વૈશ્વિક મંદીના ભણકારા છેલ્લા ઘણાં સમયથી સંભળાઈ રહ્યાં છે. આવામાં મોટી મોટી કંપનીઓ પોતાને અત્યારથી જ આવનારી આર્થિક મંદી સાથે કામ પાર પાડવા માટે તૈયાર કરી રહી છે. મંદીથી બચવા કંપનીનો ખર્ચ ઘટાડવો એ અસરકારક પગલું ગણાતું હોય છે. આવામાં એમેઝોન ઇન્ડિયા મોટી સંખ્યામાં પોતાનાં કર્મચારીઓને આ મહીને જ છુટા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
એમેઝોનના સીઇઓ એન્ડી જેસ્સી કન્ફર્મ કરી ચુક્યા છે કે વિશ્વભરમાંથી લગભગ 18 હજાર જેટલા કર્મચારીઓને કંપની છુટા કરવાની છે. એમેઝોન ઇન્ડિયાની વાત કરીએ તો અહીં છુટા કરવામાં આવનારા કર્મચારીઓની સંખ્યા 1 હજાર જેટલી રહેશે. એમેઝોન ઇન્ડિયા માટે કામ કરનારા કર્મચારીઓની સંખ્યા 1 લાખ જેટલી છે આથી આ છટણીની અસર કંપનીના 1% જેટલા કર્મચારીઓને થશે.
આ પ્રક્રિયા ઓલરેડી શરુ થઇ ચુકી છે અને છુટા થનાર કર્મચારીઓને આ બાબતે મેઈલ્સ પણ મળી ગયા છે. એક અહેવાલ અનુસાર આ કર્મચારીઓને આ મેઈલ્સમાં કહેવામાં આવ્યું છે કે 18 જાન્યુઆરીએ તેઓ તેમની ટીમના સીનીયર અધિકારીઓને મળે જે તેમને આ બાબતે વધુ માહિતી આપશે.
જાણવા મળ્યું છે કે એમેઝોન ઇન્ડિયા પોતાના છુટા થઇ રહેલાં કર્મચારીઓને બે થી ચાર મહિનાનો પગાર પણ આપશે. આ જુથમાં ફક્ત ફ્રેશ જ નહીં પરંતુ અનુભવી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત જે ટીમ્સનો દેખાવ છેલ્લા કેટલાક સમયમાં સારો નથી રહ્યો એ તમામ પર એકસાથે છટણીની તલવાર ચલાવવામાં આવી છે. છટણી થનાર કેટલાકે તો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે લિંકડીન (Linkdin) પર પોસ્ટ પણ કરી છે કે તેઓ એમેઝોન છોડી રહ્યાં છે અને હવે નવી તક માટે તૈયાર છે.
બીજી તરફ પુણે લેબર કમિશનરે આ છટણીની નોંધ લઈને એમેઝોન ઇન્ડિયા પર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. અગામી 17 જાન્યુઆરીએ એટલેકે છટણી થનાર કર્મચારીઓના તેમના ઉચ્ચ અધિકારીઓને મળવાના દિવસના એક દિવસ અગાઉ એમેઝોન ઇન્ડિયાના અધિકારીઓને પોતાની ઓફીસમાં પ્રશ્નોત્તરી માટે બોલાવ્યા છે. પોતાની નોટીસમાં પુણે લેબર કમિશનરે જણાવ્યું છે કે, “તમારી સંસ્થા/ફેક્ટરીમાં કાર્યરત કર્મચારીઓની છટણી અંગે ચર્ચા કરવા માટે તમને આ ઓફિસમાં 17 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે હાજર થવાનું કહેવામાં આવે છે.”
નોટીસમાં અધિકારીઓને છટણીને લગતાં તમામ ડોક્યુમેન્ટ્સ તેમજ પાવર ઓફ એટર્ની સાથે હાજર થવાનું પણ કહેવામાં આવ્યું છે.
અગાઉ નવેમ્બર 2022માં એમેઝોને પોતાના કર્મચારીઓને વોલેન્ટરી રિટાયરમેન્ટની પણ ઓફર આપી હતી જેનો સ્વીકાર ઘણાં બધાં કર્મચારીઓએ કર્યો હતો. આ તમામ કર્મચારીઓને 22 અઠવાડિયાનો આગોતરો બેઝીક પગાર આપી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને છ મહિના માટે એક અઠવાડિયાનો પગાર, જે વધુમાં વધુ 20 અઠવાડિયાનો હતો, છ મહિનાનો મેડીકલ ઇન્શ્યોરન્સ અને છ મહિનાની નોટીસની અવેજમાં પણ અમુક રકમની ચુકવણી કરાઈ હતી.