કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે સુરતની કોર્ટે બદનક્ષીના એક કેસમાં તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. આખરે આજે લોકસભા દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે.
Congress party's Rahul Gandhi disqualified as a Member of Lok Sabha from the date of his conviction in the criminal defamation case over his 'Modi surname' remark, March 23. pic.twitter.com/qmr9pRTtTh
— ANI (@ANI) March 24, 2023
લોકસભાના સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં સુરતની કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી તેઓ દોષિત જાહેર થયાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી સભ્યપદેથી બરખાસ્ત થાય છે.
Rahul Gandhi – Congress MP from Wayanad, Kerala – disqualified as a Member of Lok Sabha following his conviction in the criminal defamation case over his 'Modi surname' remark. pic.twitter.com/SQ1xzRZAot
— ANI (@ANI) March 24, 2023
રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કે MLC કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેને સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવે છે. એક્ટના ખંડ 8માં ડિસ્ક્વોલિફિકેશન માટેના નિયમો અને શરતો જણાવવામાં આવ્યાં છે. સેક્શન 8(3) મુજબ, કોઈ પણ સાંસદ કે ધારાસભ્ય કોઈ ગુનામાં દોષી જાહેર થાય અને બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો સજા થયાના દિવસથી તેનું સભ્યપદ રદ ગણવામાં આવે છે.
ગુરુવારે રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં સજા થઇ ત્યારથી જ ચર્ચા ચાલી રહી હતી કે તેમનું સભ્ય પદ રદ કરવામાં આવશે કે કેમ. આખરે આજે લોકસભાએ અધિકારીક રીતે તેમનું સભ્ય પદ રદ કર્યું છે.
સુરતની કોર્ટે સંભળાવી છે 2 વર્ષની સજા
રાહુલ ગાંધી સામે ચાર વર્ષથી ચાલતા બદનક્ષીના એક કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે તેમને 2 વર્ષની સજા સંભળાવીને 15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, રાહુલ ગાંધીએ ઉપરની કોર્ટમાં અપીલ કરવાનું કહેતાં કોર્ટે તેમને જામીન આપીને 30 દિવસ માટે સજા રદ કરી દીધી હતી.
વર્ષ 2019માં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પોતાના ભાષણમાં પીએમ મોદીને ઘેરવા જતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીનાં નામ લીધાં હતાં. તેમની આ ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી. જે માન્ય રાખીને કોર્ટે સુનાવણી શરૂ કરી હતી.
ચાર વર્ષની સુનાવણી બાદ રાહુલ ગાંધી પણ ઘણી વખત હાજર રહ્યા હતા અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જોકે, તેઓ છેક સુધી પોતે નિર્દોષ હોવાનું કહેતા રહ્યા પરંતુ કોર્ટે તેમની દલીલો માન્ય રાખી ન હતી અને દોષી ઠેરવ્યા હતા.
બદનક્ષીના કેસમાં સજા પામ્યા બાદ રાહુલ ગાંધી હવે લોકસભાનું સભ્યપદ પણ ગુમાવી બેઠા છે.