મહારાષ્ટ્રના રાજકારણમાં દરરોજ કોઈ નવી-નવી કડી જોડાતી જાય છે તે તમામ આ સમગ્ર રાજકારણને વધુને વધુ રસપ્રદ બનાવી રહ્યું છે. ઉદ્ધવ સેનાના પ્રવક્તા સંજય રાઉતે દાવો કર્યો છે કે આવનારા 15 થી 20 દિવસમાં એકનાથ શિંદે અને ભાજપની મહારાષ્ટ્ર સરકાર પડી જશે. તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના શાબ્દિક યુદ્ધમાં પાકિસ્તાનની એન્ટ્રી પણ થઇ ગઈ છે.
હજી ગયા અઠવાડિયે જ મહારાષ્ટ્ર NCPના વરિષ્ઠ નેતા અજીત પવાર પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાશે કે નહીં જોડાય એવી અટકળો ચલાવાઈ રહી હતી. હવે એ જ અઠવાડિયાનાં અંત સમયે સંજય રાઉત દ્વારા કરવામાં આવેલો દાવો કે શિંદે અને ભાજપની સરકાર આવનારા 15થી 20 દિવસમાં જ પડી જશે તેણે આખી ચર્ચાની દિશા જ બદલી નાખી છે.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેની આગેવાનીમાં અને ભાજપ સાથેની ભાગીદારીમાં ચાલતી મહારાષ્ટ્ર સરકારનું ડેથ વોરંટ નીકળી ચુક્યું છે. આમ તો આ સરકાર ફેબ્રુઆરીમાં જ પડી જવાની હતી પરંતુ સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલાં કેસને કારણે તેને જીવતદાન મળી ગયું હતું. પરંતુ હવે આ સરકાર 15થી 20 દિવસથી લાંબુ નહીં ચાલી શકે.
બીજી તરફ બે દિવસ અગાઉ એક જનસભાને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્શન કમિશન પર આરોપ મુક્યો હતો કે તેણે કઈ શિવસેના અસલી છે એ ઓળખવામાં ભૂલ કરી છે. આમ કહેવાની સાથેજ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન પણ સ્પષ્ટપણે જોઈ શકે છે કે અસલી શિવસેના કઈ છે. ઉદ્ધવ ઠાકરેની આ વાતનો જવાબ આપતાં ગઈકાલે એક જાહેરસભામાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે એ અત્યંત દુઃખની વાત છે કે આ પ્રકારની વાત કરવી એ બદનસીબ અને કરુણ છે કે કેટલાક લોકો પાકિસ્તાનને અમુક બાબતોનો નિર્ણય કરવાનું કહી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો હતો કે શિંદે સરકાર હવે ગમે ત્યારે પડી જશે અને રાજ્યમાં મધ્યવર્તી ચૂંટણીઓ આવશે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને ટાંકીને કહ્યું હતું કે બાવનકુળેએ કહ્યું જ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ કુલ 288 બેઠકોમાંથી શિંદેના પક્ષને ફક્ત 48 બેઠકો જ લડવા દેશે. આ મામલે ઠાકરેએ ભાજપનું મંતવ્ય સ્પષ્ટ કરવાનું કહ્યું હતું.
સંજય રાઉતની જેમજ NCPના નેતા અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેએ પણ ગયા અઠવાડિયે ભવિષ્યવાણી કરી હતી કે આગામી 15 દિવસોમાં દેશના અને મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો રાજકીય વિસ્ફોટ થવાનો છે.