Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ફિલ્મફેર એવોર્ડ્સની 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યું, ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી...

    ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ફિલ્મફેર એવોર્ડ્સની 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યું, ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી બોલ્યા- આ એવોર્ડ્સ અનૈતિક અને સિનેમા વિરોધી છે- જાણીએ કારણ

    વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને આવા એવોર્ડ્સને સિનેમા વિરોધી અને અનૈતિક કહ્યા છે, તેમજ એવોર્ડ સમારંભમાં સામેલ થવાનો પણ ઇનકાર કર્યો છે.

    - Advertisement -

    બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને જાણીતા ‘ફિલ્મફેર એવોર્ડ્સ’ની સાત કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. 68મા ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે વિવેક અગ્નિહોત્રી, બેસ્ટ એક્ટર માટે અનુપમ ખેર, બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ માટે દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી, બેસ્ટ એડિટિંગ માટે શંખ રાજાધ્યક્ષને નોમિનેટ કરવામાં આવ્યા છે. જોકે, સાત કેટેગરીમાં નોમિનેશન મળવા છતાં ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ આ એવોર્ડ્સથી પોતાને દૂર રાખ્યા છે.

    વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મૂકીને આવા એવોર્ડ્સને સિનેમા વિરોધી અને અનૈતિક કહ્યા છે, તેમજ એવોર્ડ સમારંભમાં સામેલ થવાનો પણ ઇનકાર કર્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, ધીમે-ધીમે એક બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “મને મીડિયાના માધ્યમથી ખબર પડી છે કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને 68મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. પરંતુ હું વિનમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા વિરોધી એવોર્ડ્સનો ભાગ બનવાનો ઇનકાર કરું છું.”

    ‘ફિલ્મફેર માટે માત્ર સ્ટાર્સનો ચહેરો જ મહત્વનો’

    વિવેકનું કહેવું છે કે, “ફિલ્મફેર માટે માત્ર સ્ટાર્સ એટલે કે એક્ટર્સનો ચહેરો જ મહત્વ ધરાવે છે. એટલે જ તેમની ચાપલૂસીવાળી દુનિયામાં સંજય લીલા ભણસાલી કે સૂરજ બડજાત્યા જેવા નિર્દેશકોનો ચહેરો નથી. સંજય ભણસાલીને આલિયા ભટ્ટ, સૂરજને મિસ્ટર બચ્ચન અને અનીસ બઝમીના નોમિનેશનને કાર્તિક આર્યનના ચહેરા સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે બોલિવુડના ભ્રષ્ટ, અનૈતિક અને ચમચાગીરી વાળા એવોર્ડ સમારોહના વિરોધમાં મેં આવા એવોર્ડ્સથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. હું આવા એવોર્ડ્સ નહીં સ્વીકારું.”

    - Advertisement -

    ‘એકટર્સ સિવાયના લોકો સાથે ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવે છે’

    વિવેક અગ્નિહોત્રીએ બોલિવુડના સ્ટાર કલ્ચરને વખોડતા કહ્યું કે, તેઓ એવી કોઈપણ સંસ્થા કે સમારંભનો ભાગ નહીં બને જે ફિલ્મમાં કામ કરતા ડિરેક્ટર, લેખક, એચઓડી અને અન્ય ક્રૂ મેમ્બર્સને મહત્વ નથી આપતા. જ્યાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો સાથે સ્ટાર્સના ગુલામ જેવો વ્યવહાર કરવામાં આવે છે. ફિલ્મફેર પુરસ્કારોથી ફિલ્મ નિર્માતાઓને ખ્યાતિ કે સન્માન પ્રાપ્ત નથી થતા, પરંતુ તેમના કામથી થાય છે. આ અપમાનજનક વ્યવસ્થાનો અંત આવવો જોઈએ.”

    વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મફેરના ટ્વિટર અકાઉન્ટ પરથી કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા. તેમાં બેસ્ટ નિર્દેશક માટેની કેટેગરીમાં નોમિનેટ થયેલા એકેય ડિરેક્ટરનો ફોટો જોવા નથી મળતો. માત્ર ફિલ્મ સ્ટાર્સના ફોટોઝ છે. વિવેક અગ્નિહોત્રીનું કહેવું છે કે, સારી વાત અહીં એ છે કે તેઓ એકલા નથી. ભલે ધીમે-ધીમે, પણ બોલિવુડ સમકક્ષ એક અન્ય હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે. પોસ્ટના અંતમાં ડિરેક્ટરે દુષ્યંત કુમારની પંક્તિઓ પણ ટાંકી છે કે,

    સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,

    મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.

    મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં સહી,

    હો કહીં ભી આગ, લેકિન આગ જલની ચાહિએ.

    ઉલ્લેખનીય છે કે, 68મા ફિલ્મફેર એવોર્ડનું આયોજન આજે ગુરુવારે (27 એપ્રિલ, 2023) જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, બીકેસી, મુંબઈમાં થઈ રહ્યું છે. આ વખતે એવોર્ડ ફંક્શનને સલમાન ખાન હોસ્ટ કરશે અને આયુષ્માન ખુરાના, મનીષ પૌલ જેવા એન્કર તેને સાથ આપશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં