પાડોશી દેશ પાકિસ્તાન રોજ પાયમાલીની નવી ઊંચાઈઓ સ્પર્શ કરી રહ્યો છે. દુનિયા આગળ વધતી જાય છે અને પાકિસ્તાનીઓ પાછળ. લોટથી લઈને પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓનાં પણ ફાંફાં છે અને જે મળે છે તેના ભાવો અતિશય વધારે છે. પાકિસ્તાનની સરકાર પાસે આ સ્થિતિ કાબૂમાં લેવા માટે કોઈ રસ્તો હોય તેમ જણાઈ રહ્યું નથી. આ સંજોગોમાં પાકિસ્તાની પોતાના દેશની સરખામણી ભારત સાથે કરી રહ્યા છે અને એ જ ક્રમમાં એક યુવકનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે પીએમ મોદીનાં વખાણ કરતો જોઈ શકાય છે.
ભારત પાકિસ્તાન કરતાં વિસ્તાર અને વસ્તી બંનેમાં બહુ મોટો દેશ છે. વિવિધતા પણ વધારે છે. પરંતુ આજે જ્યારે વિશ્વમાં ચર્ચા થાય છે તો ભારતની ચર્ચા એક ઉભરતા દેશ તરીકે જ્યારે પાકિસ્તાનની ચર્ચા પાયમાલ અને કંગાળ દેશ તરીકે થાય છે. આ સરખામણી હવે ત્યાંના લોકો પણ કરતા થયા છે.
પાકિસ્તાનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક મોટો ચાહક વર્ગ છે. જેઓ મોદીના કામથી, તેમની સરકાર ચલાવવાની પદ્ધતિથી, તેમની વિદેશ નીતિ અને આવડતથી પ્રભાવિત છે અને અવારનવાર આવા વિડીયો સામે આવતા રહે છે. આવો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની યુવક મોદીનાં મોંફાટ વખાણ કરતો સાંભળી શકાય છે.
An ordinary Pakistani saying from the core of his heart he wants Narendra Modi to be the Prime Minister of Pakistan for 8 years. Not Imran Khan or Nawaz Sharif. Says, there is no comparison between India and Pakistan. Modi will straighten out things in sinking Pakistan. pic.twitter.com/CtyzZyRHYa
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 23, 2023
યુવકનો ઇન્ટરવ્યૂ કરતી પત્રકાર તેને કહે છે કે 1947માં પાકિસ્તાન બન્યું ત્યારે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હતા પણ આજે નારા લાગે છે કે પાકિસ્તાનથી ભાગી જાવ, ભલે ભારત પણ જતા રહો. જેના જવાબમાં યુવક કહે છે કે, નારા બરાબર જ લાગી રહ્યા છે અને જો 1947માં પાકિસ્તાન બન્યું જ ન હોત તો આજે તેમને પણ ટામેટાં 20 રૂ/કિલો, ચિકન 150/કિલો અને પેટ્રોલ 150 રૂ/કિલો મળતું હોત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં યુવકે પાકિસ્તાનના પૂર્વ શાસકોનાં નામ લઈને કહ્યું કે અમને નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો, ઇમરાન ખાન કે જનરલ મુશર્રફ નહીં પરંતુ વડાપ્રધાન તરીકે મોદી જોઈએ છે, જેથી તેઓ દેશને ઉપર લાવે.
ભારત વિશે વાત કરતાં યુવક કહે છે કે, આજે દેશ વિશ્વમાં પાંચમા ક્રમે (અર્થવ્યવસ્થાની બાબતમાં) પહોંચી ગયો છે. પહેલાં આપણે ભારત સાથે સરખામણી કરતા હતા પરંતુ હવે ભારત અને પાકિસ્તાની સરખામણી જ શક્ય નથી.
જ્યારે એન્કરે તેને પૂછ્યું કે શું તે ખરેખર નરેન્દ્ર મોદીનું શાસન સ્વીકારવા તૈયાર છે ત્યારે ફરી યુવકે કહ્યું કે, મોદી મહાન છે તેઓ કંઈ ખરાબ માણસ નથી. તેણે કહ્યું, “આજે ભારતના મુસ્લિમોં 150 રૂપિયા લિટર પેટ્રોલ અને 150 રૂપિયા કિલો ચિકન ખરીદી રહ્યા છે. રાત્રે તમે તમારાં બાળકોનાં પેટ ન ભરી શકતા હોવ તો તેનો કોઈ અર્થ નથી અને પછી એવા પણ વિચાર આવે છે કે આપણે કેવા દેશમાં જન્મ્યા.”
આગળ તેણે કહ્યું, “અમારી તો અલ્લાહને એક જ દુઆ છે કે અમને મોદી આપી દે જેઓ આઠ વર્ષ અમારા દેશમાં શાસન ચલાવે અને દેશને ઉપર લઇ જાય.”
આ વિડીયો એવા સમયે આવ્યો છે જ્યારે એક તરફ BBC ડોક્યુમેન્ટ્રીને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં ગુજરાત રમખાણોને લઈને ફરી એક વખત નરેન્દ્ર મોદીને સંડોવવાના પ્રયાસો કરવામાં આવ્યા. બીજી તરફ, અદાણી જૂથ પર લાગેલા આરોપોને લઈને જ્યોર્જ સોરોસ જેવા ભારતવિરોધી ઇતિહાસ ધરાવનારાઓએ મોદીને ઘસડ્યા. ભારતમાં તો વિપક્ષો રાત-દિવસ મોદીનું નામ જપતા હોય જ છે.
આ એક બહુ સારું ઉદાહરણ છે કે કાદવ ઉછાળવાના ગમે તેટલા પ્રયાસો પછી પણ સત્ય છૂપું રહી શકતું નથી. મોદીનું કામ ભારતના લોકો જુએ છે, મોદીનું કામ દુનિયા જુએ છે અને એ જ કારણ છે કે દાયકાઓથી ચાલતા અપપ્રચાર વચ્ચે પણ મોદી અડીખમ છે.