તાજેતરમાં સોશિયલ મીડિયા પર આધ્યાત્મિક જામિંગનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં યુવાનોના એક સમૂહને ઢોલ, ગિટાર અને અન્ય સંગીતનાં સાધનો સાથે એક કાફેમાં સંગીતમય રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોવા મળ્યાં હતા. ‘કેક ડિઝાયર’ નામનું આ કાફે ગુરુગ્રામના સેક્ટર 22ના માર્કેટમાં છે. હનુમાન ચાલીસાથી પ્રખ્યાત થયેલા ગુરુગ્રામના કેફેના માલિક વિવેક ગુલાટી છે. આધ્યાત્મિક જામિંગ એ તેમના પોતાના મગજની ઉપજ છે અને તેઓ તેમની સાથે સંકળાયેલા યુવાનોનું નેતૃત્વ કરી રહ્યાં છે.
હનુમાન ચાલીસાથી પ્રખ્યાત થયેલા ગુરુગ્રામના કેફેના માલિક વિવેક ગુલાટીએ ઓપઇન્ડિયા સાથેની વાતચીતમાં પોતાની સફળતાને હનુમાનજીની કૃપા ગણાવી હતી. અમે તેમને ફોન કર્યો અને જાણવા મળ્યું કે તેમના મોબાઇલ ફોનની કોલર ટ્યુનમાં પણ હનુમાન ચાલીસા લગાવવામાં આવી છે. ગુલાટીના જણાવ્યા અનુસાર તેમના મોબાઇલની કોલર ટ્યૂન લગભગ 10 વર્ષથી હનુમાન ચાલીસા જ છે. મૂળ ગાઝિયાબાદની રહેવાસી 40 વર્ષીય ગુલાટી લગભગ 20 વર્ષ પહેલા ધંધો કરવા માટે ગુરુગ્રામ આવી ગયા હતા.
એક સમયે ફૂલો વેચતા હતા, આજે ત્રણ કાફેના માલિક
પોતાના વ્યવસાયિક સંઘર્ષ વિશે વાત કરતા ગુલાટીએ જણાવ્યું હતું કે, ગાઝિયાબાદથી શિફ્ટ થયા બાદ તેમણે ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ફૂલો વેચ્યા હતા. 5 વર્ષ પહેલાં બેકરી શોપ પણ ખોલી હતી. પરંતુ કોરોના લોકડાઉનમાં તેના પર તાળું લાગી ગયું હતું.
કોરોના બાદ જ્યારે સ્થિતિ સામાન્ય થઈ તો તેમણે કાફે ખોલ્યું. તેઓ કહે છે, “આજે ગુરુગ્રામમાં મારી પાસે 3 કાફે છે. બધા જ હનુમાનજીની કૃપાથી છે.”
કેવી રીતે શરૂ થયું આધ્યાત્મિક જામિંગ
હનુમાન ચાલીસાનો વાયરલ વીડિયો મંગળવાર (14 માર્ચ, 2021)નો છે. ગુલાટીએ જણાવ્યું હતું કે બે સપ્તાહ પહેલાં મંગળવારે કાફેમાં આ પાઠ શરૂ કરવામાં આવ્યાં હતા. તેમની સાથે 50 જેટલા યુવાનો જોડાયેલા છે. આ એવા કલાકારો છે જેમાં કેટલાક અભાવમાં જીવી રહ્યા છે તો કેટલાક કારકિર્દીમાં મોટી તકો માટે સંઘર્ષ કરી રહ્યા છે. યુવાનોના આ જૂથને ‘આર્ટિસ્ટ ચોક’ નામ આપવામાં આવ્યું છે. તેમની સાથે જોડાયેલા યુવાનો દિલ્હી એનસીઆરના છે.
#WATCH | Haryana: Spiritual jamming by youths outside a cafe in Gurugram.
— ANI (@ANI) March 22, 2023
Youth outside this cafe chant Hanuman Chalisa every Tuesday. pic.twitter.com/EMDKppoqVu
ગુલાટીએ જણાવ્યું હતું કે હનુમાન ચાલીસાના પાઠ સાથે કાફેમાં આવતા ગ્રાહકો પણ હળવાશ અનુભવે છે. જોકે તેમના કાફેમાં ફિલ્મી ગીતો પણ વાગતા હોય છે. પરંતુ હવે મંગળવાર તેમણે સંપૂર્ણ રીતે હનુમાનજીના નામે સમર્પિત કરી દીધો છે. મંગળવારના દિવસે સાંજે 7 થી 9:30 વાગ્યા સુધી આધ્યાત્મિક જામિંગ થાય છે. ગુલાટી આધ્યાત્મિક જામિંગ સાથે સંકળાયેલા યુવાનો સાથે અયોધ્યાથી રામેશ્વરમ સુધીની મુસાફરી કરવાની પણ યોજના બનાવી રહ્યાં છે.