મહારાષ્ટ્રના અમરાવતીમાં હિંદુ કેમિસ્ટ ઉમેશ કોલ્હેની થયેલી હત્યાનો મામલો હાલ ચર્ચામાં છે, ત્યારે હવે કેસમાં નવો વળાંક આવ્યો છે. જાણવા મળ્યા અનુસાર, આ કેસમાં હવે તત્કાલીન મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેના ફોન કોલની પણ તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રીએ આ જાણકારી આપી છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે, સ્ટેટ ઇન્ટેલિજન્સ વિભાગ એ મામલે પણ તપાસ કરશે કે શું ઉદ્ધવ ઠાકરેએ અમરાવતી પોલીસને ચોરીના એંગલથી તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા કે નહીં? હાલ આ મામલે NIA તપાસ કરી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉમેશ કોલ્હેની હત્યા બાદ શરૂઆતમાં અમરાવતી પોલીસે તેને ચોરીનો કેસ ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે હત્યારાઓએ ચોરીના આશયથી ઉમેશને ઘેરી લીધા હતા અને દાદ ન આપતાં હત્યા કરી નાંખી હતી. પરંતુ પછીથી સામે આવ્યું હતું કે, ઇસ્લામીઓએ કરેલી આ હત્યા પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે કરવામાં આવી હતી અને તેમાં ચોરીની કોઈ વાત ન હતી. ઉમેશ કોલ્હેને નૂપુર શર્માના સમર્થન બદલ મારી નાંખવામાં આવ્યા હતા.
આ મુદ્દો અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઉમેશ કોલ્હેની ગત 21 જોઊંના રોજ હત્યા થઇ હતી. ત્યારે મહાવિકાસ આઘાડી સરકારમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હતા. પરંતુ પોલીસે આ કેસની તપાસ ચોરીના એન્ગલથી કરી હતી.
ગૃહમાં બોલતી વખતે રવિ રાણાએ એમ પણ કહ્યું કે, અમરાવતીના પોલીસ કમિશનર આરતી સિંઘને આ કેસની તપાસ ચોરીના એન્ગલથી કરવા માટે ઉદ્ધવ ઠાકરેએ જ આદેશ આપ્યા હતા. તેમણે આ એક કોંગ્રેસ નેતાના કહેવા પર કર્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. તેમણે આ ફોન કોલને લઈને એક વિશેષ તપાસ ટીમના માધ્યમથી ઉંડાણપૂર્ણકની તપાસ કરવા માટેની માંગ કરી હતી.
જેના જવાબમાં ગૃહમંત્રી તરફથી જવાબ આપતા સરકારના મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે, કેસને દબાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હોય તો મામલાની તાસ રાજ્યનો ઇન્ટેલિજન્સ વિભાગ કરશે અને ગૃહમંત્રીને (દેવેન્દ્ર ફડણવીસ) રિપોર્ટ સોંપવામાં આવશે, ત્યારબાદ યોગ્ય કાર્યવાહી થશે.
ઠાકરે પરિવાર માટે આ ઉપરાછાપરી બીજો ઝાટકો લાગ્યો છે, કારણ કે આ પહેલાં સરકાર દિશા સાલિયાન કેસમાં SIT રચવાની જાહેરાત કરી ચૂકી છે. જેમાં ભાજપ ધારાસભ્ય નિતેશ રાણેએ આદિત્ય ઠાકરે પર આરોપો મૂકી તેમનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. બીજી તરફ, સંસદમાં શિવસેના (શિંદે જૂથ) સાંસદ રાહુલ શેવાળેએ મુદ્દો ઉઠાવીને દાવો કર્યો હતો કે, સુશાંતના મૃત્યુ પહેલાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને AU નામથી 44 કોલ આવ્યા હતા. હવે, ઉમેશ કોલ્હે હત્યા કેસમાં ઉદ્ધવ ઠાકરે સામે પણ તપાસ થશે તેવી પ્રબળ શક્યતાઓ છે.