ખાલિસ્તાની સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંઘની પત્ની કિરણદીપ કૌરને ગુરુવારે બ્રિટન જતા અટકાવવામાં આવી હતી. રિપોર્ટ્સમાં પંજાબ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, કિરણદીપ પહેલાંથી જ પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે અને તેની ધરપકડ નથી કરવામાં આવી. ઇમિગ્રેશન ઓફિસરોએ કિરણદીપના પતિનું બેકગ્રાઉન્ડ જોતાં તેને ફક્ત પૂછપરછ માટે અટકાવાઈ છે.
અમૃતપાલ સિંઘની પત્ની કિરણદીપ કૌર બપોરે 2:30 વાગ્યે એર ઈન્ડિયાની ફ્લાઈટથી બર્મિંગહામ જવાની હતી. બપોરે 12:20 વાગ્યે તેણે ઇમિગ્રેશન કાઉન્ટર્સને જાણ કરી હતી પરંતુ લુક આઉટ સર્ક્યુલર હોવાને કારણે તેને મુસાફરી કરવાની મંજૂરી આપી ન હતી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલાં તેની ધરપકડના સમાચાર પણ આવ્યા હતા પરંતુ પંજાબ પોલીસે કહ્યું છે કે તેની ધરપકડ કરવામાં આવી નથી.
UPDATE | Amritpal Singh's wife Kirandeep Kaur has not been detained yet clarify Punjab Police source but is being questioned by the Immigration department, more details awaited. https://t.co/kQO3qPhzy8
— ANI (@ANI) April 20, 2023
ઉલ્લેખનીય છે કે, કિરણદીપ કૌરને લંડન જતાં એટલા માટે પણ અટકાવવામાં આવી કારણ કે, અમૃતપાલની નજીકના લોકો માટે પહેલેથી જ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે, જેથી તેઓ બહાર જઈ શકે તેમ નથી.
કિરણદીપ કૌરે અમૃતપાલ સાથે કોઈ સંપર્ક ન હોવાનું કહ્યું હતું
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન કિરણદીપ કૌરે દાવો કાર્યો હતો કે તે અમૃતપાલ સિંઘ ક્યાં છે એ વિશે નથી જાણતી. તેનો કોઈ સંપર્ક નથી થઈ શક્યો. જોકે, તેણે પતિ અને તેની કરતૂતોને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, પોલીસ જે રીતે અમૃતપાલની અટકાયત કરવાનો પ્રયાસ કરી રહી હતી, તે ગેરકાયદેસર છે. કિરણદીપ કૌરે એવું પણ જણાવ્યું કે, તે પોતાના પતિને ક્યારેય નહીં છોડે અને તે ઈચ્છે છે કે અમૃતપાલ સુરક્ષિત ઘરે પાછો આવી જાય.
29 વર્ષીય કિરણદીપ યુકે સ્થિત NRI છે અને તે લંડન જવાની હતી. અમૃતપાલની પ્રવૃત્તિઓ અને તેની સંસ્થા ‘વારિસ પંજાબ દે’ માટે વિદેશી ફંડ ભેગું કરવામાં કિરણદીપનું નામ ઉછળ્યું હતું એટલે તે ઘણાં સમયથી પંજાબ પોલીસના રડારમાં છે.
આ વર્ષે 10 ફેબ્રુઆરીએ અમૃતપાલ સિંઘ અને કિરણદીપનાં લગ્ન થયાં હતાં
કિરણદીપે બે મહિના પહેલાં 10 ફેબ્રુઆરીએ અમૃતપાલ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન અમૃતપાલના ગામ જલ્લુપુર ખેડામાં ગુપ્ત રીતે કરવામાં આવ્યાં હતાં. અમૃતસર પોલીસે ગયા મહિને જ અમૃતપાલની માતા બલવિંદર કૌર અને પત્નીની મુલાકાત લીધી હતી. જોકે, સિટી (ગ્રામીણ) SSP સતિન્દર સિંહે બંનેની ઔપચારિક પૂછપરછ કરી હોવાનું નકાર્યું હતું અને જણાવ્યું હતું કે, પોલીસ ટીમ તેમના ઘરે ‘રૂટીન મેટર’ થી ગઈ હતી.
એક અહેવાલ મુજબ, એવી અટકળો પણ હતી કે અમૃતપાલના ઘરે દિલ્હી રજિસ્ટ્રેશન નંબરવાળી ગાડી સવારે 11.30 વાગ્યે પહોંચતાં NIA દ્વારા એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમૃતપાલ છેલ્લા એક મહિનાથી પોલીસથી ભાગતો ફરી રહ્યો છે. તેના લગભગ તમામ સાથીઓની ધરપકડ કરવામાં આવી છે. તો કેટલાકને પૂછપરછ બાદ છોડી પણ દેવામાં આવ્યા છે. અમૃતપાલના 9 સાથીઓ પર NSA હેઠળ કેસ નોંધી તેમને આસામની ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.