સોશિયલ મીડિયા પર એક ‘કૉમેડિયન’ ડેનિયલ ફર્નાન્ડિઝનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કોરોનાની બીજી લહેરની સ્થિતિ વિશે વાત કરતો જોવા મળે છે અને સાથે પીએમ મોદી અને તેમના સમર્થકો વિશે આપત્તિજનક ટિપ્પણી કરે છે. ટ્વિટર-ઇન્સ્ટાગ્રામ પર તેના વિડીયોની ક્લિપ્સ હાલ વાયરલ થઇ રહી છે.
ડેનિયલ ફર્નાન્ડિઝે 3 ગત ફેબ્રુઆરીના રોજ પોતાની યુ-ટ્યુબ ચેનલ ઉપર આ વિડીયો અપલોડ કર્યો હતો. જેનું ટાઇટલ છે- ‘અલાઈવ એન્ડ વેક્સિનેટેડ.’ 1 કલાક 39 મિનિટ લાંબા આ શૉમાં તે ‘કોમેડી’ના નામે જણાવે છે કે કઈ રીતે કોરોનાની બીજી લહેર વખતે તેને ઇન્સ્ટાગ્રામ ઉપર મદદ માટે લોકોના મેસેજ આવતા હતા અને તે પહેલાં તેમને પૂછતો કે તેમણે કોને મત આપ્યો હતો. કોઈ પાર્ટીનું નામ લીધા વગર તે કહે છે કે જો કોઈ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક નીકળતો તો તે સીધો તેને બ્લૉક કરી દેતો અને જો તે પાર્ટીનો સમર્થક ન હોય તો જ તેની મદદ કરતો.
આ વિડીયોની અમુક નાની ક્લિપ્સ પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવી હતી. જેમાં ડેનિયલ કોવિડ સમયની વાત કરતાં કહે છે, “જો તમે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર હોવ તો એ ભયાનક સ્થિતિ હતી. ઇન્સ્ટાગ્રામ હોસ્પિટલ વૉર્ડ જેવું લાગતું હતું. દરેક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મદદ માંગવામાં આવતી હતી. ‘મને ઓક્સિજન સિલિન્ડર જોઈએ છે’, ‘મને આઇસીયુ બેડની જરૂર છે’, ‘મને વેન્ટિલેટર જોઈએ છે.’ અને હું કહેતો કે, ‘તમે ચા માટે મત આપ્યો છે..(ઓડિયન્સ તાળીઓ પાડે છે) તો પીવો.’
તે સમયે સોશિયલ મીડિયા પર જેના સારા ફોલોઅર્સ હોય તેમને લોકો મેસેજ કરીને મદદ માંગતા હતા જેથી વધુ સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે અને તેમને મદદ મળી શકે. ડેનિયલ કહે છે કે તેનું પણ સોશિયલ મીડિયા પર સારું ફેન ફોલોઇંગ હોવાના કારણે તેને પણ મેસેજ આવતા હતા.
તે કહે છે કે, “મેં આગળ કહ્યું તેમ, આ મુશ્કેલીના સમયમાં જો હું કંઈ મદદ કરી શકું તો મને આનંદ જ થવાનો હતો. પણ મારા ફોલોઅર્સ પ્રત્યે મારું એક કર્તવ્ય પણ હતું. હું મારા ઇનબોક્સમાં આવતી તમામ બાબતો શૅર કરી શકું તેમ ન હતો. જેથી મારે માહિતીની ખરાઈ પણ કરવી જરૂરી હતી. જેથી જ્યારે પણ મને મદદ માંગતો મેસેજ આવે અને કોઈ કહે કે તેમને જે-તે વસ્તુની જરૂર છે તો તો હું તેમને સામો પ્રશ્ન કરતો કે ‘તમે કોને મત આપ્યો હતો?’ અને જો તેઓ કહે કે, ‘ચાને નહીં’ તો હું મેસેજ આગળ શૅર કરતો હતો. પણ જો તેઓ કહે કે તેમણે ‘ચા માટે મત આપ્યો હતો’ તો હું તેમને બ્લૉક કરી દેતો. આ બરાબર હતું કે નહીં?”
આગળ ડેનિયલ કહે છે કે, “મેં મારા મિત્રોને કહ્યું કે મેં આવું કર્યું હતું અને તેણે પણ કહ્યું કે હોસ્પિટલોએ પણ આવું જ કરવું જોઈતું હતું. આગળ તે ‘અચ્છે દિન’ અને ‘હોસ્પિટલ વહીં બનેગા’ જેવા શબ્દસમૂહોનો ઉપયોગ કરીને મજાક ઉડાડતો જોવા મળે છે.
તેણે કહ્યું કે જ્યારે તેના મિત્રે તેને કહ્યું કે, હોસ્પિટલોએ પણ એવી વ્યવસ્થા રાખવી જોઈતી હતી કે જે કોઈ કોરોનાના દર્દીઓ તેમને ત્યાં સારવાર માટે જાય તેમને પહેલાં કોને મત આપ્યો હતો તે પૂછવામાં આવે અને જો તેઓ ‘ચા’ને મત ન આપ્યો હોવાનું કહે તો તેમને એસી, નેટફ્લિક્સ અને વાઇફાઇ સહિતની સુવિધાઓ આપવામાં આવે અને કહેવામાં આવે કે, ‘અચ્છે દિન ઇધર હૈ.’ પરંતુ જો તેઓ ‘ચા’ના સમર્થકો હોય તો તેમને અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવે અને કહેવામાં આવે કે ‘હોસ્પિટલ વહીં બનેગા.’
અહીં ઉલ્લેખનીય છે કે ‘ચા’ શબ્દનો ઉપયોગ ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવા માટે કરવામાં આવે છે કારણ કે તેઓ બાળપણમાં તેમના પિતા સાથે ચા વેચતા હતા. જ્યારે ‘અચ્છે દિન..’નો ઉપયોગ ભાજપના 2014ના ચૂંટણી સૂત્ર ‘અચ્છે દિન આને વાલે હૈ..’ પર કટાક્ષ કરવા માટે અને અહીં જે ‘હોસ્પિટલ વહીં બનેગા’ શબ્દ વપરાયો છે તે રામ મંદિરના સંદર્ભમાં છે કારણ કે ઘણાં વર્ષો સુધી હિંદુઓની રામજન્મભૂમિ ચળવળનો આ નારો હતો- મંદિર વહીં (અયોધ્યામાં) બનાયેંગે.
ડેનિયલનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે અને લોકો આ માનસિકતા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. બીજી તરફ, સામે બેસીને આ જોક્સ પર હસતા લોકો અંગે પણ ચર્ચા ચાલી રહી છે.