દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે શુક્રવારે (14 એપ્રિલ, 2023) એલાન કરીને વીજળી પરની સબસિડી સ્થગિત કરી દીધી છે અને આમ થવા પાછળ દોષ ઉપરાજ્યપાલને આપ્યો છે. બીજી તરફ, ઉપરાજ્યપાલની ઓફિસે આ આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું કે, આ પ્રકારનાં નાટકો બંધ કરવાં જોઈએ અને સાથે અમુક પ્રશ્નો પણ કર્યા હતા.
દિલ્હી સરકારનાં મંત્રી આતિશી માર્લેનાએ શુક્રવારે એક જાહેરાત કરતાં કહ્યું હતું કે, આજથી વીજળી પરની તમામ સબસિડી બંધ કરી દેવામાં આવશે. તેમણે ઉપરાજ્યપાલ પર આરોપ લગાવતાં કહ્યું કે, કેજરીવાલ સરકારે સબસિડી લંબાવવાનો નિર્ણય લીધો છે પરંતુ એલજી આ ફાઈલ લઈને બેસી ગયા છે.
#WATCH | From today, the subsidized electricity given to the people of Delhi will be stopped. This means from tomorrow, the subsidized bills will not be given. This subsidy is stopped because AAP govt has taken the decision to continue subsidy for the coming year, but that file… pic.twitter.com/lYZ3lJ0Od7
— ANI (@ANI) April 14, 2023
આતિશીએ કહ્યું, “કેજરીવાલ સરકાર વીજળીની સબસિડી આપે છે. જે હેઠળ 200 યુનિટ સુધી વીજળી મફત હોય છે. 200થી 400 યુનિટ સુધી 50 ટકા બિલ માફ થઇ જાય છે. આજથી આ તમામ વીજળી સબસિડી સ્થગિત થઇ જશે. તેનો અર્થ એ થાય કે કાલથી જે વીજળીનાં બિલ દિલ્હીના ગ્રાહકોને મળશે, તેમને એ સબસિડી નહીં મળે.”
આગળ તેમણે કહ્યું, “આ સબસિડી એટલા માટે રોકાઈ ગઈ છે કારણ કે દિલ્હીની ચૂંટાયેલી અરવિંદ કેજરીવાલ સરકારે જે નિર્ણય લીધો હતો કે અમે આવનારા વર્ષમાં પણ વીજળીની સબસિડી ચાલુ રાખીશું, એ સબસિડીની ફાઈલ એલજી સાહેબ પોતાની પાસે રાખીને બેસી ગયા છે. એ ફાઈલ એલજી સાહેબને મોકલવામાં આવ્યા છતાં તેમના કાર્યાલય દ્વારા રાખી લેવામાં આવી છે અને જ્યાં સુધી એલજી સાહેબ પાસેથી આ ફાઈલ પરત નહીં આવે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ સરકાર સબસિડીના પૈસા રિલીઝ નહીં કરી શકે.”
આ આરોપોને લઈને દિલ્હી એલજી ઓફિસના અધિકારીઓ તરફથી જવાબ આવ્યો છે અને તેમણે કેજરીવાલ સરકારને પાયાવિહોણા આરોપ ન લગાવવા અને ખોટાં નિવેદનો દ્વારા જનતાને ગેરમાર્ગે ન દોરવા માટે સલાહ આપી હતી. સાથે અમુક પ્રશ્નો પણ કર્યા હતા, જેના કારણે સરકાર પર જ સવાલો ઉભા થયા છે.
The Power Minister is advised to refrain from unnecessary politicking and baseless false allegations against LG. She should stop misleading people with false statements. If at all, she and the CM should answer the people of Delhi as to why was a decision in this regard kept… https://t.co/kwY7iZ7dIe
— ANI (@ANI) April 14, 2023
એલજી ઓફિસના અધિકારીઓએ કહ્યું, “ઉર્જા મંત્રીએ એલજી વિરુદ્ધ બિનજરૂરી રાજકીય ટિપ્પણીઓ અને પાયાવિહોણા આરોપો લગાવવાનું ટાળવું જોઈએ. આ પ્રકારનાં ખોટાં નિવેદનો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવી ન જોઈએ.”
આગળ જણાવવામાં આવ્યું કે, તેમણે (આતિશી) અને મુખ્યમંત્રીએ દિલ્હીની જનતાને એ જવાબ આપવો જોઈએ કે શા માટે આ મામલે 4 એપ્રિલ સુધી નિર્ણય કરવામાં વિલંબ કરવામાં આવ્યો જ્યારે ડેડલાઈન 15 એપ્રિલની હતી? તેમજ એમ પણ પૂછ્યું કે એલજીને ફાઈલ 11 એપ્રિલે શા માટે મોકલવામાં આવી હતી? અંતે કહ્યું કે, 11 એપ્રિલે ફાઈલ 13 એપ્રિલે પત્ર લખીને અને પ્રેસ કોન્ફરન્સ કરીને નાટકો કરવાની શું જરૂર છે?