Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટKK ના ચહેરા અને હોઠ પર ઘા ના નિશાન મળ્યાં, કોન્સર્ટ દરમ્યાન...

    KK ના ચહેરા અને હોઠ પર ઘા ના નિશાન મળ્યાં, કોન્સર્ટ દરમ્યાન ઓડીટોરીયમનું એસી પણ બંધ! પોલીસે અકુદરતી મૃત્યુની આશંકા જતાવી

    જાણીતા બોલીવુડ સિંગર KKનું ગઈ રાત્રે કોલકાતામાં પરફોર્મ કર્યા બાદ નિધન થયું હતું. તેઓ ગાયક બન્યા અગાઉ અસંખ્ય જિંગલ્સ ગાઈ ચુક્યા હતા.

    - Advertisement -

    પ્રખ્યાત ગાયક કેકેનું ગઈકાલે 53 વર્ષની વયે નિધન થયું છે. કોલકત્તામાં એક કોલેજ ફેસ્ટમાં પરફોર્મ કર્યા બાદ મોડી રાત્રે અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ અટેકના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

    રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોલકાત્તામાં એક કોલેજે કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જ્યાં લગભગ એક કલાક સુધી પરફોર્મ કર્યા બાદ કેકે હોટેલ પરત ફર્યા પછી તબિયત બગડી ગઈ હતી. જે બાદ તેમને દક્ષિણ કોલકાત્તાની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. 

    હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કેકેને રાત્રે લગભગ 10 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે અમે તેમની સારવાર કરી શક્યા ન હતા. તેમણે ગાયકનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ, કોલકત્તા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટ કરવામાં આવશે, જે બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

    - Advertisement -

    તાજા સમાચાર મુજબ, કોલકત્તા પોલીસે ગાયક કેકેના અવસાન મામલે અપ્રાકૃતિક મૃત્યુનો કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર, પોલીસને કેકેના હોઠ અને ચહેરા પર ઘાના નિશાન મળ્યા છે. તો એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે હોટેલ પહોંચીને તેમણે ઉલટી કરી હતી. પોલીસે આ મામલે હોટેલ મેનેજરની પણ પૂછપરછ કરી છે. બીજી તરફ, ગાયક કેકેનું મૃત્યુ શારીરિક બીમારીથી થયું છે કે અન્ય કારણોથી તે મામલે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે.

    સોશિયલ મિડિયા પર પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં KK હોલનું એસી બરોબર ન ચાલતું હોવાની ફરિયાદ કરી રહ્યા હોવાનું જણાય છે. ઇન્ડિયા ટુડેના પત્રકાર પૌલોમી સિન્હાએ આ વિડીયો ટ્વિટ કર્યો છે જેમાં કાર્યક્રમ અગાઉ ગરમીથી પરેશાન KK વારંવાર પોતાનો ચહેરો સાફ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેઓ એસી બાબતે મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.

    પૌલોમીએ લખ્યું છે કે એવું કહેવાઈ રહ્યું છે કે તેમણે (KK) કોન્સર્ટમાંથી હોટલ પર પરત થતાં અગાઉ પોતાને સારું ન લાગતું હોવાની ફરિયાદ પણ કરી હતી. હું કલ્પના પણ નથી કરી શકતી કે ભરેલા ઓડીટોરીયમમાં એસી વગર તેમને કેટલી તકલીફ પડી રહી હશે.

    આ ઉપરાંત હોટેલના CCTV ફૂટેજની પણ ગહન તપાસ કોલકાતા પોલીસે આદરી દીધી છે, આથી એમને છેલ્લે કોણ મળવા આવ્યું હતું એ બાબતની માહિતી મળી શકે. આ ઉપરાંત રાત્રે હોટલમાં પરત થયા બાદ કેકે શું જમ્યા હતા એની પણ તપાસ થઇ રહી છે.

    ગાયક કેકેનું આખું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું. તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અને લોકપ્રિય ગાયકો પૈકીના એક હતા. દેશ-દુનિયામાં લાખો ચાહકો તેમના નિધનથી શોકમય બન્યા છે. તેમણે હિંદી સહિત તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ, મરાઠી, બાંગ્લા, આસામી અને ગુજરાતી જેવી અનેક ભાષાઓમાં ગીતોને સ્વર આપ્યો હતો. જ્યારે હિંદીમાં જે ગીતો ગાય તેમાંથી મોટાભાગના હિટ ગયા હતા.

    કેકે દિલ્હીમાં જન્મ્યા હતા પરંતુ કર્મભૂમિ મુંબઈ રહી હતી. 23 ઓગસ્ટ 1968 ના રોજ રાજધાની દિલ્હીમાં જન્મ થયો હતો. તેઓ બાળપણથી ડૉક્ટર બનવા માંગતા હતા. તેમણે દિલ્હી યુનિવર્સીટીની કિરોડીમલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. વાણિજ્યમાં સ્નાતક થયા બાદ તેમણે હોટેલમાં નોકરી કરી હતી, જોકે, આ નોકરી આઠ મહિનામાં જ છોડી દીધી હતી. 1991 માં તેમના લગ્ન થયાં હતાં. 

    લગ્નનાં ત્રણ વર્ષ બાદ તેમણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું હતું અને ગાયનની દુનિયામાં પગ મૂક્યો હતો. 1994 માં યુટીવીની એક જાહેરાતમાં તેમને કામ મળ્યું હતું. જે બાદ ફિલ્મ ‘માચિસ’નું ‘છોડ આયે હમ..’ ગીતથી તેમણે બૉલીવુડમાં ગાવાની શરૂઆત કરી હતી, અને ત્યારપછીની તેમની સફર દુનિયા જાણે છે. જોકે, બૉલીવુડમાં આવવા પહેલાં તો લગભગ 3500 જિંગલ્સ ગાઈ ચૂક્યા હતા. 

    કેકેના લોકપ્રિય ગીતોની વાત કરવામાં આવે તો સલમાન ખાન, અજય દેવગણ અને ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું ગીત ‘તડપ-તડપ કે ઇસ દિલ સે..’ ખૂબ પ્રખ્યાત બન્યું હતું. આ ઉપરાંત, ‘બચના એ હસીનો’નું ‘ખુદા જાને’, ‘કાઇટ્સ’નું ‘જિંદગી દો પલ કી’, ‘જન્નત’નું ‘જરા સા’ તેજ શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નું ‘આંખો મેન તેરી અજબ સી..’ જેવા ગીતો પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ‘તૂ જો મિલા..’ પણ તેમના લોકપ્રિય ગીતો પૈકીનું એક છે. 

    ગાયક કેકેનું નિધન થયા બાદ દેશભરમાંથી ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તેમજ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત બૉલીવુડ અભિનેતાઓ-નિર્માતાઓએ પણ કેકેના નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

    પીએમ મોદીએ ગાયક કેકેને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, “કેકેના નામથી ઓળખાતા પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમારના નિધનથી દુઃખી છું. તેમના ગીતોમાં સંવેદનાઓની વિશાલ શૃંખલા પ્રતિબિંબિત થતી હતી અને તમામ વયજૂથના લોકોને જોડતાં હતાં. તેમના ગીતો દ્વારા હંમેશા તેને યાદ કરીશું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ૐ શાંતિ.”

    અભિનેતા અક્ષય કુમારે લખ્યું કે, “કેકેના દુઃખદ અવસાન અંગે જાણીને વ્યથિત છું. અપૂર્ણ ક્ષતિ. ૐ શાંતિ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં