દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં (Shraddha Murder Case) આરોપી આફ્તાબ (Aftab Poonawala) સામેના આરોપોને લઈને ચાલતી દલીલો પૂર્ણ થઇ ગઈ છે અને કોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો છે. આગામી 29 એપ્રિલના રોજ હવે કોર્ટ આરોપી આફ્તાબ અમીન પૂનાવાલા સામે આરોપો ઘડશે.
Shraddha murder case | Arguments on charges concluded against Aftab Poonawala in Delhi's Saket court today. The order on charges will be pronounced on April 29.
— ANI (@ANI) April 15, 2023
દિલ્હીની સાકેત કોર્ટમાં શ્રદ્ધા હત્યા કેસ મામલે સુનાવણી ચાલી રહી છે. શનિવારે (15 એપ્રિલ, 2023) કોર્ટમાં બંને પક્ષે દલીલો પૂર્ણ કરી લેવામાં આવી હતી અને આદેશ અનામત રાખવામાં આવ્યો હતો. હવે આગલી સુનાવણીમાં આફ્તાબ સામે આરોપો નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ક્રમશ: આરોપીને દોષી ઠેરવવા અંગે અને સજા અંગે આદેશ અપાશે.
બીજી તરફ, આ કેસમાં શ્રદ્ધાના પિતા તરફથી વકીલે કોર્ટમાં અરજી કરીને મૃતક યુવતીના અસ્થિ તેના પિતાને પરત આપવા માટે પણ એક અરજી દાખલ કરી છે. જેને લઈને કોર્ટે દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે. દિલ્હી પોલીસ આગામી 29 એપ્રિલના રોજ આ મામલે કોર્ટમાં જવાબ દાખલ કરશે અને ત્યારબાદ કોર્ટ યોગ્ય નિર્ણય કરશે.
શ્રદ્ધા હત્યા કેસ
આ કેસ વર્ષ 2022નો છે. શ્રદ્ધા વલકર નામની હિંદુ યુવતી અને આફ્તાબ અમીન પૂનાવાલા નામનો મુસ્લિમ યુવક લિવ-ઇનમાં રહેતાં હતાં. થોડો સમય મુંબઈ રહ્યા બાદ બંને દિલ્હી આવ્યાં હતાં અને એક ફ્લેટમાં રહેતાં હતાં. આ દરમિયાન બંને વચ્ચે અવારનવાર નાની-મોટી વાતોને લઈને ઝઘડા થતા રહેતા હતા.
ગત વર્ષે મે મહિનામાં બોલાચાલી બાદ આફ્તાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ આરી વડે તેના મૃતદેહના 35 જેટલા ટુકડા કરી નાંખ્યા હતા. આ ટુકડા ભરવા માટે તે બજારમાંથી એક નવું રેફ્રિજરેટર લઇ આવ્યો હતો. ત્યારબાદ સતત 18 દિવસ સુધી તે રાત્રે ઘરની બહાર નીકળીને આ લાશના ટુકડા જંગલોમાં ફેંકતો રહ્યો હતો.
ઘણા દિવસો સુધી શ્રદ્ધાએ કોઈ સંપર્ક ન કરતાં તેના પિતા તેને શોધતા દિલ્હી પહોંચ્યા હતા અને અહીં પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને શંકાના આધારે છેક નવેમ્બર મહિનામાં આફ્તાબની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેણે સ્વીકાર્યું હતું કે તેણે શ્રદ્ધાની હત્યા કરીને ટુકડા જંગલમાં ફેંકી દીધા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
હાલ આફ્તાબ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને તેની સામે શ્રદ્ધાની હત્યા મામલનો કેસ ચાલી રહ્યો છે.