ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં મોટા ઉપાડે કાર્યરત થયેલી આમ આદમી પાર્ટી (આપ) હજુ તો ચૂંટણી લડે કે તેની તૈયારી કરે તે પહેલાં જ પ્રદેશ માળખાનું વિસર્જન કરી નાંખવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર, આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે ગુજરાત એકમનું વિસર્જન કરી નાંખ્યું છે. નવું સંગઠન માળખું ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે, આ માળખું ચોક્કસ ક્યારે જાહેર થશે તે જણાવવામાં આવ્યું નથી.
Aam Aadmi Party (AAP) dissolves its Gujarat unit in preparation for the upcoming state elections, a new state unit to be announced soon.
— ANI (@ANI) June 8, 2022
વધુમાં આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સિવાય પ્રદેશ સમિતિ સહિત તમામ સમિતિઓ અને હોદ્દાઓ બરખાસ્ત કરવામાં આવ્યા છે. તેથી ગોપાલ ઇટાલિયા પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદે યથાવત રહેશે. પ્રદેશ માળખાનું વિસર્જન કરવાની જાહેરાત કરતા આમ આદમી પાર્ટીએ (આપ) ટ્વિટ કરીને કહ્યું કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહીત તમામ સમિતિઓ તથા હોદાઓ બરખાસ્ત/ડિસોલ્વ કરવામાં આવ્યા છે.” અરવિંદ કેજરીવાલના માર્ગદર્શનથી આ નિર્ણય લેવાયો હોવાનું પાર્ટીનું કહેવું છે.
સવિનય સાથ જણાવવાનું કે અરવિંદજીના માર્ગદર્શનથી આજરોજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સિવાય પ્રદેશ સમિતિ સહીત તમામ સમિતિઓ તથા હોદાઓ બરખાસ્ત/ડિસોલ્વ કરવામાં આવ્યા છે, જેની સૌ સાથીઓએ નોંધ લેવી.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) June 8, 2022
નવું માળખું ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. pic.twitter.com/LNcRfthbet
ઉલ્લેખનીય છે કે ગત મહિને આમ આદમી પાર્ટીએ ગોવામાં પણ કાર્યસમિતિ બરખાસ્ત કરી નાંખી હતી. જે બાદ નવેસરથી નિમણુંકો કરવામાં આવી હતી. નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટી ફેબ્રુઆરીમાં ગોવામાં વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર 2 જ બેઠકો જીતી શકી હતી.
આમ આદમી પાર્ટી હજુ ગુજરાતમાં માંડ અસ્તિત્વ જમાવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યાં પાર્ટીનાં આ પગલાથી નવી જ ચર્ચા શરૂ થઇ ગઈ છે અને રાજકીય વર્તુળોમાં આ નિર્ણય પાછળના કારણો પણ ચર્ચાઈ રહ્યા છે. જેમાં પાર્ટીનું અસ્થિર નેતૃત્વ, લોકોનો પાર્ટી પ્રત્યે મોળો પ્રતિસાદ અને હાલમાં જ યોજાયેલી પરિવર્તન યાત્રાને મળેલા ઓછા પ્રતિસાદને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વ્યવસ્થિત શરૂઆત કરી ત્યારે પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી ઉપરાંત મહેશ સવાણી અને વિજય સુવાળા જેવા જાણીતા ચહેરાઓ પણ જોડાયા હતા. ઉપરાંત, ખેડાના મહિપતસિંહ ચૌહાણને પણ યુવા મોરચા સ્તરે મહત્વની જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ આંતરિક વિખવાદ અને અન્ય કારણોસર એક પછી એક આ તમામ નેતાઓ પાર્ટીથી અલગ થઇ ગયા છે. મહેશ સવાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી સામાજિક સેવાઓ કરવાનો નિર્ણય લીધો હતો તો વિજય સુવાળા પણ ‘આપ’માંથી રાજીનામું આપી બીજા દિવસે ભાજપમાં જોડાઈ ગયા હતા. બીજી તરફ, મહિપતસિંહ ચૌહાણે પણ ગુજરાત સ્તરના નેતૃત્વથી નારાજ થઈને પાર્ટી છોડી દીધી હતી.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે ગોપાલ ઇટાલિયાને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ તેમના ભૂતકાળના નિવેદનો અને હાલના પણ તેમના કેટલાક નિવેદનો તેમને અને એકંદરે પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દે છે. તેમની સાથે પત્રકારમાંથી અચાનક નેતા બની ગયેલા ઈસુદાન ગઢવી હાલ ગુજરાત સ્તરે સક્રિય છે. પરંતુ ઈસુદાનની વાતોનું પણ ખાસ વજન પડી રહ્યું નથી અને ઘણીવાર તો તેમની સભાઓમાં કાગડા ઉડ્યા જેવો ઘાટ થયો છે. ઈસુદાન પણ ભૂતકાળમાં વિવાદમાં આવી ચૂક્યા છે. આમ તો પાર્ટીમાં તેમનું કોઈ પદ ન હતું, હવે નવા માળખામાં તેમને કોઈ મહત્વનું સ્થાન આપવામાં આવે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. તેમજ પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાને વધુ પડતું મહત્વ આપવામાં આવી રહ્યું હોય તેમ પણ માનવામાં આવે છે.
એક તરફ કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓસરી રહ્યો હતો ત્યાં આમ આદમી પાર્ટીએ તમામ વિધાનસભા બેઠકો સુધી પહોંચવા માટે પરિવર્તન યાત્રા શરૂ કરી છે. જોકે, આ પરિવર્તન યાત્રા કશું ખાસ ઉકાળી શકી નથી અને લોકોનો પ્રતિસાદ પણ ખાસ મળી રહ્યો નથી. ક્યાંક રેલીમાં પંજાબથી વાહનો લાવવા માટે પાર્ટીની મજાક ઉડી હતી તો ક્યાંક ઈસુદાન ગઢવી જેવા નેતાઓની સભામાં ગણ્યાગાંઠ્યા માણસો આવતા ફજેતી થઇ હતી. વળી, ભાવનગર જેવા શહેરોમાં પાર્ટીએ ફજેતી ન થાય તે માટે રેલીમાં ખાલી રિક્ષાઓ ભાડે કરીને ફેરવવાનું પણ છાપાંનાં પાને ચડ્યું હતું.
એક તરફ આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણી પહેલાં પોતાના પગ પર ઉભા રહેવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ ધારેલી સફળતા મળી રહી નથી, જેના કારણે હવે નવેસરથી પાર્ટીનું માળખું રચવા માટે પાર્ટીએ કવાયત હાથ ધરી છે.