ્લિમોએ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. ફેસબુક પર ઘણી પોસ્ટ્સ કરવામાં આવી હતી, જેમાં આ નિર્ણય બદલ તેમની ટીકા કરવામાં આવી તો સાથે તેમની ‘મુબારક ટેલર્સ’ શૉપના બહિષ્કારની પણ માંગ કરવામાં આવી હતી.
આ સિવાય ‘ચરોતર વહોરા સમાજ’ નામના ફેસબુક હેન્ડલ પરથી પણ ધર્મેશ બાલી પર મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.