ઑલ્ટ ન્યૂઝના સ્થાપક મોહમ્મ્દ ઝુબૈરે ભાજપ મહિલા નેતા નૂપુર શર્માનો એક વિડીયો શૅર કરીને કટ્ટરપંથી ઇસ્લામવાદીઓને ઉશ્કેર્યા બાદ નૂપુર શર્માને સોશિયલ મીડિયા ઉપર હત્યા અને ગળું કાપી નાંખવાની ધમકીઓ મળી રહી છે. હવે, નૂપુર શર્માને સરહદ પાર પાકિસ્તાનથી પણ કટ્ટરપંથી સંગઠનો તરફથી ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ છે.
‘Labbaikians TV’ નામના પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે નૂપુર શર્માનું માથું વાઢી લાવશે તેમને પચાસ લાખ પાકિસ્તાની રૂપિયાનું (19.5 લાખ ભારતીય રૂપિયા) ઇનામ આપવામાં આવશે. ટ્વિટમાં નૂપુર શર્માને ‘ગુસ્તાખ-એ-રસૂલ’ ગણાવવામાં આવ્યાં છે. આ ટ્વિટર હેન્ડલ પાકિસ્તાનની પાર્ટી તહેરિક-એ-લબ્બૈકના ભાષણો અને ઇન્ટરવ્યૂ શૅર કરવાનું કામ કરે છે અને જે ઇસ્લામિક કટ્ટરપંથી પાર્ટીના સમર્થકો દ્વારા ચલાવવામાં આવે છે.
આ ટ્વિટ બાદ તરત જ નૂપુર શર્માને પાકિસ્તાનથી ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી અને પાકિસ્તાની યુઝરો વિરુદ્ધ અશોભનીય ટિપ્પણીઓ કરવા માંડ્યા હતા અને કહ્યું હતું કે તેઓ સરહદપાર હોવાના કારણે નૂપુરની હત્યા કરી શકતા નથી, જેના કારણે તેઓ દુઃખી છે. એક યુઝરે ટ્વિટ કરીને કહ્યું, “જો હું ભારતમાં હોત તો તેની (નૂપુર શર્મા) હત્યા જ કરી નાંખી હોત.”
અન્ય એક યુઝર અફતાબ હુસૈને ટ્વિટ કરીને કહ્યું, “આ મહિલાને મારી નાંખો.”
અહીં એ નોંધવું જરૂરી છે કે પાકિસ્તાનની તહેરીક-એ-લબ્બૈકના કાર્યકરો ઉપર શ્રીલંકન નાગરિક પ્રિયંથા કુમારાની હત્યાનો પણ આરોપ લાગ્યો હતો. પ્રિયંથા કુમારાને ઇશનિંદાના આરોપસર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ટોળા દ્વારા પહેલાં મૉબ લિન્ચિંગ કરીને મારી નાંખવામાં આવ્યા હતા અને પછી તેમના મૃતદેહને સળગાવી મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ઇશનિંદાના આરોપીઓને મૃત્યુદંડ આપવા માટે પણ આ પાર્ટી સતત માંગ કરતી રહી છે.
ગત વર્ષે નવેમ્બરમાં આ પાર્ટીને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી પરંતુ તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કટ્ટરપંથી મુસ્લિમો સામે ઝૂકવું પડ્યું હતું અને સંગઠન પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાનો આદેશ આપવો પડ્યો હતો.
27 મેના રોજ ટાઈમ્સ નાઉ ચેનલ પર પ્રસારિત થયેલી એક ટીવી ડિબેટ બાદથી આ મામલો શરૂ થયો હતો. નૂપુર શર્મા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા હોવાથી તેમણે ડિબેટમાં ભાગ લીધો હતો. વિવાદિત માળખા જ્ઞાનવાપીને લઈને ચાલતી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ કહ્યું હતું કે, જો હિંદુત્વ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે તો જવાબમાં લોકો ઇસ્લામિક પ્રથાઓની પણ મજાક ઉડાવી શકે છે.
આ ડિબેટ બાદ, ઑલ્ટ ન્યૂઝના સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે નૂપુર શર્માનો સંદર્ભ વિનાનો વિડીયો શૅર કરીને આડકતરી રીતે તેના ફોલોઅર્સને નૂપુર શર્મા વિરુદ્ધ છૂટા મૂકી દીધા હતા. જે બાદ નૂપુર શર્મા અને તેમના પરિવારને ધમકીઓ મળવાની શરૂ થઇ ગઈ હતી.
ઝુબૈર બાદ ‘પત્રકાર’ રાણા અય્યુબે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને ઝુબૈરનું સમર્થન કરીને નૂપુર શર્માને ઇશનિંદાનાં આરોપી ગણાવીને તેમની વિરુદ્ધ વધુ નફરત ફેલાવવાનું કામ કર્યું હતું.