મોદી સમાજ વિશે ટિપ્પણી કરીને ફસાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટમાંથી પણ રાહત ન મળતાં આખરે તેમણે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેની ઉપર બે તબક્કામાં સુનાવણી ચાલ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હવે જૂન મહિનામાં વેકેશન બાદ બેન્ચ ચુકાદો સંભળાવશે. દરમ્યાન, રાહુલને કોઈ પણ પ્રકારની વચગાળાની રાહત આપવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો.
મંગળવારે (2 મે, 2023) રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. ફરિયાદી પૂર્ણેશ મોદી તરફથી વકીલ નિરૂપમ નાણાવટીએ દલીલ કરી હતી. આ દલીલો દરમિયાન તેમણે રાહુલ ગાંધીનાં બેવડાં ધોરણો કોર્ટ સમક્ષ ખુલ્લાં પાડ્યાં અને જણાવ્યું કે કઈ રીતે તેઓ જાહેરમાં જુદું વલણ ધરાવે છે અને કઈ રીતે કોર્ટ રૂમમાં આવીને તેમનું સ્ટેન્ડ સાવ બદલાઈ જાય છે.
વકીલ નિરૂપમ નાણાવટીએ કોર્ટનું ધ્યાન દોર્યું કે કઈ રીતે સજા મળ્યા પછી પણ રાહુલ ગાંધીએ ટિપ્પણીઓ કરવાનું બંધ કર્યું ન હતું. તેમણે રાહુલ ગાંધીનું એ નિવેદન પણ કોર્ટ સમક્ષ મૂક્યું જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી છે અને સાવરકર નહીં અને જેથી તેઓ માફી માંગશે નહીં.
Nanavati: He has said he won't backdown and has said that he won't be scared or affected because of disqualification or jail term. He has said he won't be scared of he is disqualified forever. This was his public stand. But in courtroom he has changed his stand.
— Bar & Bench (@barandbench) May 2, 2023
In public, he…
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં એવું પણ કહ્યું હતું કે, આ સજા અને લોકસભામાંથી ડિસ્ક્વોલિફિકેશન એ ભાજપ તરફથી મળેલી તેમને શ્રેષ્ઠ ભેટ છે. નિરૂપમ નાણાવટીએ કટાક્ષ કરતાં કહ્યું કે, જો તેઓ તેને ગિફ્ટ જ માનતા હોય તો પોતાની પાસે રાખવી જોઈએ.
રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે, તેઓ આ મુદ્દે પાછળ નહીં હટે કે તેમને લોકસભામાંથી બરતરફ થવાનો કે જેલમાં જવાનો પણ ડર લાગતો નથી. જો કાયમ માટે તેઓ બરતરફ થઇ જાય તોપણ કોઈ ફેર પડતો નથી. પરંતુ બીજી તરફ, તેમના વકીલ કોર્ટમાં આવીને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી રહ્યા છે અને કહે છે કે જો સ્ટે મૂકવામાં નહીં આવે તો રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દીને અસર પહોંચશે.
રાહુલ ગાંધીનાં આ બેવડાં ધોરણો ટાંકીને નિરૂપમ નાણાવટીએ કહ્યું કે, તમારે ગમે તેમ બોલવું જ હોય તો તેમ ચાલુ રાખવું જોઈએ. માફી ન માંગવી એ તમારો અધિકાર છે અને જ્યારે તમે કહો કે તમે માફી નહીં માંગો તેમાં પણ કશું ખોટું નથી. પરંતુ પછી તેનાં જે પરિણામો આવે તેની ઉપર રડવાનું બંધ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું, “તો પછી કોર્ટ રૂમમાં આવીને નાના બાળકની જેમ રડવાનું બંધ કરો કે મારું કરિયર જોખમમાં છે.”
આ ઉપરાંત, તેમણે રાહુલ ગાંધીનાં બે વિરોધાભાસી નિવેદનો પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં ટ્રાયલ કોર્ટમાં સુનાવણી દરમિયાન જુબાની આપતાં રાહુલે કહ્યું હતું કે, તેમનું ભાષણ તેમને યાદ નથી કારણ કે પોતે બહુ બધાં ભાષણો આપતા હોય છે. પરંતુ બીજી તરફ તેમને ભાષણના અપમાનજનક ભાગ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેને ખોટું ગણાવ્યું હતું!
Nanavati is now reading Rahul Gandhi's statements, wherein he has told the trial court that "he doesn't remember his speech" and that the defamatory line is "a false statement."
— Bar & Bench (@barandbench) May 2, 2023
How can he contradict? On one hand he says he doesn't remember on the other he says it is a false…
આ કેસ 2019નો છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક ભાષણ આપતાં કહ્યું હતું કે, “નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી- આ બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” તેમના આ ભાષણ બાદ સુરતના ભાજપના MLA પૂર્ણેશ મોદીએ કેસ નોંધાવ્યો હતો.
ચાર વર્ષ સુનાવણી ચાલ્યા બાદ ગત 23 માર્ચે સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદો આપીને રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જેના કારણે બીજા દિવસે તેમનું લોકસભાનું સભ્ય પદ પણ રદબાતલ ઠેરવવામાં આવ્યું હતું.