લગભગ ચાર મહિના પહેલા 23 વર્ષીય રામચંદ્ર ભીલે પાકિસ્તાન છોડી દીધું હતું. અનેક દિવસોના કપરા પ્રવાસ બાદ તેઓ રાજસ્થાનના જોધપુરના ચોખા ગામે પહોંચ્યા હતા. તેમણે જીવનભરની કમાણી (70 હજાર રૂપિયા) આપીને અહીં જમીનનો નાનકડો ટુકડો લીધો હતો. જેના પર તેમણે એક ઘર બનાવ્યું અને ત્યાં જ રહેતા હતા. પણ હવે ભીલ બેઘર થઈ ગયા છે. આ ઉનાળામાં, તૂટેલો ખાટલો એ જ તેમની છત છે. જોધપુરના તમામ પીડિત પાકિસ્તાની હિંદુઓના હાલ રામચંદ્ર ભીલ જેવા જ છે, જે તમામના ઘરોને 24 એપ્રિલ, 2023 ના રોજ જોધપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બુલડોઝરથી ફટકો પડ્યો હતો.
બુલડોઝર ચાલ્યા બાદ અહીં રહેતા લોકોની હાલત કફોડી બની છે. તેઓ કાળઝાળ ગરમીમાં પણ ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. બાળકોને એક ટંકનું ભોજનતો દુર, પીવાનું પાણી પણ નથી મળી રહ્યું. ઘર તૂટ્યા પછી બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ફાટેલી તાડપત્રી, ખાલી વાસણો અને અન્ય ઘરવખરી ચારે બાજુ વિખેરાયેલી છે. પીડિતોનું કહેવું છે કે તેઓએ જમીન ખરીદીને ઘર બનાવ્યું હતું. સાથે જ પ્રશાસનનું કહેવું છે કે તેમની પાસે જમીનના કોઇ દસ્તાવેજ નથી.
પ્રશાસનિક કાર્યવાહી બાદ જોધપુરના પીડિત પાકિસ્તાની હિંદુઓના હાલ જાણવા સ્વરાજ્ય પત્રકાર સ્વાતિ ગોયલ શર્મા ત્યાં પહોંચ્યા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના સંઘાર જિલ્લામાંથી આવેલા રામચંદ્ર ભીલે જણાવ્યું હતું કે, તેઓ ચાર મહિના પહેલા ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. હવે તેમણે લાંબા ગાળાના વિઝા પણ બનાવડાવી લીધા છે. પરંતુ તેમણે અને તેમની પત્નીએ અહીં જીવનભરની કમાણીથી જે ઘર બનાવ્યું હતું તે હવે નથી રહ્યું. આ કારણે રામચંદ્ર અને તેનો પરિવાર કાળઝાળ ગરમીમાં ખાટલાની છતના ભરોસે જીવી રહ્યાં છે. તેઓ લાકડાના સહારે ખાટલાને ત્રાંસો ઉભો કરે છે અને આખું કુટુંબ તેના છાંયડામાં દિવસ વિતાવે છે. તેમણે કહ્યું કે હવે જમવાનું તો દુર, પીવાનું પાણી પણ નથી. અહીં પાણી માટેની સિમેન્ટની ટાંકી પણ પ્રશાસને તોડી નાખી હતી.
મજના રામ ભીલ તો 2013માં જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભારત આવી ગયા હતા. હવે તેમના પરિવારને પાણી અને ખોરાક મેળવવા માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે. તેઓ પૂછે છે કે જો અમે અહીં નહીં રહીએ તો બીજે ક્યાં જઈશું? સરકારે અમને અહીં ઘર બનાવવાની મંજૂરી આપવી જોઈએ. બેઘર થયા બાદ કેટલાક લોકો ઘર બનાવવા માટે બીજી જગ્યા શોધી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો જૂની જગ્યાએ ફરી ઘર બનાવવાની કોશિશ કરી રહ્યા છે. વૃદ્ધ ચૌથરામ જણાવે છે કે પીવા જોગું પાણી પણ નથી, નાહવું કે અન્ય બાબતો તો દૂરની વાત છે.
સ્વરાજ્યના રિપોર્ટ મુજબ આ જગ્યા પર બુલડોઝર ચલાવ્યા બાદ પણ મોટાભાગના મુસ્લિમોના પાકા મકાનો યથાવત છે. સાથે જ પાકિસ્તાની હિન્દુઓ વાંસ અને તાડપત્રીના સહારે ઝૂંપડાઓમાં રહેવા મજબૂર બન્યા છે. 24 એપ્રિલના રોજ, કેટલાક ગ્રામજનોએ JDAની કાર્યવાહી દરમિયાન જેસીબી ડ્રાઇવર અને એક પત્રકાર પર કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. આ પછી, ભાગચંદ ભીલની પ્રવાસી હિન્દુઓને ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ભાગચંદની ધરપકડને લઈને પણ આ લોકોમાં ગુસ્સો છે. લોકો કહે છે કે ભાગચંદે તેમને સ્થાયી થવામાં મદદ કરી, શું તે તેનો ગુનો હતો?
ઉલ્લેખનીય છે કે ગત 24 એપ્રિલે પાકિસ્તાનથી ભારત આવેલા અસંખ્ય હિંદુઓ બેઘર બની ગયા હતાં. રાજસ્થાનના જોધપુરમાં રહેતાં આ હિંદુ પરિવારના ઘરો જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝરની મદદથી પાડી નાખવામાં આવ્યા હતાં. તંત્રનો દાવો છે કે જોધપુરમાં રહેતાં પાકિસ્તાની હિંદુઓ દ્વારા સરકારી જમીન પણ દબાણ કરવામાં આવ્યું છે. PTIના અહેવાલ અનુસાર જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીએ દબાણ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે અને આ ઝુંબેશ હેઠળ તેમણે 200 મકાનોને તોડી નાખ્યા છે જેમાં પાકિસ્તાનથી આવેલા આ હિંદુઓના ઘર પણ સામેલ છે.
તો તંત્રના આ દાવાથી વિરુદ્ધ પાકિસ્તાની હિંદુઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે આ જમીન ભૂમાફિયાઓ પાસેથી રૂપિયા 70,000 થી લઈને રૂપિયા 2 લાખ સુધી ચૂકવીને ખરીદી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ઝુંબેશથી ગુસ્સે થઈને આ વિસ્થાપિતોએ પોતાનું ઘર તોડવા આવેલી સરકારી અધિકારીઓની ટીમ પર કથિતરૂપે પથ્થરમારો પણ કર્યો હતો. બુલડોઝરના ડ્રાઈવર અને જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીના એક કર્મચારીને આ દરમ્યાન સામાન્ય ઈજાઓ થઇ હતી. આ મામલે બે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.