Monday, November 25, 2024
More
    હોમપેજમંતવ્યકીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પૈસાના ઘોળ સાથે હજારો રોટલીઓના થપ્પા: જાણો પાટણના...

    કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પૈસાના ઘોળ સાથે હજારો રોટલીઓના થપ્પા: જાણો પાટણના રોટલીયા હનુમાન મંદિરનો મહિમા

    કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પૈસાના ઘોળ સાથે હજારો રોટલીઓના થપ્પા થવાની આ ઘટના પાટણની છે. જ્યાં "રોટલીયા હનુમાન" મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા રોટલીયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા રોટલીયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ગુજરાતમાં લોક ડાયરાઓનું એક અનોખું મહત્વ છે, અને આ ડાયરાની ઘોળ પ્રથા (પૈસા અર્પણ) આખા વિશ્વમાં વિખ્યાત છે. સેવા અને ધર્મોના કાર્યો માટે લાખો કરોડો રૂપિયા માત્ર ગણતરીના કલાકમાં જ એકઠા કરી લેવામાં આવે છે. હવે તો રાજભા ગઢવી, કીર્તિદાન ગઢવી, જેવા ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારો અને લોકગાયકો વિદેશમાં પણ આપણી આ સંસ્કૃતિને ધબકતી રાખી રહ્યાં છે. તેવામાં પાટણથી સામે આવેલા આવા જ એક કાર્યક્રમના દ્રશ્યો હમણાં ચર્ચાનો વિષય બન્યાં છે.

    પાટણના રોટલીયા હનુમાન મંદિરે કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પૈસાના ઘોળ સાથે હજારો રોટલીઓના થપ્પા લાગ્યાં હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

    કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં પૈસાના ઘોળ સાથે હજારો રોટલીઓના થપ્પા થવાની આ ઘટના પાટણની છે. જ્યાં ‘રોટલીયા હનુમાન’ મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા રોટલીયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા ‘રોટલીયોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલા ડાયરામાં મુખ્ય ગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીને આમંત્રિત કરવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    સામાન્ય રીતે આપણે કીર્તિદાન ગઢવી કે અન્ય કોઈ કલાકાર પર રૂપિયાનો ઘોળ થતા જોયો હશે. કલાકારો આખા ઢંકાઈ જાય તેટલો રૂપિયાનો વરસાદ કરવામાં આવે છે. પરંતુ આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીને ફરતે 50 હજારથી પણ વધુ રોટલીઓના ઢગ ખડકી દેવામાં આવ્યાં હતા.

    કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં રોટલીઓના થપ્પા કેમ?

    ઉપર વાંચીને તમને ચોક્કસથી અચરજ થયું હશે કે રોટલી જ શા માટે? અમને પણ વિચાર આવેલો કે આખરે રોટલીઓ જ કેમ ચઢાવવામાં આવી. જે બાદ અમે અમારા એક સ્થાનિક સૂત્રનો સંપર્ક કર્યો, જેઓ પાટણ ખાતે જ રહે છે. તેમણે અમને જે વાત કરી તે વાત સાંભળીને તમે ફરી એક વાર ચોંકી જશો. સૂત્રના જણાવ્યાં અનુસાર લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી જે જગ્યા પર કાર્યક્રમ કરવા આવ્યાં હતા તે સ્થળનું નામ જ “રોટલીયા હનુમાન” છે.

    જેટલું અનોખુ આ મંદિરનું નામ છે એટલી જ અનોખી અહીંની રીત છે. સૂત્રના જણાવ્યાં અનુસાર આ હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનજીને સિંદુર કે તેલ નહી, પરંતુ રોટલીઓ ચઢાવવામાં આવે છે. આ મંદિર આખા વિશ્વમાં એક જ માત્ર તેવું મંદિર છે જ્યાં ભગવાનને પ્રસાદીના રૂપમાં ઘઉંની રોટલી કે બાજરીના રોટલા ચઢાવવામાં આવે છે.

    તેમણે જણાવ્યું કે, “આજથી લગભગ એક વર્ષ પહેલા કેટલાક સ્થાનિક યુવાનો અને કોઠાસુજ ધરાવતા વડીલોએ અબોલ જીવના પેટ ભરવા માટે એક અનોખી પહેલ કરી અને એક હનુમાનજીના મંદિરની સ્થાપના કરી. આસપાસના રહેવાસીઓને અહી રોટલી કે રોટલા પ્રસાદ રૂપે ચઢાવવાનું કહ્યું. થોડા સમય બાદ આ મંદિરની ખ્યાતી આસપાસના વિસ્તારમાં વધી ગઈ. અને ધીમે-ધીમે લોકો અહી રોટલી, રોટલાનો પ્રસાદ ચઢાવવા લાગ્યા.”

    અમારા સૂત્રના જણાવ્યાં અનુસાર આ મંદિરમાં કોઈ દોરા, ધાગા કે માનતા તેવું કશું આપવામાં આવતું નથી. બસ ભક્તો પોતાના મનથી પોતાનું ધાર્યું કાર્ય થવાનો સંકલ્પ કરે છે. કાર્ય સંપન્ન થવા બાદ તે અહીં આવીને રોટલી કે પછી બાજરીના રોટલા ચઢાવે છે. ભેગા થયેલા રોટલા કે રોટલીને મંદિરના ગર્ભ ગૃહમાં લઈ જવામાં આવે છે. ત્યાર બાદ આખા પાટણના અબોલ પશુઓના પેટની આગ આ રોટલા/રોટલીથી ઠારવામાં આવે છે.

    કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં રોટલીઓનો વાયરલ થયેલો વિડીયો આ મંદિરના કાર્યક્રમનો જ છે. આ કાર્યક્રમમાં લગભગ 50 હજારથી વધુ રોટલા રોટલીઓ એકઠા કરવામાં આવ્યાં હતા. તેને પૈસાનો ઘોળ કરતી વખતે સ્ટેજ પર મુકવામાં આવ્યાં હતા.

    ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દાયકાઓથી ડાયરા થતા આવ્યા છે. આમ તો આ કચ્છ-સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે પરંતુ હવે રાજ્યના બાકીના ભાગોમાં અને દેશ-વિદેશમાં જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ભવ્ય ડાયરાઓનું આયોજન થતું આવ્યું છે. આ જ લોકડાયરામાં પૈસા ઉડાડવાની પરંપરા પણ વર્ષો જૂની છે અને ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે ત્રણ-ચાર કલાકના કાર્યક્રમમાં જ કરોડો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હોય અને સ્ટેજ નોટોથી ભરાઈ ગયું હોય. પરંતુ કોઈ ડાયરામાં આ પ્રકારે રોટલી અને રોટલાના થપ્પા વાગ્યા હોય તે ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં