એલન મસ્કે ગયા વર્ષે ઑક્ટોબરમાં ટ્વિટરની કમાન સંભાળતા જ માઈક્રોબ્લોગિંગ પ્લૅટફોર્મની સિકલ બદલાઈ ગઈ છે. મસ્કે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન રજૂ કર્યા બાદ યુઝર્સને એક ફાયદો એ થયો છે કે તેઓ નવા-નવા ફીચર્સનો લાભ મેળવી શકે છે. આ સબસ્ક્રિપ્શન હેઠળ બ્લુ ટિક, લાંબા ટેક્સ્ટ મેસેજ બાદ હવે વિડીયોને લગતા ખાસ ફીચરની જાહેરાત કરવામાં આવી છે.
એલન મસ્કે ટ્વીટ કરીને આ નવા ફીચર વિશે જાણકારી આપી હતી. તેમણે લખ્યું છે કે, ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન લેનારા વેરિફાઇડ યુઝર્સ હવે બે કલાકનો અથવા 8 GB સુધીનો વિડીયો અપલોડ કરી શકશે.
Twitter Blue Verified subscribers can now upload 2 hour videos (8GB)!
— Elon Musk (@elonmusk) May 18, 2023
ઉલ્લેખનીય છે કે, જે યુઝર્સએ ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ન લીધું હોય તેઓ માત્ર 140 સેકન્ડ એટલે કે 2 મિનિટ 20 સેકન્ડ સુધીનો વિડીયો જ પ્લૅટફોર્મ પર અપલોડ કરી શકે છે.
ભારતમાં ટ્વિટર બ્લુ ટિકનો કેટલો ચાર્જ છે?
એલન મસ્કે 20 એપ્રિલ સુધી જ ફ્રી બ્લુ ટિકની સુવિધા આપી હતી. એ પછી કોઈ પણ યુઝરને બ્લુ ટિક મેળવવા માટે પેમેન્ટ કરવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. ભારતમાં ટ્વિટર બ્લુ માટેનો ચાર્જ વેબસાઈટ અને મોબાઈલ માટે અનુક્રમે રૂ. 650 અને રૂ. 900 છે.
ટ્વિટર પર પહેલા વેરિફાઇડ અકાઉન્ટ્સને માત્ર બ્લુ ટિક આપવામાં આવતું હતું. પરંતુ હવે ટ્વિટર ત્રણ પ્રકારના માર્ક આપી રહ્યું છે. સરકારથી સંબંધિત ટ્વિટર અકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઇડ અકાઉન્ટ્સને બ્લુ ટિક આપવામાં આવી રહ્યું છે.
આ સબસ્ક્રાઈબર્સ ટ્વીટ કર્યા બાદ 30 મિનિટની અંદર 5 વખત પોસ્ટ એડિટ કરી શકે છે, લાંબો વિડીયો પોસ્ટ કરી શકે છે, તો જાહેરાતો પણ 50 ટકા ઓછી થઈ જાય છે. તેમને નવા ફીચર્સનો પણ લાભ મળે છે તેમજ કંપની આ યુઝર્સની પોસ્ટને પણ પ્રાથમિકતા આપે છે. ટ્વિટરની પોલિસી મુજબ, જે યુઝર્સના અકાઉન્ટ 90 દિવસ કે તેથી વધુ જૂના છે, તેઓ ઉપર ડાબી બાજુએ પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરીને ટ્વિટર બ્લુ એક્સેસ કરી શકે છે.
એલન મસ્કે ટ્વિટરના નવા CEOની કરી જાહેરાત
તાજેતરમાં એલન મસ્કે એક ટ્વીટ કરી હતી કે, તેમણે ટ્વિટરના નવા CEO તરીકે કૉમકાસ્ટ NBC યુનિવર્સલની ટોપ સેલ્સ એક્ઝિક્યુટિવ લિન્ડા યાકારિનોની નિમણૂક કરી છે. મસ્ક ભવિષ્યમાં ટ્વિટરના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કામ કરશે.