કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં જાહેર કરેલા ઘોષણાપત્રમાં બજરંગ દળને PFI સાથે સરખાવીને સરકાર બને તો તેની ઉપર પ્રતિબંધ મૂકવાનો વાયદો કર્યા બાદ હિંદુ સંગઠને કોંગ્રેસને લીગલ નોટિસ મોકલી છે અને 100 કરોડનો દાવો માંડ્યો છે.
A Legal notice for defamation of Bajrang Dal Chandigarh by congress posted to @INCindia president @kharge with a claim of ₹100 Cr in damages for defaming #BajrangDal and hurting sentiments of Hindus globally.
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) May 6, 2023
बजरंग दल को छेड़ने का फल तो भुगतना ही होगा… pic.twitter.com/qkDfdSXpgF
વિશ્વ હિંદુ પરિષદે આજે ટ્વિટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. ટ્વિટમાં VHPએ લખ્યું કે, બજરંગ દળ ચંદીગઢ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લીગલ નોટિસ મોકલવામાં આવી છે અને સંગઠનને અપમાનિત કરવા બદલ અને વિશ્વભરના હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ 100 કરોડ રૂપિયાનો દાવો માંડવામાં આવ્યો છે. સંગઠને સાથે એમ પણ લખ્યું કે, બજરંગ દળને છંછેડવાનું ફળ ભોગવવું જ પડશે. ઉલ્લેખનીય છે કે બજરંગ દળ એ વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ છે.
નોટિસમાં શું કહેવામાં આવ્યું છે?
બજરંગ દળે કોંગ્રેસ અધ્યક્ષને મોકલેલી નોટિસમાં પાર્ટીના કર્ણાટકના ઘોષણાપત્રનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, તેના 10મા પાના પર બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરીને અપમાન કરવામાં આવ્યું છે તેમજ સંગઠનને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (PFI) અને સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI) જેવાં સરકાર દ્વારા UAPA હેઠળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સરખાવવામાં આવ્યું છે.
આગળ જણાવવામાં આવ્યું કે PFI અને SIMI સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સેંકડો દેશો દ્વારા પ્રતિબંધિત અલ-કાયદા અને ISIS તેમજ અન્ય આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં આતંકી સંગઠનો છે. આ સંગઠનો તેમના મઝહબના વિચારોથી વિભિન્ન મત ધરાવતા લોકોને ટાર્ગેટ કરે છે અને તેમની સાથે રેપ, બૉમ્બ બ્લાસ્ટ, અપહરણ, હ્યુમન ટ્રાફિકિંગ, નરસંહાર, સાયબર અટેક, કેમિકલ અટેક વગેરેના સ્વરૂપમાં અત્યાચાર કરવામાં આવે છે.
VHP અને બજરંગ દળ ભારત માતાની સેવા માટે સમર્પિત
નોટિસમાં કહેવાયું કે, બીજી તરફ, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદ દાયકાઓથી સાર્વભૌમત્વ, સહિષ્ણુતા, ધાર્મિક એકતા, રાષ્ટ્રીય અખંડિતતા અને ભારત માતાની સેવામાં માનતાં આવ્યાં છે અને જેમની પ્રેરણા ધર્મ અને સેવાના આદર્શ મૂર્તિમંત ભગવાન રામ અને ભગવાન હનુમાનજી છે. બજરંગ દળ વિશે કહેવાયું કે, તે ધર્મ અને માનવતાની સેવા માટે સંપૂર્ણ સમર્પિત સંગઠન છે અને આ બાબતો પર ક્યારેય સંદેહ કરી શકાય નહીં. નોટિસમાં એ પણ જણાવવામાં આવ્યું કે કઈ રીતે ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતો હોય કે કોરોના જેવી મહામારી, બજરંગ દળના કાર્યકરો હંમેશા રાષ્ટ્ર સેવા માટે અગ્રેસર રહ્યા છે. તેમજ આ ઉપરાંત પણ સમાજ સેવા માટે અનેક કાર્યો આ સંગઠન કરતું રહે છે.
કોંગ્રેસને મોકલેલી નોટિસ સાથે VHPએ કહ્યું કે, કોઈ પણ જાતના આધાર-પુરાવા વગર PFI અને અન્ય તાલિબાની સંગઠનો સાથે બજરંગ દળની સરખામણી કરવી એ આ સંગઠનોના કરોડો સભ્યો અને ભગવાન હનુમાનજીનું અપમાન છે, જેઓ કરોડો હિંદુઓના આરાધ્ય છે અને પાર્ટીના આ અપમાનજનક નિવેદનના કારણે આ સંગઠનોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.
નોટિસમાં 1 કરોડ રૂપિયાનો દાવો માંડીને 14 દિવસની અંદર આ રકમ ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે અને જો તેમ નહીં થાય તો આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. આ નોટિસ સાહિલ બંસલ નામના વકીલે મોકલી છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળની સરખામણી પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI સાથે કરી હતી અને સત્તામાં આવે તો આવાં સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો વાયદો કર્યો હતો. ત્યારથી પાર્ટી પર માછલાં ધોવાઈ રહ્યાં છે અને બેકફૂટ પર આવી ગઈ છે.