પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન બનાસકાંઠામાં બનાસ ડેરી ખાતે કરોડો રૂપિયાની અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરવા પહોચ્યા હતા. જ્યાં કાર્યક્રમ શરૂ થાય એ પહેલા નવા સંકુલની ચકાસણી કરી હતી અને બાદમાં ડેરી પરિસરમાં જ બનાસકાંઠાની પશુપાલક મહિલાઓ સાથે પ્રધાનમંત્રીએ નિરાંતે બેસીને વાતો કરી હતી.
અહીં હાજર બહેનોમાં કેટલાક પશુપાલનના કામ સાથે જોડાયેલ હતા, કેટલાક બટાકાની ખેતી સાથે તો કેટલાક મધમાખી ઉછેર સાથે. મોદીએ આ બહેનોને સ્પર્શતી દરેક નાનામાં નાની બાબતોની ઝીણવટપૂર્વક જાણકારી મેળવી હતી. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો લાભ મળે છે કે કેમ એની પણ પૂછતાછ કરી હતી.
મહિલાઓએ ડેરી સંકુલને કારણે તેમની પ્રગતિની વાતો પ્રધાનમંત્રી સાથે શેર કરી હતી. તેઓએ પોતે ઉત્પાદિતકરતાં દૂધના વિશાળ જથ્થા વિશે પણ વાત કરી જે તેઓ એ વેચવામાં સક્ષમ છે એમ પણ જણાવ્યુ. બહેનોએ પોતાની કમાણી વિષે પણ વડાપ્રધાનને માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ મહિલાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
મહિલાઓએ કહ્યું કે એમના ભાગ્ય સારા હશે કે એમને પ્રધાનમંત્રીને મળવાનો અવસર મળ્યો ત્યારી મોદીએ કહ્યું કે એમણે જે પેલું કાળું ટીપું (વોટિંગ) કર્યું હતું એના લીધે એ આજે ત્યાં છે.”
પછી આગળ પશુપાલક બહેનોએ પોતે વર્ષે લાખો કરોડોનું દૂધ ભરાવે છે એ જણાવ્યુ હતું. એક મહિલા પશુપાલકે જણાવ્યુ કે એમના પિતાજી આ વ્યવસાય સાથે જોડાયેલા હતા જેથી તેઓ પણ પશુપાલન માટે પ્રેરાયા અને હવે વર્ષે ડેરીમાં 30 લાખથી વધુનું દૂધ ભરાવતા થયા છે.
આ ચર્ચામાં ભાગ લઇ રહેલા એક મુસ્લિમ બહેને જણાવ્યુ કે પહેલા એમના ગામડાઓમાં વીજળી ન હતી પણ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા પછી ‘જ્યોતિગ્રામ યોજના’ અંતર્ગત 24 કલાક વીજળી મળી જેના લીધે તેઓ સારો ધંધો કરી શકે છે.
પ્રધાનમંત્રીએ એ મુદ્દા પર આગળ કહ્યું કે ગુજરાતનાં 22 વર્ષના યુવાનોને ખ્યાલ પણ નહિ હોય કે એક સમયે ગુજરાતમાં ઘણી જગ્યાઓએ લાઇટો પણ નહોતી.
પશુપાલક મહિલાઓ સાથે પ્રધાનમંત્રીએ આગળ વાત કરી કે પહેલા ગુજરાતમાં બધી મિલકતો પુરુષો નામે જ હોતી, મહિલાઓ પાસે સોના સિવાય બીજું કાઇ નહોતું. પણ પોતે મુખ્યમંત્રી બન્યા બાદ મહિલાઓના નામે ખેતર લેવા પર સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી, અને હવે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ માં પણ બહેનોના નામે જ લાભ આપ્યો અને એવા અનેક પગલાં લીધા જેથી ગુજરાતની બહેનો પગભર થઈ હતી.
બટાકાની ખેતી સાથે જોડાયેલ એક મહિલાએ મોદીને જણાવ્યુ કે ટપક પદ્ધતિના કારણે બટાકાના ઉત્પાદનમાં ખૂબ લાભ મળ્યો છે તથા બટાકાના ભાવની ચિંતા રહતી નથી. પ્રધાનમંત્રીએ પ્રશ્ન પૂછતા એ મહિલાએ જણાવ્યુ કે એમણે ટપક પધ્ધતિથી બટાકાની ખેતી કરીને વર્ષે 30 થી 40 લાખ જેટલી કમાણી કરે છે.
એક મહિલા ખેડૂતે ભૂતકાળની યાદ તાજા કરતાં પ્રધાનમંત્રીને કહ્યું કે એમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમને કહેતા કે ‘વીજળી નહિ પાણી બચાવો’ જે વાત તેઓ હવે સમજ્યા છે. મોદીએ આ વાત પર હસતાં હસતાં યાદ અપાવ્યું કે તેઓ જ્યારે મુખ્યમંત્રી તરીકે આ વાત કહેતા ત્યારે લોકો એમના પૂતળાં બાળતા હતા.
પ્રધાનમંત્રીએ સૌને જણાવ્યુ કે આઝાદીના અમૃતમહોત્સવ અંતર્ગત દરેક જીલ્લામાં 75 મોટા મોટા તળાવ બનાવવા. તળાવ બનાવવાની રીત પણ જણાવી અને કહ્યું કે જમીનમાં પાણીના નીચા સ્તરનો એકમાત્ર ઉપાય આ જ છે. ઉપરાંત મોદીએ ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’ વાળો પાણી બચાવવાનો પોતાનો જૂનો નારો પણ એ મહિલાઓને યાદ અપાવ્યો હતો. ગામની બહેનોની મદદથી બનાવતા ‘બોરીબંધ’ ની પણ એમણે યાદ કરીને પ્રશંસા કરી હતી.
મોદીએ બનાસકાંઠાના ખેડૂતોની પ્રશંસા કરતાં કહ્યું કે બનાસકાંઠા આજે ‘ટપક સિંચાઇ’ માં આજે ગુજરાતમાં પહેલા નંબરે આવી ગયું છે. દરેક ખેતરમાં ‘ખેત તલાવડી’ ના સફળ પ્રયોગ વિષે પણ મોદીએ વાત કરી હતી અને જણાવ્યુ હતું કે આ ખેત તલાવડી યોજના દ્વારા એમણે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઘણો સારો લાભ મેળવ્યો હતો. તે ઉપરાંત એમણે એ પણ જોડ્યુ કે બનાસકાંઠા પર માં નર્મદા એટલે કે નર્મદા કેનાલના આશીર્વાદ પણ છે.
મોદીએ મહિલાઓને એમ પણ પૂછ્યું હતું કે તેમાંથી કેટલીએ નડાબેટની મુલાકાત લીધી છે, જે પાકિસ્તાન સાથેની સરહદ ધરાવતા જિલ્લામાં ગુજરાત સરકારના તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ બોર્ડર ટુરીઝમ પ્રોજેક્ટ છે. જ્યારે એક મહિલાએ કહ્યું કે તે નડાબેટ ગઈ હતી ત્યારે મોદીએ પૂછ્યું હતું કે, “શું તમે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ત્યાં જે કરે છે તે બધું જોયું છે? હવે, તમારા પુત્રને તેમાં (BSF) મોકલવામાં તમને વાંધો તો નથીને?” મહિલાએ હા માં જવાબ આપતા કહ્યું કે એ એના બાળકોને જરૂર મોકલશે.
એક મહિલા પશુપાલકે મોદી સાહેબની 108 ઈમરજન્સી સેવાને ટાંકતા કહ્યું કે એમણે જેમ 108 સેવા શરૂ કરી હતી એ જ રીતે બનાસ ડેરી 108 પશુ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. જેના પર કોલ કરતાં 30 મિનિટ જેટલા ટૂંકા સમયમાં પશુ એમ્બ્યુલન્સ એમના ઘરે પહોચી જાય છે પશુની સારવાર કરવા.
મોદીએ મહિલાઓને એમના પશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરતાં પશુઓની જુદી જુદી રસી તેઓ મુકાવે છે કે નહીં એની પુચ્છા કરી જેની સૌએ હા માં જવાબ આપ્યો હતો. સાથે જ પ્રધાનમંત્રીએ સૌએ કોરોનાની રસી લીધી છે કે નહીં એની પણ ચિંતા કરી હતી. માણસો માટે આધાર નંબર છે એવા જ પશુઓના 12 આંકડાના ઓળખ નંબરની વાત કરી મોદીએ સૌને પૂછ્યું કે એમના પશુઓના ઓળખ નંબર આવી ગયા છે કે નહિ.
પ્રધાનમંત્રીએ મધ ઉછેર કરનાર મહિલા ખેડૂતો સાથે વાત કરતાં મધ ઉછેરના ફાયદાઓ જણાવ્યા અને જણાવ્યુ કે જેમ ખેડૂતો ખેતી કરતાં હોય છે એમ આ મધમાખીઓ પણ ખેતી કરતી હોય છે. ઉપરાંત એમને રાઈના ઉત્પાદન અને એમાંથી તેલ બનાવવાના નવા પ્લાંટની પણ જાણકારી આપી હતી.
કોવિડ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવતી મફત રસી અંગે ચર્ચા કરતી વખતે, પ્રધાનમંત્રીએ અપીલ કરી કે તેઓએ વિવિધ રોગો સામે લડવા માટે સમાન તર્જ પર પ્રાણીઓને રસી અપાવવી જોઈએ. મહિલાઓએ આ મોરચે તેમને મળતા સહયોગ વિશે વાત કરી અને કહ્યું કે હવે જ્યારે પણ કોઈ પ્રાણી બીમાર હોય છે, ત્યારે એમ્બ્યુલન્સ 30 મિનિટમાં તેમના સુધી પહોંચે છે.
એક મહિલાએ પ્રધાનમંત્રીનો આભાર માનતા જણાવ્યુ કે પ્રધાનમંત્રીની ‘ઉજ્જવલા યોજના” દ્વારા મળેલ રાંધણગેસથી એમનું જીવન કેટલું સરળ અને સુગમ બન્યું છે તથા આ યોજના પહેલા એમના જીવનમાં કેવી તકલીફો પડતી હતી. પ્રધાનમંત્રીએ સૌ બહેનોને જનવ્યું કે હવે તો એ સૌની દસેય આંગળીઓ ઘીમાં છે કેમકે કેમકે એમને તો હવે ઘોબર ગેસ પ્લાન્ટમાંથી બાયોગેસનો પણ લાભ મળશે.
આ કાર્યક્રમના એક દિવસ પહેલા બનાસકાંઠામાં ઘણી મહિલાઓ ટ્રેકટરોમાં બેસીને ગામેગામ ફરી હતી અને અન્ય સૌ મહિલાઓને પ્રધાનમંત્રીના આ કાર્યક્રમમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ મહિલાઓને જણાવ્યુ કે એમણે પણ એ વિડીયો જોયો છે.
અંતમાં પશુપાલક મહિલાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવાદ પૂરો કરતાં સૌને ખુશ અને સ્વસ્થ રહેવાની શુભેચ્છાઓ પાઠવી અને સૌને બાળકો અને ખાસ તો દીકરીઓને ભણાવવા માટે પ્રેરિત કર્યા હતા.
પશુપાલક મહિલાઓ સાથે પ્રધાનમંત્રીના સમગ્ર વાર્તાલાપ દરમિયાન મહિલાઓએ સરકારની જે જે યોજનાઓ દ્વારા મળેલ લાભ જણાવ્યા હતા એની લિસ્ટ આ મુજબ છે.
- કો ઓપરેટિવ ડેરી યોજના (ડેરી દ્વારા રોજ ગામડે ગામડે જઈ દૂધ ભરાવવાની યોજના)
- જ્યોતિગ્રામ યોજના (ગામડાઓમાં ઘરે ઘરે 24/7 વીજળી પહોચાડવાની યોજના)
- મહિલાના નામ પર ખેતર લેવા પર ઓછી સ્ટેમ્પ ડ્યૂટીની યોજના
- પ્રધાનમંત્રી આવાસ યોજના (મહિલાઓના નામ પર ઘર માટે સહાયની યોજના)
- ટપક સિંચાઇ યોજના (ડ્રીપ ઇરિગેસન એટલે કે ટપક સિંચાઇ દ્વારા ખેતી કરવા પર સહાયની યોજના)
- બોરીબંધ યોજના (ગામે ગામ ચોમાસા દરમિયાન નાના ચેક ડેમો બાંધવાની યોજના)
- નર્મદા કેનાલ યોજના (દક્ષિણ ગુજરાતની નર્મદા નદીનું પાણી કેનાલ દ્વારા પૂરા રાજ્યમાં પૂરું પાડવાની યોજના)
- સરહદી વિસ્તારના વિકાસની યોજના (નાડાબેટ જેવા સરહદી વિસ્તારમાં પર્યટનને જોમ આપીને સ્થાનિકોમાં રોજગારીની તકો ઊભી કરવી)
- 108 ઇમર્જન્સી સેવા (એમ્બ્યુલન્સ સેવા)
- પશુ એમ્બ્યુલન્સ સેવા (પશુઓ માટે 108 ઇમર્જન્સી જેવી સેવા)
- મફત કોરોના રસીની યોજના (કોરોના મહામારી દરમિયાન દેશભરમાં અપાયેલ મફત કોરોના રસીની યોજના)
- પશુ રોગો માટેની રસીની યોજના (પશુઓના વિવિધ રોગો માટે સરકાર દ્વારા અપાતી રસીની યોજના)
- પશુ ઓળખ નંબર યોજના (પશુઓ માટે પણ આધાર નંબરની જેમજ 12 આંકડાનો યુનિક ઓળખ નંબર)
- ઉજ્જવલા યોજના (ગરીબ મહિલાઓને રાંધણગેસ પૂરો પાડવાની યોજના)
પશુપાલક મહિલાઓ સાથે પ્રધાનમંત્રીની આ સમગ્ર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ખૂબ જ હળવા અંદાજમાં રહ્યા અને મહિલાઓએ પણ ખૂબ જ સાહજિકતાથી પોતાની દરેક વાતો મૂકી. દરેક મહિલાઓના મોઢાના હાવભાવમાં સંતોષ અને અહોભાવ જોવા મળ્યો હતો. દેશની મહિલાઓ એ પ્રધાનમંત્રી મૂડીની એ મૂડી છે જે દરેક ચૂંટણીમાં પ્રધાનમંત્રીની વ્હારે આવી છે અને જેનું કારણ પ્રધાનમંત્રીનો આ સૌમ્ય સ્વભાવ, સામેવાળાના મનની વાત જાણી લેવાની આવડત અને ઉપર લીસ્ટમાં આપેલ યોજનાઓ જેવી અનેકવિધ યોજનાઓ એમાં કોઈ શંકા રહેતી નથી.