એક તરફ લોકો મર્યાદા પુરસોત્તમ ભગવાન રામનો જન્મોત્સવ મનાવી રહ્યા હતા, તો બીજી તરફ દેશના અનેક હિસ્સાઓ સાંપ્રદાયિક હિંસાની આગમાં ભડકે બળી રહ્યાં હતા. હિંસાની આ આગે બિહારના નાલંદા જિલ્લામાં પણ ભારે તબાહી મચાવી હતી. અહેવાલો અનુસાર, નાલંદાના બિહારશરીફમાં એક ટોળાએ હિંદુઓની દુકાનો અને ગોડાઉનોને આગ ચાંપીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. બિહારના નાલંદા હિંસામાં હિંદુઓની દુકાનો સળગાવાઈ ત્યાર બાદ મીડિયા સામે હિંસામાં પીડિત હિંદુઓની પીડા છલકાઈ.
વાસ્તવમાં TV9 દ્વારા બિહારશરીફની સોગરા કોલેજની પાછળ હિંસક ઘટનાઓ અને આગચંપી વિશે એક વિશેષ અહેવાલ આપવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાલંદા હિંદુઓની દુકાનો સળગાવાઈ હતી, અને હિંસામાં હિંદુઓની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.
TV9 સાથે વાત કરતા ઉમેશ પ્રસાદ ગોસ્વામી નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની 10 દુકાનોમાં નુકસાન થયું છે. તેમની દુકાનોમાંથી સામાન લૂંટીને આગ ચાંપી દેવામાં આવી હતી. આ નુકસાન વિશે પૂછતાં ઉમેશે કહ્યું હતું કે તેમની કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. સાથે જ અન્ય એક વ્યક્તિએ પણ કહ્યું હતું કે પહેલા દુકાનમાં ઘૂસીને લૂંટ કરવામાં આવી હતી. આ પછી, ગેટ તોડીને આગ ચાંપી દેવામાં આવી હતી.
ઉમેશકુમારની દુકાનની બરાબર સામે આવેલી આ પુસ્તકની હોલસેલની દુકાન લગભગ એવી જ હાલતમાં છે. આ દુકાનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પીડિતોનું કહેવું છે કે તેમની દુકાનોમાં આગ લાગ્યાના 2-3 કલાક બાદ ફાયર બ્રિગેડ અહીં પહોંચી હતી. ફાયર બ્રિગેડ આવે તે પહેલાં જ ઘણું બધું બળીને રાખ થઇ ગયું હતું. લોકોએ કહ્યું હતું કે તેઓ ફાયર બ્રિગેડ મોકલવા માટે અધિકારીઓને આજીજી કરતા રહ્યા પરંતુ ફાયર બ્રિગેડ સમયસર પહોંચી જ ન હતી.
એક પીડિતે જણાવ્યા અનુસાર લગભગ 50-60 લોકોના ટોળાએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ભીડના હાથમાં પેટ્રોલ બોમ્બ હતા. આ પેટ્રોલ બોમ્બને સળગાવીને દુકાનો અને ગોડાઉનમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એક પાઇપની દુકાનના માલિકે જણાવ્યું હતું કે દુકાનના એક ભાગમાં રાખેલી પાઇપો બચી ગઇ છે. પણ બાકીનું બધું જ બળી ગયું છે. આગચંપીના પીડિતોનું કહેવું છે કે બિહારશરીફમાં જ્યારે આ બધું થઈ રહ્યું હતું ત્યારે પોલીસ પ્રશાસન ઘટના સ્થળેથી ગેરહાજર હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થળ પર પોલીસની ગેરહાજરીના કારણે આરોપીઓને લૂંટ કરવા માટે પૂરતો સમય મળી ગયો હતો. દુકાનમાં સ્ટેશનરીની વસ્તુઓ હતી અને ત્યાં તેમની ઓફિસ પણ હતી. ભીડે બધે જ આગ ચાંપી દીધી. પીડિતોએ જણાવ્યું કે આગ લાગવાની માહિતી મળ્યા બાદ તેઓ મદદ લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ કોઈ જ પ્રકારની સુનાવણી થઈ ન હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તો બધું ખતમ થઈ ગયું હતું.
આ વીડિયોમાં મોટી વાત એ છે કે જ્યારે લોકોએ TV9 રિપોર્ટરને કહ્યું કે મંદિરમાં પણ આગ લગાવી દેવામાં આવી છે તો રિપોર્ટરે હાથ હલાવીને કહ્યું કે, “ના, ના, તે નથી બતાવવાનું.” અહી સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ ટોળું મંદિરને આગ લગાડે તો તેને દેશની સામે લાવીને દુનિયાને બતાવવામાં શું વાંધો છે? અમે આ દાવાઓની પુષ્ટિ નથી કરતા, પરંતુ જો પીડિતોએ આવું કહ્યું હોય તો તે તપાસનો વિષય છે.
નાલંદાના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક શુભંકરે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી રહ્યા છે. આરોપીઓની ઓળખ માટે સીસીટીવી અને ડીવીઆર, ડ્રોન અને વીડિયોગ્રાફી ફૂટેજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. નાલંદા હિંસા દરમિયાન ફાયરિંગ પણ થયું છે. અનેક લોકો ઘાયલ થયા છે.