દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ એક સ્ટિંગ વિડીયો જારી કરીને આમ આદમી પાર્ટી (AAP) પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલાં બિંદુ શ્રીરામ પાસેથી ટિકિટ માટે 80 લાખ રૂપિયા માંગ્યા હતા.
ભાજપે વિડીયો જારી કરીને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ વૉર્ડ નંબર 54D થી કોર્પોરેટરની ટિકિટ આપવા માટે બિંદુ શ્રીરામ પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમને તમામ રકમ એકસાથે આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ બિંદુએ કહ્યું હતું કે, તેઓ ટોકન તરીકે પહેલાં 21 લાખ આપશે, પછી 40 લાખ અને 20 લાખ રૂપિયા ચૂકવશે. જોકે, તેમને ના પાડી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે, લોકસભામાંથી પહેલેથી જ 8 નેતા પૈસા આપી ચૂક્યા છે.
केजरीवाल की शह पर आम आदमी पार्टी के नेता उगाही करने में लगे हुए हैं। #AAPStopFoolingDelhi pic.twitter.com/AxayUXnv9u
— BJP Delhi (@BJP4Delhi) November 21, 2022
ભાજપે બે વિડીયો જારી કર્યા છે. જેમાં પહેલા વિડીયોમાં એક મહિલા (બિંદુ શ્રીરામ) અને બે વ્યક્તિઓ વાતચીત કરતા જોવા મળે છે. જેમનો એક વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પુનિત ગોયલ હોવાનું કહેવાય છે. અન્ય વ્યક્તિ દિનેશ શ્રોફ છે. વિડીયોમાં તેઓ ત્રણેય ટિકિટ માટે પૈસાની વાત કરતા સંભળાય છે.
વિડીયોમાં આમ આદમી પાર્ટીના માણસો મહિલાને સંપૂર્ણ રકમ આપવા માટે કહીને કહે છે કે, જો તેઓ રૂપિયા આપે તો જ તેમનું નામ આગળ મોકલવામાં આવશે. નેતાઓ તેમને કહે છે કે, લોકસભા વિસ્તારના આઠ ઉમેદવારોના પૈસા આવી ગયા છે જેથી જો તેમનું નામ પાંચ સભ્યોની સમિતિ પાસે મોકલવું હોય તો પૈસા ચૂકવવા પડશે.
વિડીયોમાં મહિલા વારંવાર કહે છે કે તે અડધી રકમ હમણાં આપે અને ત્યારબાદ બાકીની રકમ ચૂકવી દેશે. જોકે, AAP નેતાઓ ઇનકાર કરીને કહે છે કે તેઓ 80 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ એકસાથે જ મોકલી આપે.
અન્ય એક વિડીયોમાં બિંદુ શ્રીરામ એક કારમાં એક વ્યક્તિ સાથે વાત કરતાં જોવા મળે છે. આ નેતા આર. આર પઠાનિયા હોવાનું કહેવાય છે. જેમાં પણ તેઓ પૈસાની વાત કરતા સંભળાય છે અને મહિલા નેતાને કહે છે કે તેઓ ‘ગ્રીન સિગ્નલ’ આપશે તો પોત પૈસા ચૂકવી દેશે. વીડિયોમાં બિંદુ શ્રીરામ એમ પણ પૂછે છે કે પાંચ સભ્યોની સમિતિમાં કોણ-કોણ છે? જેના જવાબમાં AAP નેતા ગોપાલ રાય, સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેનાનું નામ લેતા સંભળાય છે.
कट्टर भ्रष्टाचारी AAP फिर हुई एक्सपोज़। #AAPStopFoolingDelhi pic.twitter.com/ux1iwDWF0G
— BJP Delhi (@BJP4Delhi) November 21, 2022
પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, પુનિત ગોયલ રોહિણી વિધાનસભાના આમ આદમી પાર્ટીના કૉ-ઓર્ડિનેટર ઇન્ચાર્જ છે અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયના પણ નજીકના માણસ છે. અન્ય એક વ્યક્તિ, દિનેશ શ્રોફ છે, જેઓ પુનિત અને આર. આર પઠાનિયાના નજીકના વ્યક્તિ છે. આર. આર પઠાનિયા લોકસભા નોર્થ વેસ્ટ બેઠકના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ હોવાનું કહેવાય છે. સંબિત પાત્રાએ તેમની કેજરીવાલ સાથેની તસ્વીર પણ બતાવી હતી.