અમરેલીના ધારીમાં એક હિંદુ યુવતીનું અપહરણ થયાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ તાજુબ ફકીર તરીકે થઇ છે. પીડિત પિતાની ફરિયાદના આધારે ધારી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ઘટના ગત મંગળવારની (3 જાન્યુઆરી 2023) છે. પીડિત પિતાએ ધારી પોલીસ મથકે પોતાની 18 વર્ષીય પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદમાં તેમણે તાજુબ ઉર્ફે બાલી હારૂનભાઈ ફકીર નામના ઈસમ ઉપર આરોપ લગાવ્યો છે.
પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમને સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી છે અને જેમાંથી એક પુત્ર તેમના મોટાભાઈ સાથે રહે છે. તેઓ પોતે ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. જ્યારે ઘટના બની તે દિવસે તેમની પત્ની બહારગામ ગઈ હોવાનું પણ તેમણે ફરિયાદમાં જણાવ્યું છે.
ફરિયાદ અનુસાર, 3 જાન્યુઆરીના રોજ તેઓ કામ અર્થે બહાર ગયા હતા અને પુત્ર ટ્યુશન ગયો હતો, જેથી તેમની પુત્રી ઘરમાં એકલી જ હતી. જ્યારે પુત્ર પાછો આવ્યો ત્યારે તેણે ઘરમાં બહેનને ન જોતાં આસપાસ શોધખોળ કરી હતી અને તેમ છતાં ન મળતાં પિતાને જાણ કરી હતી.
યુવતીના પિતાએ બાજુના ઘરે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે બજારમાં શાકભાજી લેવા માટે જાઉં છું તેમ કહીને ઘરને તાળું મારીને ચાવી આપી ગઈ હતી. ત્યારબાદ તેમણે બજાર અને અન્ય જગ્યાઓએ પણ તપાસ કરતાં ત્યાં પણ પત્તો ન લાગ્યો ન હતો.
પીડિત પિતાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે ઘટનાના દિવસે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં તાજુબ ફકીર નામનો ઈસમ મોટરસાઇકલ લઈને આવ્યો હતો અને તેમની પુત્રીને લઇ ગયો હતો. ત્યારબાદ પણ પુત્રી અને આરોપી બંને ન મળતાં તેમણે પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.
ધારીમાં હિંદુ યુવતીના અપહરણ મામલે સ્થાનિક સૂત્રોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, ગુરુવારે સાંજે (5 જાન્યુઆરી 2023) યુવતી અને આરોપી બંને અમરેલીથી મળી આવ્યાં હતાં અને આરોપીને પોલીસે અટકમાં પણ લઇ લીધો છે. સૂત્રો અનુસાર, યુવતીએ જણાવ્યું હતું કે તેને કશી જ ખબર નથી અને તેને ઉપાડીને લઇ જવામાં આવી હતી.
બીજી તરફ, સ્થાનિક વિશ્વ હિંદુ પરિષદના સૂત્રો પાસેથી એમ પણ જાણવા મળ્યું હતું કે આરોપીએ આ લગભગ ચોથી છોકરી સાથે આવું કર્યું છે. હાલ પોલીસ મામલાની વધુ તપાસ હાથ ધરી રહી છે.