ઝારખંડના ગોડ્ડાથી સતત ત્રીજી વખત સાંસદ નિશિકાંત દુબેએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં માહિતી આપવામાં આવી છે કે તેમણે 10000 ગાયોને ગૌતસ્કરોથી મુક્ત કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાતના અંધારામાં બીજેપી નેતા નિશિકાંત દુબે પોતાના સમર્થકો સાથે રસ્તા પર ચાલી રહ્યા છે અને તેમની પાછળ ઘણી ગાયો છે. તેમણે માહિતી આપી હતી કે આ ગાયોને ગોડ્ડાના સરૈયાહાટમાંથી તસ્કરોના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવી છે. એક તરફ ઝારખંડમાં સાંસદે 10000 ગાયોને છોડાવી હોવાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ પોલીસે માત્ર 100/200 ગાયો હોવાની વાત કરી રહી છે.
ઝારખંડમાં સાંસદે 10000 ગાયોને બચાવી હોવાની આ ઘટના બુધવાર (28 ડિસેમ્બર, 2022) ની વહેલી સવારે બની જ્યારે નિશિકાંત દુબે ગોડ્ડાથી ભાગલપુર જઈ રહ્યા હતા. ઘટના બાબતે બીજેપી સાંસદે જણાવ્યું હતું કે કે બાંગ્લાદેશના ગૌત્સ્કરો આ ગાયોની તસ્કરીમાં લાગેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનના નેતૃત્વમાં તરક્કી(પ્રગતી)ના બદલે તસ્કરી થઈ રહી છે.
आज सुबह 5 बजे गोड्डा लोकसभा के सरैयाहाट में,10 हज़ार से अधिक गौ माता को बचाने का काम हमने किया,इन सभी को बांग्लादेश तस्कर @HemantSorenJMM जी के नेतृत्व में तरक्की के जगह तस्करी करा रहे हैं ।मोइउद्दीन व अली अंसारी पुलिस के हवाले @yourBabulal @AmitShah @BJP4Jharkhand @dprakashbjp pic.twitter.com/4WDs3VXqya
— Dr Nishikant Dubey (@nishikant_dubey) December 28, 2022
200 ગૌવંશ હોવાનો પોલીસનો દાવો
આ ઘટનામાં મોઇનુદ્દીન અને અલી અંસારી નામના બે આરોપીઓને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાબતે પોલીસનું કહેવું છે કે 200 ગાયોને તસ્કરોના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પોલીસને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે અહીં 100-150 ગાયો છે. તેમને બાંગ્લાદેશ લઈ જવામાં આવી રહી હતી. ‘દૈનિક ભાસ્કર‘ સાથે વાત કરતાં સરૈયાહાટ પોલીસ સ્ટેશનના વડા વિનય કુમારે જણાવ્યું હતું કે તસ્કરોએ ગાયોને બાંગ્લાદેશમાં વેચવાની કબૂલાત કરી નથી.
કેવી રીતે પકડાયા તસ્કરો?
દૈનિક ભાસ્કરે જ્યારે આ મામલે સાંસદ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે જણાવ્યું હતું કે, “હું ભાગલપુરમાં મારો મત આપવા જઈ રહ્યો હતો. સરૈયાહાટના સ્ટેશન ઈન્ચાર્જ કારને સ્કૉટ કરી રહ્યા હતા ત્યારે જ આ લોકો રસ્તા પર મળ્યા. મારી નજર સામે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.” ભાજપના નેતાઓ ગાયની તસ્કરીનો મુદ્દો સતત ઉઠાવી રહ્યા છે.
ગૌતસ્કરોની કડક પૂછપરછ કરવામાં આવશે તેવી ખાતરી આપતાં તેમણે કહ્યું કે ગાયોને ઝારખંડથી બાંગ્લાદેશ કેવી રીતે લઈ જવામાં આવે છે તે અંગે પણ માહિતી લેવામાં આવશે. પોલીસ કાર્યવાહી બાદ ગાયોને ગૌશાળામાં મોકલવામાં આવશે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ મરાંડીએ પણ આરોપ લગાવ્યો છે કે જેએમએમ સરકાર ગાયના દાણચોરો સામે કાર્યવાહી ન કરીને તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ છે.