Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે મોબાઈલ કે વાહન ચોરી થવા પર પોલીસ મથકે જવું પડશે નહીં,...

    હવે મોબાઈલ કે વાહન ચોરી થવા પર પોલીસ મથકે જવું પડશે નહીં, ઘરબેઠા થઇ શકશે FIR : e-FIR ની સુવિધા શરૂ કરાઈ

    ગુજરાતમાં હવે વાહન ચોરી સમયે ફરીયાદીએ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. નવી વ્યવસ્થા પ્રમાણે હવે આ પ્રકારની ફરિયાદ ઓનલાઈન જ થઇ શકશે, જો કે તે માટે કેટલીક શરતોનું પાલન પણ કરવું પડશે.

    - Advertisement -

    ગુજરાત સરકારે વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે e-FIRની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે મોબાઈલ કે વાહન ચોરીના કિસ્સામાં પોલીસ મથકે જવાની જરૂર રહેશે નહીં અને ઘરબેઠા જ e-FIR થઇ શકશે. જોકે, આ સુવિધા અમુકે સંજોગોમાં જ મળી શકશે.

    e-FIR ની આ સુવિધા ફક્ત એવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય અને ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં e-FIR ની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

    e-FIR માટે ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને E-Mail-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

    - Advertisement -

    બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં e-FIR ફોરવર્ડ થશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારી Assign થવા અંગે EMail અથવા SMSથી જાણ કરવામાં આવશે.

    તપાસ અધિકારીને આ પ્રકારની e-FIR મળ્યા બાદ 48 કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા e-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં e-FIRનો યોગ્ય નિકાલ કરશે. e-FIR ની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં FIR દાખલ કરશે. પરંતુ જો e-FIR માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

    સિટીઝન પોર્ટલ-સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પરથી e-FIR અપલોડ થયાના 72 કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો નિયત સમયમર્યાદામાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ e-FIR હોવા અંગેનો E-Mail અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે. 

    આ ઉપરાંત e-FIR અંગે 120 કલાકની સમયમર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં