પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક રેલીમાં ભાષણ દરમિયાન ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે ગુજરાત પોલીસ પર મંજૂરી વગર દિલ્હી સ્થિત ‘બંગ ભવન’માં ઘૂસવાનો અને સીસીટીવી કેમેરા લઇ લેવાનો આક્ષેપ મૂક્યો છે. આ મામલે કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્ય સચિવ હરિકૃષ્ણ દ્વિવેદીને નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મમતા બેનર્જીએ કહ્યું કે, “ગુજરાત અને દિલ્લી પોલીસ કોઈ પણ પ્રકારની મંજુરી વગર દિલ્લી સ્થિત ‘બંગ ભવન’ ખાતે ઘૂસી ગઈ હતી અને સીસીટીવી કેમેરા પણ લઈ લીધા હતા. અમારી સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.”
ગુજરાત પોલીસે બંગ ભવન ખાતેથી TMC પ્રવક્તા સાકેત ગોખલેની ધરપકડ કરી હતી, જેને લગતો આ મામલો છે. પરંતુ મમતા બેનર્જીએ તેમનું નામ લીધા વગર જ કહ્યું હતું કે “અમારા એક સોશિયલ એક્ટિવિસ્ટ અને સોશિયલ મીડિયા પર સક્રિય વ્યક્તિની ગુજરાત પોલીસે ખોટી રીતે ધરપકડ કરી છે.”
સાકેત ગોખલે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને ટ્વિટર જેવી સોશિયલ વેબસાઈટ પર અતિ સક્રિય રહે છે. તેમણે મોરબીમાં થયેલી કરુણ ઘટના વખતે ગેરમાર્ગે દોરનારી ટિપ્પણી કરી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી હતી.
આ વાતને અનુસંધાને મમતા બેનર્જીએ આ નિવેદન આપ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે “રાજ્યના ઉપરી અધિકારીઓ કે ન્યાયાધીશો પણ દિલ્લી જાય ત્યારે બંગ ભવનમાં રહેતા હોય છે. પરંતુ હું હવે દિલ્લી જાઉં ત્યારે અભિષેકના (તેમના ભત્રીજા) ઘરે જ રહું છું. કારણ કે ત્યાં અનુમતિ વગર કોઈ પણ આવી જાય છે. ગુજરાત પોલીસે જે સીસીટીવી કેમેરા લઈ લીધા છે. હવે કોણ કોને ક્યારે મળ્યું તે બધું તે લોકો પાસે છે.”
સાકેત ગોખલેએ મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીની મુલાકાતમાં ૩૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે, પછીથી ઑપઇન્ડિયાએ કરેલા ફેક્ટચેકમાં આ દાવો ખોટો સાબિત થયો હતો. ત્યારબાદ પોલીસના ધ્યાને પણ બાબત આવી હતી અને તેમની ધરપકડ થઇ હતી.
મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણની તૈયારીના ભાગરૂપે પણ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં રહેતા હોય છે. હાલમાં જ અમર્ત્ય સેને મમતા બેનર્જીને વડાપ્રધાન પદના દાવેદાર પણ ગણાવ્યા હતા.