ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના મિત્ર અને રિલાયન્સના સૌથી જૂના કર્મચારી મનોજ મોદીને મુંબઈમાં 1500 કરોડ રૂપિયાનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો જમણો હાથ માનવામાં આવે છે. એટલે જ તેમને એક ભરોસાપાત્ર રિલાયન્સ કર્મચારી ઉપરાંત મુકેશ અંબાણીના મિત્રનો પણ દરજ્જો મળ્યો છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ કંપની માટે લેવામાં આવતા તમામ મહત્વના નિર્ણયોમાં તેમની સંમતિ આવશ્યક હોય છે.
મુકેશ અંબાણીના બાળકોના મેન્ટર પણ કહેવાય છે મનોજ મોદી
મનોજ મોદી રિલાયન્સના સૌથી જૂના કર્મચારી છે. તેઓ વર્ષોથી કંપનીમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની ઈમાનદારી અને નિષ્ઠાના પરિણામે મુકેશ અંબાણીના બાળકો પણ તેમની સલાહ માને છે. તેમને આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીના મેન્ટર પણ કહેવાય છે. એટલે જ મુકેશ અંબાણીએ પોતાના સૌથી પ્રિય કર્મચારી અને મિત્રને તેમની મહેનતના ફળરૂપે 22 માળની બિલ્ડિંગ ભેટમાં આપી છે.
ઘરનું ફર્નિચર ઇટલીથી આવશે, પ્રથમ સાત માળ પર માત્ર પાર્કિંગ હશે
મુકેશ અંબાણીએ મનોજ મોદીને જે ઘર ભેટમાં આપ્યું છે તે મુંબઈના પૉશ વિસ્તાર ગણાતા નેપિયન સી રોડ પર આવેલું છે. આ ઘર 1.7 લાખ સ્ક્વેર ફૂટ જમીન પર બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનું નામ ‘વૃંદાવન’ રાખવામાં આવ્યું છે. બિલ્ડિંગની શરૂઆતના 7 માળ પર પાર્કિંગની સુવિધા હશે. ઘરનું મોટાભાગનું ફર્નિચર ઇટલીથી મંગાવવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ ઘર મળ્યા બાદ મનોજ મોદીએ મુંબઈ સ્થિત 41.5 કરોડ રૂપિયાના પોતાના 2 ફ્લેટ વેચી દીધા છે.
મુકેશ અંબાણી અને મનોજ મોદીએ સાથે અભ્યાસ કર્યો છે
ઉલ્લેખનીય છે કે, 55 વર્ષીય મનોજ મોદી મૂળ ગુજરાતના છે. તેમણે અને મુકેશ અંબાણીએ મુંબઈમાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં સાથે અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ જ્યારે મુકેશ અંબાણીએ પોતાના પિતા સાથે રિલાયન્સમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારે તેમણે પોતાના ક્લાસમેટ મનોજને પણ બોલાવી લીધા.
રિપોર્ટ મુજબ, મનોજ મોદી 1980ના દાયકાની શરૂઆતમાં રિલાયન્સ સાથે જોડાયા હતા અને ત્યારથી ભારતની સૌથી મોટી કંપનીમાં સેવા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર થઈ રહી છે 1500 કરોડ રૂપિયાની ભેટની ચર્ચા
મનોજ મોદી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ડિરેક્ટર છે. મનોજ મોદી રિલાયન્સમાં આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં ઝાકઝમાળથી હંમેશા દૂર રહે છે. આ જ કારણ છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવેલેબલ નથી. જોકે, તેમને મળેલી 1500 કરોડ રૂપિયાની ભેટની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. યુઝર્સ મુકેશ અંબાણીની દરિયાદિલીની પ્રશંસા કરી રહ્યા છે.