Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં ભાજપના અભૂતપૂર્વ વિજય બાદ ગુજરાતી અખબારો બન્યાં મોદીમય; ક્યાંક આડકતરો સંતાપ...

    ગુજરાતમાં ભાજપના અભૂતપૂર્વ વિજય બાદ ગુજરાતી અખબારો બન્યાં મોદીમય; ક્યાંક આડકતરો સંતાપ પણ દેખાયો

    ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં મીડિયા અને ભાજપના સંબંધો ઉપર નીચે થતાં રહ્યાં છે. આવામાં આજના અખબારોની હેડલાઈન્સ અને ફ્રન્ટ પેજીસ વિષે જાણકારી મેળવવી અત્યંત જરૂરી બની જાય છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે એકલાએ 180માંથી 156 બેઠકો મેળવી છે જે અગાઉના 149ના રેકોર્ડને પાછળ છોડી દે છે. ભાજપની ઐતિહાસિક જીત ગુજરાતી સમાચાર પત્રોને પણ ગમી ગઈ હોય એવું લાગી રહ્યું છે.

    સામાન્યતઃ ગુજરાતી મીડિયા અને મીડીયાકર્મીઓ ભાજપ સાથે કે પછી નરેન્દ્ર મોદી સાથે કોઈ અંગત દુશ્મનાવટ હોય એવું વર્તન કરતાં હોય છે એવું ગુજરાતની સામાન્ય જનતા માને છે. પરંતુ પેલું કહેવાય છે ને કે જ્યારે તમે પોતાની જાતને મુઠ્ઠી ઉંચેરી પુરવાર કરી દો છો ત્યારે તમારાં ભલભલાં દુશ્મને પણ તમારાં વખાણ કરવાં પડતાં હોય છે.

    2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ચારેતરફ ભાજપની ઐતિહાસિક જીત જ ચર્ચામાં છે અને આથી ગુજરાતી મીડિયા અથવાતો ગુજરાતી અખબારો કેવી રીતે પાછળ રહી જાય. આજે પ્રકાશિત થયેલા લગભગ તમામ ગુજરાતી અખબારોએ ભાજપની આ જીતને સ્વાભાવિકપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત સાથે સાંકળીને તેને વધાવી લીધી છે.

    - Advertisement -

    ગુજરાતના દરેક મુખ્ય અખબારના ફ્રન્ટ પેજ પર ભાજપને તો વધાવી જ લેવામાં આવ્યો છે પરંતુ નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સ પણ આ ફ્રન્ટ પેજ પર અચૂક મૂક્યાં હોય તેવું ભાસે છે. અમે ગુજરાતના છ મુખ્ય અખબારો દિવ્ય ભાસ્કર, સંદેશ, ફૂલછાબ, નવગુજરાત સમય, ગુજરાત મિત્ર અને ગુજરાત સમાચારના આજનાં ફ્રન્ટ પેજની ચકાસણી કરી અને તમામમાં ભાજપની ઐતિહાસિક જીત વિષે ભરપુર વખાણ થયાં હોવાનું જોવા મળી રહ્યું છે.

    એક હકીકત ઉડીને આંખે વળગે એવી એ છે કે ગુજરાત સમાચારે પણ આ વિજયનાં વખાણ તો કર્યા છે પરંતુ તેના વખાણમાં ક્યાંક એ રણકો નથી જે અન્ય અખબારોની હેડલાઈન્સમાં કે અંદરની મેટરમાં જોવા મળી રહ્યાં છે. તો ચાલો તપાસીએ ગુજરાતના વિવિધ અખબારોએ ગઈકાલની ભાજપની જીતને કેવી રીતે વર્ણવી છે.

    સહુથી પહેલાં ગુજરાતમાં સહુથી વધુ સર્ક્યુલેશન હોવાનો દાવો કરતાં દિવ્ય ભાસ્કરને જોઈએ તો તેણે પોતાની ફ્રન્ટ સ્ટોરીમાં માધવસિંહ સોલંકીના 149ના રેકોર્ડ સાથે નરેન્દ્ર મોદીના 156 બેઠકોના નવા રેકોર્ડને સરખાવ્યો છે. આ ઉપરાંત “મેં ઈતિહાસ બનાવ્યો” – નરેન્દ્ર મોદી એ પ્રકારનું કેપ્શન પણ તેમાં આપણે જોઈ શકીએ છીએ.

    દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર 8 મુદ્દાઓમાં ભાજપની ઐતિહાસિક જીત વિષે સમજાવવામાં આવ્યું છે. આમ આ રીતે દિવ્ય ભાસ્કરે નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત ભાજપના આ દેખાવને વધાવી લીધો છે.

    તો સંદેશ ગઈકાલની જીતને અદભુત, અદ્વિતીય, અને અકલ્પનીય ગણાવે છે. ગુજરાતમાં સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી સત્તામાં પરત આવી તેને તેણે ‘સત્તે પે સત્તા’ કહીને શ્લેષ અલંકારનો અદભુત ઉપયોગ કર્યો છે. જો કે તમામ અખબારોના ફ્રન્ટ પેજમાં સંદેશનું ફ્રન્ટ પેજ અત્યંત સાદું ભાસી રહ્યું છે પરંતુ તેણે આ પરિણામોને પોતાની હેડલાઈન દ્વારા અનોખી રીતે વર્ણવી દીધાં છે.

    દક્ષિણ ગુજરાતના ખ્યાતનામ અખબાર અને સુરતથી પ્રકાશિત થતાં ગુજરાત મિત્રએ પણ શ્લેષ અલંકારનો ઉપયોગ કર્યો છે અને ભાજપની જીતને કમાલની એટલેકે કમળની જીત કહી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રખ્યાત 56ની છાતીના સંવાદને પણ તેણે પોતાની હેડલાઈનમાં વણી લીધો છે.

    અમદાવાદથી પ્રકાશિત થતાં નવગુજરાત સમય પોતાની સરળતા માટે જાણીતું છે અને તેણે પણ ભાજપની ઐતિહાસિક જીત સરળ શબ્દોમાં જ વર્ણવી છે. પોતાની હેડલાઈનમાં નવગુજરાત સમયે રામગોપાલ વર્માની જાણીતી ફિલ્મ અબતક 56નો પ્રાસ ભાજપને મળેલી 156 બેઠકો સાથે મેળવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ અબતકને બદલે ફક્ત અબ લખવાથી વાચકો જરૂર ગૂંચવાયા હશે.

    નવગુજરાત સમયે ફ્રન્ટ પેજ પર નરેન્દ્ર મોદીનો ફૂલ સાઈઝ ફોટો આપ્યો છે તો ભાજપના અન્ય મહત્વના નેતાઓ જેમકે અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની તસ્વીરો પણ જોઈ શકાય છે.

    તો સૌરાષ્ટ્રવાસીઓનાં હ્રદયમાં આગવું સ્થાન ધરાવતાં ફૂલછાબનું ફ્રન્ટ પેજ પણ ગઈકાલના પરિણામો અંગેની  માહિતી તેમજ ગ્રાફિક્સથી ભરપુર દેખાય છે. એક તસ્વીરમાં નરેન્દ્ર મોદીનો ચહેરો KGF ફિલ્મના પોસ્ટર સાથે સાંકળવામાં આવ્યો છે તો બીજા ફોટામાં ભાજપે નોંધાવેલા સહુથી વધુ બેઠકો જીતવાના વિક્રમની નોંધ કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ સાથે જોડીને સર્જનશક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    સૌરાષ્ટ્રનું અખબાર હોવાથી ફૂલછાબે સૌરાષ્ટ્રની બેઠકો પર આવેલાં પરિણામો વિષે પણ વિસ્તારમાં લખ્યું છે અને તેનું વિશ્લેષણ આ ફ્રન્ટ પેજ પર કર્યું છે.

    ઘોર મોદી વિરોધી હોવાની છાપ ધરાવતું ગુજરાત સમાચાર પણ ભાજપની ઐતિહાસિક જીત વિષે પોતાના ફ્રન્ટ પેજને સજાવવાથી દૂર નથી રહ્યું. પરંતુ તેણે એક જગ્યાએ સરકાર વિરુદ્ધ અનેક મુદ્દાઓ હોવા છતાં ભાજપ જીતી ગયું તેની નોંધ પણ લીધી છે. તો ગુજરાત કોંગ્રેસ સરકારના રીમોટ કંટ્રોલથી ચાલતી હોવાનો આરોપ પણ તેણે લગાવી દીધો છે.

    આમ ગુજરાતના તમામ અખબારોએ ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત વિષે પોતાના ફ્રન્ટ પેજીસ પર વિવિધતા દર્શાવી છે અને ઘણાં બધાં અખબારોએ પ્રથમ પાને જ આ વિજય વિષે પુરક માહિતી પણ આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં